ઉતરાખંડમાં જલપ્રકોપથી ઉતરપ્રદેશનાં અનેક ગામો ડુબ્યા

21 October 2021 12:05 PM
India
  • ઉતરાખંડમાં જલપ્રકોપથી ઉતરપ્રદેશનાં અનેક ગામો ડુબ્યા

શારદા, રામગંગા, કોસી વગેરે નદીઓ બે કાંઠે: બનબસા, કાલાગઢ સહિત અનેક ડેમોમાંથી પાણી છોડવાથી મુરાદાબાદ, લખીમપુર, ખીરી, બરેલી સહિત અનેક જીલ્લાના ગામો ડુબ્યા: હજારો એકર ખેતર જલમગ્ન: પીલીભીતમાં 26 લોકોનો પુરથી સેનાના હેલીકોપ્ટર દ્વારા બચાવ

નવી દિલ્હી તા.21
ઉતરાખંડનાં પર્વતીય વિસ્તારોમાં થયેલા વરસાદના કહેરની અસર ઉતર પ્રદેશ પર પણ થઈ છે. શારદા, રામગંગા, કોસ, માલન અને ગંગા બે કાંઠે વહેવાના કારણે તેમજ બનબસા, કાલાગઢ, સહીત અનેક ડેમોમાં પાણી છોડવાથી મુરાદાબાદ, રામપુર, પીલીભીત, લખીમપુર, ખીરી, બરેલી અને શાહજહાપુર જીલ્લાના સેંકડો ગામો ડુબી ગયા છે.હજારો એકરના ખેતરો જલમગ્ન છે અને સેંકડો લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.વાયુસેના, એસએસબી, એસડીઆરએફ પણ બચાવકાર્યમાં લાગી છે.

વાયુસેનાએ પીલીભીતમાં શારદાના પુરમા ફસાયેલા 26 લોકોને બુધવારે સવારે હેલીકોપ્ટરથી સુરક્ષીત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. રામનગર બેરાજથી છોડાયેલા પાણીથી રામપુરમાં કોસી, પીલાખાર, ધૌરી અને ભાખડા નદીઓ બે કાંઠે વહે છે. કોસી નદીમાં ભારે વહેણથી રામપુરનાં 3 યુવકો તણાઈ ગયા હતા. જેમાં બેનો બચાવ થયો હતો અને એકનું મોત થયુ હતું.દિલ્હી-લખનૌ હાઈવે પર રામપુર-મુરાદાબાદ વચ્ચે ગઈકાલે આવન-જાવન પાંચ કલાક બંધ રહ્યું હતું. રામપુર-મુરાદાબાદ વચ્ચે સાડા સાત કલાક ટ્રેનોનું આવન-જાવન પણ બંધ રહ્યું હતું.

ગરો, ખન્નૌત, ગંગા અને રામગંગા નદીઓ બે કાંઠે વહેતી હોઈ શાહજહાપુરમાં પુરની સ્થિતિ છે. કાલાગઢ ડેમમાંથી પાણી છોડયા બાદ સતર્ક કરવામાં આવ્યા છે. ગંગાનું જળસ્તર વધવાથી પશ્ર્ચિમી યુપીનાં હસ્તીનાપુર (મેરઠ) મુઝફફરનગર અને બીજનૌરના ખાદર ક્ષેત્રમાં પુરની હાલત છે. તો બિજનોરમાં ગંગા અને માલન નદી એક થઈ છે.

અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે અને લોકોને ઘરની છત પર રાતો પસાર કરવી પડી છે. તુટેલા તટ ડેમમાંથી નીકળી રહેલા પાણીથી દબખેડી, હરીપુર, શેરપુર નવી બસ્તી, ભીમકુંડ વગેરે ગામોમાં ઘર સુધી પાણી પહોંચી ગયા છે.

પીલીભીત જીલ્લામાં શારદા નદીની પાર પુરમાં 48 કલાકથી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ગઈકાલે સેનાએ હેલીકોપ્ટરથી રેસ્કયુ શરૂ કર્યું હતું. જેમાં 26 લોકોને પુરમાંથી સુરક્ષીત બહાર કઢાયા હતા. લખીમપુર ખીરીમાં પુરીથી લગભગ 100 ગામોને અસર થઈ છે. અનેક ગામોનો સંપર્ક તૂટયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement