માત્ર ટ્રેનો જ નહીં; વિમાનોમાં પણ વેઈટિંગ: દિવાળીના બુકિંગ ચિક્કાર

22 October 2021 04:13 PM
Rajkot Travel
  • માત્ર ટ્રેનો જ નહીં; વિમાનોમાં પણ વેઈટિંગ: દિવાળીના બુકિંગ ચિક્કાર
  • માત્ર ટ્રેનો જ નહીં; વિમાનોમાં પણ વેઈટિંગ: દિવાળીના બુકિંગ ચિક્કાર

કોરોનાકાળ બાદ વેકેશનને વન્ડરફુલ બનાવવાનો લોકોનો મૂડ : દિવાળી-નૂતનવર્ષ તથા ભાઈબીજના ત્રણ દિવસોમાં દિલ્હી, મુંબઈ તથા ગોવાની ફ્લાઈટોના ભાડા આસમાને

દિલ્હી-ઉત્તર ભારતની ટ્રેનોમાં 250થી વધુનું વેઈટિંગ: હરિદ્વાર માટે સૌથી વધુ ધસારો: હજુ કોરોના જોખમને કારણે મુંબઈની ટ્રેનો ફુલ છતાં વેઈટિંગ ઓછું

રાજકોટ, તા.22: દોઢ-પોણા બે વર્ષ સુધી કોરોનાના કાતીલ વારનો સામનો કર્યા બાદ હવે આ રાક્ષસનો પંજો હળવો થવા લાગતાં લોકોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજુ દિવાળીના તહેવારોને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દિવસો બાકી રહ્યા હોવાથી તેમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતાં હરવા-ફરવાના શોખીનોએ આ રજાનો ભરપૂર આનંદ માણી લેવાનું નક્કી કરી લીધું છે જેના કારણે ટ્રેનો જ નહીં બલ્કે ફ્લાઈટોમાં પણ લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. કોરોનાકાળ બાદ હવે વેકેશનને વન્ડરફુલ બનાવવાનો મુડ લોકોમાં જોવા મળી રહ્યો હોવાથી ટ્રેન-ફ્લાઈટ હાઉસફૂલ જોવા મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ખાસ કરીને દિવાળી-નૂતન વર્ષ અને ભાઈબીજના ત્રણ દિવસોમાં ફ્લાઈટ મારફતે દિલ્હી, મુંબઈ તેમજ ગોવાની ફ્લાઈટોના ભાડા આસમાને પહોંચી ગયા છે અને તેમાં પણ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. રાજકોટથી દિલ્હી માટે દરરોજ ત્રણ અને મુંબઈ માટે દરરોજ ત્રણ ફ્લાઈટ ઉડાન ભરે છે. જો કે તમામ ફ્લાઈટો દિવાળીના તહેવારો દરમિયાન ફૂલ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન ભાડાવધારો થવા છતાં લોકો ફ્લાઈટમાં જ જવાનું પસંદ કરી રહ્યા છે. દિલ્હી-મુંબઈ ઉપરાંત ગોવાની ફ્લાઈટમાં પણ જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. આ ફ્લાઈટ રાજકોટથી સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર એમ ચાર દિવસ ઉડાન ભરે છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર વિકેન્ડ મતલબ કે ગુરૂ-શુક્ર-શનિ-રવિ દરમિયાન આવતો હોવાથી ગોવા માટે શુક્રવાર અને રવિવારની ફ્લાઈટ ફૂલ થઈ જશે

તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ફ્લાઈટ ઉપરાંત ટ્રેનમાં પણ જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. દર દિવાળીએ મુંબઈ માટેની ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ જોવા મળતું હોય છે.પરંતુ આ વખતે મુંબઈ માટે નહીં બલ્કે હરિદ્વાર, દિલ્હી ઉપરાંત ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હરિદ્વાર તરફ જતી ટ્રેનોમાં 200થી વધુનું વેઈટિંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ગોવા માટેની ટ્રેનોમાં 100થી 150નું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. જ્યારે દિલ્હી તરફ જતી ટ્રેનોમાં 125 જેટલું વેઈટિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મુંબઈની ટ્રેનોમાં 100 જેટલું જ વેઈટિંગ ચાલી રહ્યું છે કેમ કે ત્યાં હજુ કોરોનાની સ્થિતિ સારી ન હોવાને કારણે લોકો ત્યાં જવાનું ટાળી રહ્યા છે.

બસોમાં દિવાળીના ભાડા ઉંચા કરી દેવાશે: બુકિંગમાં ‘ટાઢોડું’
રાજકોટથી બે ટ્રાવેલ્સ એજન્સી દિલ્હી-મુંબઈ માટે બસનું સંચાલન કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે દિવાળી માટે અત્યારે બુકિંગમાં ‘ટાઢોડું’ જોવા મળી રહ્યું છે. જો કે છેલ્લા ચાર દિવસ દરમિયાન ‘કરંટ’ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે અત્યારે મુંબઈ માટે બસ ટિકિટનું ભાડું 1200 રૂપિયા છે જેમાં દિવાળી વખતે 800 રૂપિયાનો વધારો કરી 2000 રૂપિયા કરવામાં આવી શકે છે. સાતમ-આઠમની સીઝન ફેઈલ ગઈ હોવાને કારણે દિવાળીમાં તેજી જોવા મળે તેવો આશાવાદ ટ્રાવેલ્સ સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે.

ટ્રેનોના જનરલ કોચમાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરો નહીં ભરાય: જેટલી સીટ હશે એટલી જ ટિકિટ અપાશે
દર વખતે તહેવારો હોય એટલે કે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે લોકો પડાપડી કરી મુકતાં હોય છે. ખાસ કરીને જનરલ ડબ્બામાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરાઈ જતાં હોવાને કારણે અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે. જો કે આ વખતે કોરોનાનો ખતરો હોવાથી રેલવે દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે જનરલ ડબ્બામાં જેટલી સીટ હશે એટલી જ ટિકિટ વેચવામાં આવશે. ઉદાહરણ તરીકે જો ડબ્બામાં 150 સીટ હોય તો 150 ટિકિટ જ વેચાશે જેથી તે ડબ્બામાં લોકો આરામદાયક મુસાફરી કરી શકે.


Related News

Loading...
Advertisement
Advertisement