ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન

21 October 2021 11:54 AM
Ahmedabad Entertainment Gujarat
  • ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન

રામાનંદ સાગરની ‘રામાયણ’માં ચંદ્રકાંત પંડ્યાએ ‘નિષાદ રાજ’ની યાદગાર ભૂમિકા નિભાવી હતી

ચંદ્રકાંત પંડ્યાને ગુજરાતી ફિલ્મ ‘માનવીની ભવાઈ’ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો : ‘કાદુ મકરાણી’માં તેમણે પ્રથમ ભૂમિકા નિભાવી : 700થી વધારે ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો : અમઝદખાન અને ચંદ્રકાંત પંડ્યાએ કોલેજમાં સાથે અભ્યાસ કર્યો હતો

ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું મુંબઈ ખાતે 78 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ ગઇકાલે નિધન થયું છે. તેમણે રામાયણ સીરીયલમાં નિષાદ રાજની ભૂમિકા ભજવી હતી. તેમજ અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. તેમને શ્રેષ્ઠ અભિનય બદલ ફિલ્મ ‘માનવીની ભવાઈ’ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. ચંદ્રકાંત પંડ્યાએ ‘મહીયરની ચુંદડી’ ગુજરાતી ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો હતો. આજે મુંબઈ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

જીવન ઝરમર
અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનો જન્મ તા. 1-1-1946નાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામમાં થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈ આવીને વસ્યા. આથી ચંદ્રકાંત પંડ્યાનું બાળપણ મુંબઈમાં વીત્યું. અને અભ્યાસ પણ મુંબઈમાં કર્યો હતો. ‘શોલે’ ફિલ્મના અમજદખાન સાથે તેમની ગાઢ દોસ્તી હતી. બન્ને કોલેજમાં સાથે હતા.

ચંદ્રકાંત પંડ્યાને બાળપણથી નાટકોમાં રુચી હતી. પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ નાટકોમાં ભાગ લેવા લાગ્યા. તેમને ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે નાટકોમાં કામ કરવાની તક મળી. અહીંથી તેમણે અભિનય કરવાનું શરુ કર્યું. તેમનો પ્રથમ બ્રેક મળ્યો ગુજરાતી ફિલ્મ ‘કાદુ મકરાણી’થી. ત્યારબાદ તેઓ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા બની ગયા. ત્યારપછી તેમણે અભિનયમાં પાછું વાળીને જોયું નથી.

રામાનંદ સાગરની સિરીયલ ‘રામાયણ’માં તેમની નિષાદ રાજની ભૂમિકા હતી. આજે પણ લોકો તેમની આ ભૂમિકાને ભૂલી શક્યા નથી. તેમણે રામાયણ સહિત 700થી વધારે હિંદી-ગુજરાતી ફિલ્મો તથા ધારાવાહિકોમાં ભૂમિકા નિભાવી છે. જેમાં વિક્રમ વેતાલ, સંપૂર્ણ મહાભારત, હોતે હોતે પ્યાર હો ગયા, મહીયરની ચુંદડી, શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચુંદડી, પાતળી પરમાર વગેરે. કેટલીક ફિલ્મો છોડી દઇએ તો તેમણે વધારે સહાયક અભિનેતાની ભૂમિકા નિભાવી છે.

જ્યારે 2020નાં લોકડાઉનમાં દર્શકોની માંગ પર રામાનંદ સાગરની ‘રામાયણ’નું પુન: પ્રસારણ કરાયું તેમાં ભગવાન રામના બાળપણના મિત્ર નિષાદ રાજની ભૂમિકા ચંદ્રકાંત પંડ્યાએ નિભાવી હતી. તેમના ચહેરા પર ઝળકતો મિત્રતાનો ભાવ અને તેમનો જબરદસ્ત અભિનય કદાચ કોઇ ભૂલી શકે. તેમને લોકો પ્રેમથી ‘બબલા’ નામથી બોલાવતા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement