રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના પ્રયાસોથી બંધ થયેલી ફેક્ટરી ફરી શરૂ થશે

21 October 2021 12:25 PM
Rajkot
  • રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના પ્રયાસોથી બંધ થયેલી ફેક્ટરી ફરી શરૂ થશે

* ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લીમીટેડ કંપની પર નભતા 1250થી વધુ પરિવારોમાં દીપોત્સવી પહેલા જ દિવાળી જેવો માહોલ, સાંસદનો આભાર વ્યક્ત કર્યો

* બોક્સાઇટની આપૂર્તિના કારણે કંપનીએ તાળા લગાવી, શ્રમિકો-કર્મચારીઓને છુટા કરી દીધેલા, રામભાઈ મોકરીયાએ મધ્યસ્થી કરી મુખ્યમંત્રીને રજુઆત પહોંચાડી સમસ્યાનો ઉકેલ લાવ્યા

રાજકોટ, તા.21
પોરબંદરના 1250 થી વધારે પરિવારોને દિવાળી પહેલા દિવાળી જેવા સમાચાર મળ્યા છે. પોરબંદર જીઆઇડીસી ખાતે આ પરિવારોને રોજીરોટી પુરી પાડતી કંપની ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લીમીટેડ બંધ કરી દેવાઈ હતી, જોકે હવે આ કંપની રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના પ્રયાસથી ફરી ધમધમતી થાય તેવા સંકેતો મળ્યા છે.

કેટલાક પડતર પ્રશ્નોને લઇને બંધ રહેલી કંપનીના કારણે કેટલાય પરિવારોને ચુલા બંધ થયાના સમાચાર મળતા જ લોકસેવા માટે તત્પર રહેતા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આ કંપનીના સંચાલકોની રજુઆતને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ વાત પહોંચાડી હતી. આ કંપનીના સી.ઇ.ઓ. હેમુલભાઇ શાહ તથા તેમના પી.આર.ઓ. રાજુલભાઇ શાહને સાથે રાખીને રાજયસભાના સાંસદે સીએમની રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરી હતી.

મુખ્યમંત્રીએ આ બાબત અગ્રસ્થાને લઇને તેનો યોગ્ય ઉકેલ લાવી તથા કંપનીને પુન: કાર્યરત કરવા સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યું હતું. રામભાઇ મોકરીયાએ કરેલી આ રજુઆતને પગલે મજદુર પરિવારોમાં આશાનો સંચાર થયો છે. ફરીથી રોજગારી મળશે તો બાળકોના શિક્ષણ સહિતની સમસ્યાઓનો આપોઆપ ઉકેલ આવશે તેવી આશા બંધાઇ છે. સર્વે પરિવારોએ આ તકે રામભાઇનો આભાર વ્યકત કર્યો હતો.

સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું કે, પોરબંદરની આ કંપની બંધ થઇ છે તેની પાછળ કાચો માલ એટલે કે બોકસાઇટની સમસ્યા છે. સરકાર બોક્સાઇટ પૂરું પાડવા સહાયરૂપ બનશે. બોકસાઇટની માઇન્સ ભાટીયા તેમજ કચ્છ ખાતે આવેલી છે. જયાંથી તેઓને બોકસાઇટ ફેકટરી સુધી લાવતા પહેલા નો - ઓબ્જેકશન સર્ટીફીકેટ સહિત માઇન્સ વેલીડીટી ઇસી સહિત અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને અગાઉ સરકાર દ્વારા બોકસાઇટની લીઝ રીન્યુ સહિતની કાર્યવાહી બે થી ત્રણ મહિનાની અંદર સંપન્ન થતી હતી પરંતુ હાલના સમયમાં 8 મહિનાથી 1 વર્ષ અથવા તો તેનાથી પણ વધારે સમય લાગી જાય છે એ કારણે મુશ્કેલી પડી રહી હોવાનું કંપની જણાવી રહી છે. ત્યારે સરકારે પ્રોત્સાહક નીતી જાહેર કરીને કંપની ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મૌખિક રીતે ખાત્રી આપી છે.

પોરબંદરના હિતમાં સામે ચાલીને સાંસદે મધ્યસ્થી કરી
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું કે, પોતે સામે ચાલીને કંપનીના સીઇઓ હેમુલભાઇ શાહને ફોન કરીને કહ્યું કે, હું રામભાઇ મોકરીયા બોલું છું, પોરબંદરના હીતમાં તમારી ફેકટરી શરૂ કરવી જરૂરી બની ગઇ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હકારાત્મક છે, તેથી ગાંધીનગર ચાલો તમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે હું મધ્યસ્થી કરૂં ’ આ પ્રકારની વાત કરી હતી અને સામે ચાલીને તેમણે ફેકટરીના સંચાલકોને જાણ કરીને પ્રશ્નનું નિરાકરણ કરાવ્યું છે.

ત્યારે તેમની આ પધ્ધતિને પણ ફેકટરીએ બિરદાવી હતી અને કામદારોમાં તે અંગે ખુશી જોવા મળી છે. આમ , પોરબંદરમાં બંધ થયેલી કંપની ફરી ધમધમતી થવાની છે તેવી જાહેરાત કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement