ઉનાની 60 લાખની આંગડીયા લૂંટની તપાસ અમદાવાદ પહોંચી

21 October 2021 12:14 PM
Rajkot Crime
  • ઉનાની 60 લાખની આંગડીયા લૂંટની તપાસ અમદાવાદ પહોંચી

પોલીસ દ્વારા શકમંદોની સઘન પુછપરછ : લૂંટમાં વપરાયેલ કાર અમદાવાદની હોવાનું ખુલ્યુ

(ફારૂક કાજી) ઉના, તા.21
ઊના શહેરમાં ગત તા.19 ઓક્ટો.ના પટેલ સોમાભાઇ રામદાસ પેઢીના કર્મચારી બસમાં બેસેલ તેની પાસેથી રૂ.60 લાખની રોકડ તથા હિરાની લૂંટ કરી મોટર કારમાં લૂંટારૂઓ નાશી છુટ્યા હોય આ લૂંટની ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામેલ છે. ત્યારે સ્થાનિક પોલીસ સહીત જીલ્લાની પોલીસના ધાડેધાડા ઉતરી પડી. આ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ધમધમાટ શરૂ કરેલ છે.

તેમજ પોલીસ દ્વારા ડોગસ્કોવોડની પણ મદદ લેવામાં આવી હોય અને પોલીસ દ્વારા આ લૂંટનો ભેદ ઉકેલવા તપાસ અમદાવાદ સુધી પહોચી હોય પોલીસની એક ટીમ અમદાવાદ તરફ જવા રવાના થઇ ગયેલ હોય તો બીજી તરફ પોલીસ દ્વારા પણ આ લૂંટનો ભેદ ઉકેલાઇ જવાની આશા વ્યક્ત કરેલ હોવાનું પણ જણાવેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના શહેરમાં આંગડીયા પેઢીનો કર્મચારી પાસે લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારૂઓ કાર ગરાળના પાટીયા પાસે મૂકીને નાશી ગયેલ હતા આ અલ્ટોકાર બંધ પડી ગયેલ હોય અને કાર શરૂ કરવા ધક્કા પણ માર્યા હોવા છતાં કાર શરૂ ન થતા કાર રેઢી મૂકીને નાશી ગયા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

લુંટારૂઓ કાર રેઢી મૂકીને ત્યાથી 3 થી 5 કિ.મી. દુર રામેશ્વરના પાટીયા પાસે આવેલ ચા ની હોટલે પહોચ્યા હતા. અને ત્યાથી અમરેલી તરફ જવાના વાહનની પૂછપરછ કરેલ પરંતુ લૂંટારૂઓ અમરેલી તરફ જવાના રસ્તાના બદલે ચાલીને ભાવનગર રોડ તરફ ગયા હોવાનું પણ પોલીસને જાણવા મળેલ છે. આમ લૂંટને અંજામ આપ્યા બાદ પોલીસ તેમના સુધી પહોચેએ પહેલા લૂંટારૂઓ પોલીસથી દૂર નાશી જવામાં સફળ રહ્યા હતા.

જ્યારે પોલીસ દ્વારા આ પ્રકરણમાં ડોગસ્કોવોડની પણ મદદ લીધી હોય અને ડોગ પણ ગરાળના પાટીયા સુધી કે જ્યા લૂંટારૂઓ કાર રેઢી મૂકીને નાશી છુટ્યા હોય ત્યા સુધી પહોચેલ બીજી તરફ પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સોની પણ સઘન પુછપરછ હાથ ધરેલ છે. જ્યારે આ લૂટના ગુન્હામાં વપરાયેલ કાર અમદાવાદની હોવાનું બહાર આવવા પામેલ છે. અને કારના માલીક સુધી પહોચવા પોલીસની એક ટીમ અમદાવાદ તરફ રવાના થયેલ હોય હાલ પોલીસની અનેક ટીમ દ્વારા આ લૂંટના બનાવની તપાસમાં હોય પોલીસ માટે આ લુંટના ગુન્હાનો ભેદ નજીકના દિવસોમાં ઉકેલાઇ જવાની આશા વ્યક્ત કરી હતી.

લૂંટારૂઓ ભાવનગર રોડ તરફ દેખાયાની આશંકા
પોલીસ સુત્રો માંથી મળતી માહીતી મુજબ લૂંટના ગુન્હાને અંજામ આપ્યા પહેલા લૂંટારૂઓ વહેલી સવારે ભાવનગર રોડ તરફ દેખાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી પોલીસની એક ટીમ એ દિશા તરફ પણ તપાસ હાથ ધરી રહી છે. આ ઘટનામાં વહેલી સવારે રોકડ રકમ ભરેલ થેલો લૂંટ્યા બાદ લૂંટારૂઓ કાર ગરાળના પાટીયે રેઢી મૂકીને નાશી ગયા હોય અને રામેશ્વરના પાટીયે અમરેલી તરફના રસ્તાની પુછપરછ કરેલ ત્યારે લૂંટારૂઓ ગરાળના પાટીયેથી રામેશ્વરના પાટીયા સુધીનું 3 થી 5 કિ.મી.નું અંતર ચાલીને પાર કર્યુ કે અન્ય વાહનનો ઉપયોગ કર્યો તે પણ તપાસનો વિષય છે.


Related News

Loading...
Advertisement
Advertisement