આયર્લેન્ડને હરાવી શ્રીલંકા સુપર-12 માટે ક્વોલિફાય: નેધરલેન્ડ સામે નામિબીયા જીત્યું

21 October 2021 12:31 PM
India Sports World
  • આયર્લેન્ડને હરાવી શ્રીલંકા સુપર-12 માટે ક્વોલિફાય: નેધરલેન્ડ સામે નામિબીયા જીત્યું

હસારંગા-ડીસિલ્વા-નિશાકાંની શાનદાર બેટિંગ બાદ બોલરોના ધારદાર પ્રદર્શન પ્રદર્શનથી આયર્લેન્ડને સરળતાથી હરાવ્યું: નામિબીયા વતી ડેવિડ વિઝે ફટકાબાજી કરી ટીમને જીતાડી

નવીદિલ્હી, તા.21
ટી-20 વિશ્વકપમાં આયર્લેન્ડને 70 રને હરાવીને બીજી જીત મેળવનારું શ્રીલંકા સુપર-12 માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. વાનિંદુ હસારંગા, ડીસિલ્વા અને પાથુમ નિશાંકાની બેટિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શ્રીલંકાને આ સફળતા મળી હતી. જ્યારે અન્ય એક મુકાબલામાં નામીબિયાએ નેધરલેન્ડને હરાવ્યું હતું.

શ્રીલંકાએ ખરાબ શરૂઆતમાંથી બહાર આવતાં હસારંગા અને નિશાંકા વચ્ચે ચોથી વિકેટ માટે 123 રનની ભાગીદારીથી સાત વિકેટે 171 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. આ બન્ને ઉપરાંત કેપ્ટન દાસુન શનાકાએ 11 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારપછી પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનથી આયર્લેન્ડને 18.3 ઓવરમાં 101 રને સંકેલી નાખ્યું હતું.

આયર્લેન્ડ માટે કેપ્ટન એન્ડી બાલબિર્ની (41 રન) અને કર્ટિસ કેમ્ફર (24 રન) થોડો સમય માટે ટકી શક્યા હતા પરંતુ ભાગીદારી વધુ આગળ લઈ જાય તે પહેલાં જ કેમ્ફર આઉટ થઈ જતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ બન્ને બેટસમેનો ઉપરાંત કોઈ અન્ય બેટસમેન બે આંકડાના સ્કોરને પાર કરી શક્યો નહોતો. આયર્લેન્ડે અંતિમ છ વિકેટ 5.5 ઓવરમાં 16 રનની અંદર ગુમાવી દીધી હતી.

શ્રીલંકા માટે મહીશ થીક્ષણાએ 17 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. ચામિકા કરુણારત્ને અને લાહિરુ કુમારાએ બે-બે વિકેટ મેળવી હતી. જ્યારે દુષ્મંતા ચામીરા અને વાનિંદુ હસરંગાને એક-એક વિકેટ પ્રાપ્ત થઈ હતી.જ્યારે અન્ય એક મુકાબલામાં ડેવિડ વિઝની શાનદાર ઈનિંગની મદદથી નામીબિયાએ નેધરલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. આ મેચમાં પહેલાં બેટિંગ કરી રહેલા નેધરલેન્ડે 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નામીબિયા ટીમની 52 રનમાં ત્રણ વિકેટ પડક્ષ ગઈ હતી.

એક સમયે નેધરલેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં હતી અને મેચ તેની પકડમાં હતો પરંતુ તેના પછી ડેવિડ વિઝ (અણનમ 66 રન) અને એરાર્ડ ઈરાસ્મસ (32 રન)એ મળીને બાજી પલટાવી નાખી હતી. આ બન્નેએ મળીને 93 રનની ભાગીદારી કરી અને મેચને પોતાની તરફે લાવી દીધો હતો. વિઝે પોતાની 40 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement