બાળકને ન્યુમોનિયાથી બચાવતી ‘ન્યુમોફોકલ’ વેક્સિન મુકવાનું શરૂ: બપોર સુધીમાં 150 રસી મુકાઈ

20 October 2021 04:46 PM
Rajkot Saurashtra
  • બાળકને ન્યુમોનિયાથી બચાવતી ‘ન્યુમોફોકલ’ વેક્સિન મુકવાનું શરૂ: બપોર સુધીમાં 150 રસી મુકાઈ

ગુજરાતમાં પહેલી વખત શરૂ કરાયેલું રસીકરણ: મહાપાલિકાને ફાળવાયા 2500 ડોઝ: દરેક આરોગ્ય કેન્દ્રો ઉપર વેક્સિન મુકાવી શકાશે: બાળક 6 સપ્તાહનું થાય એટલે પ્રથમ ડોઝ આપી દેવો હિતાવહ

* ખાનગી હોસ્પિટલ જે રસી મુકવાના રૂા.2500 લ્યે છે તે હવે મહાપાલિકા વિનામૂલ્યે આપશે

રાજકોટ, તા.20
બાળકોમાં છેલ્લા ઘણા સમયથી ન્યુમોનિયાની બીમારી વધુ પ્રમાણમાં જોવા મળતી હોવાથી તેને અટકાવવાનો પડકાર આવી પડ્યો છે. બીજી બાજુ નાના ભૂલકાઓને આ બીમારીથી બચાવવા માટે સરકાર દ્વારા રાજ્યમાં પહેલી વખત ‘ન્યુમોફોકલ’ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજકોટ મહાપાલિકાને પણ આ રસીના 2500 જેટલા ડોઝ ફાળવવામાં આવતાં વિવિધ આરોગ્ય કેન્દ્રો ઉપર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં 150 જેટલા બાળકોને આ રસી મુકાઈ હોવાનું અધિકારીઓમાંથી જાણવા મળી રહ્યું છે.

આ અંગે મહાપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે ‘ન્યુમોફોકલ’ રસીના બાળકને ત્રણ ડોઝ આપવાના હોય છે. આ રસીનો પહેલો ડોઝ બાળક 6 સપ્તાહનું થાય ત્યારે આપવાનો હોય છે. આ પછી બીજો ડોઝ 14 સપ્તાહનું થાય ત્યારે અને ત્રીજો મતલબ કે બુસ્ટર ડોઝ નવમા મહિને આપવાનો હોય છે. આ રસી ગુજરાતમાં પહેલી વખત આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ વેક્સિનનો એક ડોઝ ખાનગી હોસ્પિટલમાં 2000થી 2500 રૂપિયામાં આપવામાં આવે છે પરંતુ હવે મહાપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં તે વિનામૂલ્યે આપવામાં આવશે. સરકાર દ્વારા મહાપાલિકાને 2500 જેટલા ડોઝની ફાળવણી કરવામાં આવી છે. બાળકના વાલીઓ આરોગ્ય કેન્દ્રો ઉપર પંચક્ષુણી રસીનો પહેલો ડોઝ લેવા આવે એટલે તેની સાથે જ ‘ન્યુમોફોકલ’ રસી પણ મેળવી શકશે.

રાજકોટ જિલ્લામાં 3225 ડોઝ અપાયા: 291 સ્થળે કરાશે વેક્સિનેશન
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરીએ જણાવ્યું કે સરકાર દ્વારા રાજકોટ જિલ્લા માટે ‘ન્યુમોફોકલ’ રસીના 3225 ડોઝ ફાળવવામાં આવ્યા છે જેનું વેક્સિનેશન બપોરે 2:30 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આ માટે જિલ્લામાં 291 સ્થળે વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

‘ન્યુમોફોકલ’ રસીને કારણે ન્યુમોનિયા બાળકનો ભોગ નહીં લઈ શકે
તબીબોએ જણાવ્યું કે ગુજરાતમાં પહેલી વખત ‘ન્યુમોફોકલ’ રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ રસીનો મુખ્ય ફાયદો એ છે કે તે ન્યુમોનિયાને બાળકનો ભોગ લેવા દેતી નથી. કોરોના વેક્સિનની જેમ જ આ વેક્સિન લઈ લેવાથી બાળકનો જીવ ન્યુમોનિયાથી જશે નહીં. ઉદાહરણ તરીકે કોરોના વેક્સિન લીધા બાદ તે વ્યક્તિને બીજી વખત કોરોના થશે કે નહીં તેની ગેરંટી નથી હોતી પરંતુ તેનો જીવ જવાની સંભાવના ઘણી ઘટી જાય છે તેવી જ રીતે આ રસી પણ ન્યુમોનિયાથી બાળકનું રક્ષણ કરશે.


Related News

Loading...
Advertisement
Advertisement