રાજકોટના કેયુર કામદારે ઑસ્ટ્રેલિયામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને રચ્યો ઈતિહાસ

21 October 2021 11:40 AM
Rajkot
  • રાજકોટના કેયુર કામદારે ઑસ્ટ્રેલિયામાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને રચ્યો ઈતિહાસ

* જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત: ઑસ્ટ્રેલિયામાં ચૂંટાનારા પહેલાં ગુજરાતી

* 6 ટર્મથી જીતી રહેલા અને 14 વર્ષથી ડેપ્યુટી ચેર (ડેપ્યુટી મેયર) તરીકે કાર્યરત ઉમેદવારને હરાવી અપસેટ સર્જી દીધો: કેયુર કામદારને 1339 અને હરિફ ઉમેદવારને મળ્યા 875 મત

* આ વોર્ડમાં ગુજરાતી, પંજાબી અને દક્ષિણ ભારતના મતદારોનો મળ્યો ભરપૂર સાથ: કેયુર કામદારને ડેવલપમેન્ટ અને કોમ્યુનિટી કમિટીમાં સમાવાયા

* પર્થમાં સિટી ઑફ આર્માડેલના રેનફોર્ડ વોર્ડની ચૂંટણીમાં મેળવી શાનદાર જીત

* ડોર ટુ ડોર નોકિંગ, વન બુથ ટેન યુથ અને સોશ્યલ મીડિયા સહિતના સહારે મેળવેલી સફળતા

રાજકોટ, તા.21
‘જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત’ કહેવતને સાર્થક કરતાં રાજકોટના જાણીતા કરવેરા સલાહકાર સ્વ.યોગેશભાઈ કામદારના મોટા પુત્ર અને યુવા ટેક્સ એડવોકેટ હેમલભાઈ કામદારના મોટાભાઈ કેયુરભાઈ કામદારે ઑસ્ટ્રેલિયામાં અત્યંત મહત્ત્વની ગણાતાં કાઉન્સીલ ઈલેક્શનમાં જ્વલંત જીત હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. છેલ્લા 14 વર્ષથી ઑસ્ટ્રેલિયામાં જ સ્થાયી થયેલા કેયુરભાઈએ પર્થના સિટી ઑફ આર્માડેલના રેનફોર્ડ વોર્ડની ચૂંટણીમાં 6 ટર્મથી ચૂંટાઈ રહેલા અને 14 વર્ષથી ડેપ્યુટી ચેર મતલબ કે ડેપ્યુટી મેયર તરીકે કાર્યરત ઉમેદવારને હરાવીને ચૂંટણીમાં જીત મેળવી છે. આ સાથે જ ઑસ્ટ્રેલિયામાં ચૂંટાનારા કેયુરભાઈ કામદાર પહેલાં ગુજરાતી પણ બન્યા છે. જીત મેળવ્યા બાદ તેમણે કાઉન્સીલર તરીકેના શપથ ગ્રહણ કરી લીધા છે અને વૉર્ડના વિકાસ માટેની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દીધી હોવાનું તેમણે ઑસ્ટ્રેલિયાથી ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

કેયુરભાઈ કામદારે જણાવ્યું કે રેનફોર્ડ વોર્ડમાં ગુજરાતી, પંજાબી અને દક્ષિણ ભારતીય રાજ્યમાંથી આવતાં લોકોની વસતી 20થી 25% જેટલી છે અને તેમનો આ ચૂંટણીમાં ભરપૂર સાથ પણ મળ્યો છે. રેનફોર્ડ વોર્ડની ચૂંટણીમાં તેમને 1339 મત મળ્યા હતા તો તેમના હરિફ ઉમેદવારને 875 મત પ્રાપ્ત થયા હતા. આ પહેલાં 2017માં પણ તેમણે ચૂંટણી લડી હતી પરંતુ તેમાં જીત હાંસલ થઈ નહોતી. જો કે આ વખતે તેમણે ડોર ટુ ડોર નોકિંગ, એક બુથ ટેન બુથની ફોર્મ્યુલા અને સોશ્યલ મીડિયા થકી પ્રચાર કરીને ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. કેયુરભાઈ 14 વર્ષથી ઑસ્ટ્રેલિયામાં જ રહે છે અને અહીં તેઓ બેન્કીંગ સેક્ટર સાથે સંકળાયેલા છે.

આ વોર્ડમાં અમુક મુદ્દાઓ હતા જેનો ઉકેલ લાવવો જરૂરી બની ગયો હોવાથી તેમણે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો હતો. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમણે શપથ લઈ લીધા છે અને હવે તેમને ડેવલપમેન્ટ અને કોમ્યુનિટી કમિટીમાં સમાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયામાં કાઉન્સીલની ચૂંટણી અત્યંત અલગ રીતે થાય છે અને તેમાં પોસ્ટલ બેલેટનો જ ઉપયોગ કરવામાં આવે છે.

અહીંના મતદારોના ઘેર પોસ્ટલ બેલેટ મોકલી આપવામાં આવે છે જે તેમણે ત્રણ સપ્તાહની અંદર હસ્તાક્ષર કરીને પોસ્ટ બૉક્સમાં નાખી દેવાનું હોય છે. જો કોઈ મતદાર પોસ્ટલ બેલેટની જગ્યાએ મતદાન મથક પર જઈને મતદાન કરવા ઈચ્છે તો આ સુવિધા પણ તેને આપવામાં આવે છે. કેયુરભાઈએ કહ્યું કે ગુજરાતમાં જેવી રીતે મહાનગરપાલિકાની ચૂંટણી હોય છે તેવી જ રીતે ઑસ્ટ્રેલિયામાં કાઉન્સીલ ઈલેક્શન થતું હોય છે જેમાં સ્થાનિક મુદ્દાઓ અગ્રેસર રહે છે.

મતદારને મત આપવા માટે મળે છે ત્રણ સપ્તાહનો સમય: પ્રચારમાં કોઈ હોહા કે દેકારો નહીં
કેયુરભાઈ કામદારે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અહીંની ચૂંટણી ભારતમાં યોજાતી ચૂંટણીઓ કરતાં ઘણી અલગ હોય છે. અહીં ચૂંટણી જાહેર થાય એટલે મતદારોના ઘેર પોસ્ટલ બેલેટ મોકલી આપવામાં આવે છે. બેલેટ મળ્યા બાદ મતદારને મત આપવા માટે ત્રણ સપ્તાહનો સમય અપાય છે અને ત્યારપછી તે પોતાના હસ્તાક્ષર સાથેનું બેલેટ પોસ્ટ બોક્સમાં નાખી આવે છે. આ પછી પણ જો કોઈ મતદાર રહી જાય તો તેઓ મતદાન મથક પર જઈને મત આપી શકે છે. જો કે મતદાન માટે કોઈ પ્રકારની લાંબી લાઈનો હોતી નથી કે ન તો પ્રચારમાં હો હા કે દેકારો થાય છે.

રેનફોર્ડ વોર્ડમાં મકાનવેરા ઉપરાંત લાયબ્રેરી અને રમત-ગમતનું મેદાન નહીં હોવા સહિતના મુદ્દા રહ્યા કેન્દ્રસ્થાને
કેયુરભાઈએ જણાવ્યું કે મેં જ્યાંથી ચૂંટણી જીતી છે તે રેનફોર્ડ વોર્ડમાં હાઉસટેક્સ મતલબ કે મકાનવેરો અત્યંત વધુ હોવાને કારણે તે મુદ્દો ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે અહીં લેવાતો હાઉસટેક્સ બાજુના જ વોર્ડ કરતાં વધુ હતો જેને સમાંતર કરવો જરૂરી બની જાય છે. આ ઉપરાંત વોર્ડમાં ચાર સ્કૂલ આવેલી છે પરંતુ અહીં લાયબ્રેરી કે બાળકો માટે રિક્રિએશન મતલબ કે રમત-ગમતનું મેદાન ન હોવાને કારણે તેમણે બાજુના વોર્ડમાં જવું પડતું હોવાથી આ મુદ્દા ચૂંટણીમાં અગ્રેસર રહ્યા હતા.

અહો આશ્ચર્યમ્: અહીં કોઈ પક્ષનો કાર્યરત કાઉન્સીલ ઈલેક્શન ન લડી શકે
પર્થના સિટી ઑફ આર્માડેલના રેનફોર્ડ વોર્ડમાં જીત મેળવનારા કેયુરભાઈ કામદારે કહ્યું કે કાઉન્સીલ ઈલેક્શન ડેમોક્રેટિક એટલે કે લોકતાંત્રિક રીતે થાય છે. અહીં જો કોઈ કાર્યકર પક્ષ સાથે જોડાયેલો અથવા તેની વિચારધારા સાથે વણાયેલો હોય તો તે કાઉન્સીલ ઈલેક્શન લડી શકતો નથી. આ ચૂંટણી લડનારા ઉમેદવારો ઈન્ડીપેન્ડેન્ટ મતલબ કે અપક્ષ હોય છે તેઓ જ લડી શકે છે. કેયુરભાઈ કામદારે આ ચૂંટણીમાં જીત હાંસલ કરી લીધા બાદ હવે તેઓ 2025 સુધી કાઉન્સીલર તરીકે કાર્યરત રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement