બે બાઈક સામસામે અથડાતા મામાના ઘરેથી પરત ફરતા 15 વર્ષીય કોળી તરૂણનું મોત

21 October 2021 12:08 PM
Rajkot Crime
  • બે બાઈક સામસામે અથડાતા મામાના ઘરેથી પરત ફરતા 15 વર્ષીય કોળી તરૂણનું મોત

ઘેલાસોમનાથ રોડ પર ફુલઝરના પાટિયા પાસેની ઘટના : વિંછીયાના કાંસલોલીયા ગામે રહેતો કલ્પેશ ઝાપડીયા પોતાના મોટા ભાઈ ભાવેશ સાથે મામાના ઘરે દેવપરા ગામ ગયો હતો, પરત ફરતા અકસ્માત સર્જાયો, ભાવેશને પણ ઇજા થતાં સારવારમાં

રાજકોટ, તા.21
ગઈકાલે ઘેલાસોમનાથ રોડ પર ફુલઝરના પાટિયા પાસે બે બાઈક સામસામે અથડાતા મામાના ઘરેથી પરત ફરતા 15 વર્ષીય કોળી તરુણનું મોત નીપજ્યું છે. વિંછીયાના કાંસલોલીયા ગામે રહેતો કલ્પેશ ઝાપડીયા પોતાના મોટા ભાઈ ભાવેશ સાથે મામાના ઘરે દેવપરા ગામ ગયો હતો, પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ભાવેશને પણ ઇજા થતાં સારવારમાં છે. તેમની ફરિયાદ લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિંછીયા તાલુકાના કાંસલોલીયા ખાતે રહેતા કોળી યુવાન ભાવેશભાઈ કુરજીભાઈ ઝાપડીયા (ઉ.વ.19)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું જસદણ સ્થિત શ્રીજી ઘનશ્યામ પ્રેસર હલર બનાવવાના કારખાને મજુરી કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. અમે બે ભાઈ મારે બે બહેન છે. સૌથી નાનો મારો ભાઈ કલ્પેશ જેનું ગઈકાલે વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે. મંગળવારે રાત્રીના આશરે સાડા નવ વાગ્યે હું તથા મારો નાનો ભાઈ કલ્પેશ દેવપરા મારા મામાના ઘેર ગયા હતા.

અને રાત્રી ત્યાં મારા મામાના ઘેર રોકાયા હતા. બુધવારે સવારના આશરે આઠેક વાગ્યે હું તથા મારો નાનો ભાઈ કલ્પેશ બંને અમારું સીટી હન્ડ્રેડ બજાજ બાઈક જીજે - 01- ઈડી 1865 લઈને અમારા ગામ કાંસલોલીયા જવા માટે નીકળેલ અને મોટરસાયકલ હું ચલાવતો હતો તથા મારો નાનો ભાઈ કલ્પેશ મોટર સાયકલમાં મારી પાછળ બેઠો હતો. જેમાં દેવપરાથી કાળાસર ગામ થઇ, કાળાસર ગામથી ઘેલાસોમનાથ જવાના રસ્તે ફુલઝર ગામના પાટીયા પહેલા ગોળાઇમાં ઘેલાસોમનાથ રોડ તરફથી રોંગ સાઈડમાં એક મોટરસાયકલ ફુલ સ્પીડમાં આવ્યું અને ગોળાઇ તેનાથી કપાયેલ નહીં અને તે મોટરસાયકલ સીધુ મારા મોટરસાયકલ સાથે સામેથી અથડાતા હું તથા મારો ભાઇ કલ્પેશ મારા મોટરસાયકલ સાથે ફંગોળાઇ અને નીચે રોડ ઉપર પડી ગયા હતા.

જેમાં મને જમણા પગે તથા કમરના ભાગે ઇજા થઇ અને મારા ભાઈ કલ્પેશને માથાના ભાગે ઇજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું. આજુબાજુના પસાર થતા રાહદારીઓ પણ ત્યાં આવી ગયા હતા. જેમાંથી કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા થોડી વારમાં 108 એમ્બ્યુલન્સ આવી જતા મને તથા મારા ભાઈ કલ્પેશને સારવાર માટે પ્રથમ જસદણ સરકારી દવાખાને લવાયા હતા. ડોક્ટરે સારવાર આપી પરંતુ મારાભાઈ કલ્પેશને માથાના ભાગે વધારે ઇજા થઈ હોય તેનું મોત નીપજ્યું હતું. મને જમણા પગે ફેક્ચર જેવી ઇજા થઈ છે. તથા કમરના ભાગે છોલાઈ ગયું હોવાથી હાલ રામાણી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ફરિયાદના આધારે જસદણ પોલીસે જીજે - 03 - સીડી - 3620 નંબરના ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે. યુવાન કલ્પેશનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement