એસ.ટી. કર્મચારીઓને સાતમા પગારપંચનો બાકી હપ્તો રૂા.85 કરોડ તા.1 નવેમ્બર સુધીમાં ચુકવી દેવાશે

21 October 2021 12:57 PM
Rajkot
  • એસ.ટી. કર્મચારીઓને સાતમા પગારપંચનો બાકી હપ્તો રૂા.85 કરોડ તા.1 નવેમ્બર સુધીમાં ચુકવી દેવાશે

બોનસ ઉપરાંત મોંઘવારી પણ મળશે : સરકારે માંગણીઓ સ્વીકારતા આજની હડતાલ ટળી

રાજકોટ, તા.21
છેલ્લા એક પખવાડીયા કરતા વધુ સમયથી ચાલતી રાજયના એસ.ટી. કર્મચારીઓની લડતનો અંતે ગઇકાલે રાત્રીનાં અંત આવેલ છે. રાજય સરકારે એસ.ટી. કર્મચારીઓની ગ્રેડ-પે, બોનસ, સાતમા પગાર પંચનો ત્રીજો હપ્તો સહિતની માંગણીઓ સ્વીકારી લેતા અંતે ગઇકાલે મધરાતથી એસ.ટી. બસોની હડતાલનું એલાન પાછું ખેંચવામાં આવેલ હતું. આથી આજથી રાજયભરમાં એસ.ટી. બસોનું સંચાલન રાબેતા મુજબ જ રહ્યું હતું.

દરમ્યાન એસ.ટી. કર્મચારી યુનિયનનાં અગ્રણી મહેશભાઇ વેકરીયાનાં જણાવ્યા મુજબ સાતમા પગાર પંચનો છેલ્લો ત્રીજો બાકી હપ્તો રૂા. 85 કરોડનો તારીખ 1 નવેમ્બર 2021 સુધીમાં ચૂકવી આપશે તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના સંનિષ્ઠ કર્મચારી ભાઈઓ અને બહેનો તારીખ 20મી ઓક્ટોબર 2021 ના રોજ ત્રણેય માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા વહીવટના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક મુખ્ય વ્યવસ્થાપક વહીવટ તેમજ મુખ્ય મજૂર અધિકારી સાથેની ચર્ચામાં સરકાર દ્વારા મધ્યસ્થી બનતા સુખદ સમાધાન થયેલ આથી સંચાલન રાબેતા મુજબ ચાલુ છે માસ સી.એલ.નો અંત લાવવામાં આવેલ છે, સરકારે નનકી કર્યા મુજબ ર016થી આશ્રિતોને નોકરી ની અવેજીમાં નિગમના પ્રવર્તમાન નિયમો મુજબ નાણાકીય સહાય ચુકવેલ છે તે કાયમી રાખવામાં આવશે.

ફિક્સ પગારના કર્મચારીઓને કર્મચારીના અવસાન બાદ તેમના આશ્રિતોને સરકારના ઠરાવની જોગવાઈ મુજબ ચાર લાખની નાણાકીય પેકેજ ની સહાય ની મંજુરી આપવામાં આવેલી છે, વર્ષ 2011 પહેલા અવસાન પામેલ કર્મચારીના આશ્રીતોને નિગમના પ્રવર્તમાન અને હાલ ની જોગવાઈ પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે અને આવી સહાય વર્ષવાર ત્રણ ગ્રુપ બનાવી આપવામાં આવશે તથા કોરોના કાળ દરમિયાન ચાલુ સેવાએ કોરોનાના સંક્રમણથી અવસાન પામેલ કર્મચારીને કેસની વિગતો ચકાસીને પાત્રતા ધરાવનારને તારીખ 31 ડીસેમ્બર 2021 સુધીમાં ચૂકવી આપવામાં આવશે.

વર્ગ-4ના 2018 19 2019 20 માટે એક્સ ગ્રેસિયા બોનસ તારીખ 1લી નવેમ્બર 2021 સુધીમાં ચૂકવવામાં આવશે નિવૃત્ત કર્મચારીઓને હક રજાનું રોકડમાં ચુકવણું હાલની પ્રથા મુજબ ચૂકવવામાં આવશે અને ચાલુ કર્મચારીઓ નું ચુકવણું પહેલી નવેમ્બર 2021 સુધીમાં કરવામાં આવશે, ઉપરાંત મોંઘવારી ભથ્થામાં 5% ની અસર પહેલી નવેમ્બર 2021 એટલે કે ઓક્ટોબર પેઇડ ઇન નવેમ્બર 2021 થી આપવામાં આવશે અને એરિયર્સની રકમ તબક્કાવાર સમયાંતરે ચૂકવવામાં આવશે જયારે કંડકટર નો ગ્રેડ પે 1650 ને બદલે 1800 અને ડ્રાઇવરનો ગ્રેડ-પે અઢારસો ને બદલે 1900 તારીખ 1 નવેમ્બર 2021 ની અસરથી સ્વીકારવામાં આવે છે. તેવું યુનિયન અગ્રણી મહેશભાઇ વેકરીયાએ જણાવતા કહ્યું હતું કે રાજય સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ સ્વીકારાતા સમગ્ર એસ.ટી. કર્મચારી પરિવારમાં હર્ષની લાગણી છવાઇ છે.


Related News

Loading...
Advertisement
Advertisement