શિયાળાના આગમનની તૈયારી: તાપમાનમાં ઘટાડો શરૂ

21 October 2021 02:41 PM
Jamnagar
  • શિયાળાના આગમનની તૈયારી: તાપમાનમાં ઘટાડો શરૂ

રાત્રે વાતાવરણમાં ઠંડક વધતા આ વખતે ઠંડીનું આગમન વહેલુ થશે

જામનગર તા.21:જામનગર શહેર જિલ્લામાં ધીરેધીરે શિયાળો પગરવ કર્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે શહેરમાં 48 કલાકમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી 23 ડિગ્રીએ પર સ્થિર થતા મોડી રાતથી સવાર સુધી વાતાવરણમાં ટાઢક પ્રસરી હોવાનો અહેસાસ જનજીવનને કર્યો હતો. જ્યારે બપોરે હજુ પણ આંશિક તાપમાનનો માહોલ યથાવત રહ્યો છે.

શહેરમાં છેલ્લા 2 દિવસમાં લઘુતમ તાપમાનમાં ક્રમશ: 1 - 1 ડિગ્રીનો ઘટાડો થતા બુધવારે લઘુતમ તાપમાન 23 ડિગ્રીએ પહોંચતા શહેરીજનોએ રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. શહેરમાં ધીમેધીમે શિયાળાની શરૂઆત થતાં લઘુતમ તાપમાનની સાથે મહત્તમ તાપમાનમાં છેલ્લા 48 કલાકમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો છે.

ગુલાબી ઠંડીના જોર વચ્ચે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં 3 ટકાનો વધારો થતાં ભેજનું પ્રમાણ 87 ટકાએ પહોંચ્યું હતું. પવનની ગતિમાં આંશિક ઘટાડો થતાં વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


Loading...
Advertisement
Advertisement