સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીના બદલે ફરી કમોસમી વરસાદ : ખેડુતોને ફરી ફટકો

25 October 2021 11:33 AM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીના બદલે ફરી કમોસમી વરસાદ : ખેડુતોને ફરી ફટકો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીના બદલે ફરી કમોસમી વરસાદ : ખેડુતોને ફરી ફટકો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીના બદલે ફરી કમોસમી વરસાદ : ખેડુતોને ફરી ફટકો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીના બદલે ફરી કમોસમી વરસાદ : ખેડુતોને ફરી ફટકો

ગોંડલ, જેતપુર, ધોરાજી, ખંભાળીયામાં મગફળીને નુકસાન : ભચાઉ, માંડવીમાં ઝાપટા : વીરપુર, વડીયામાં ખેડુતો ચિંતામાં...

રાજકોટ, તા. 25
સૌરાષ્ટ્રમાં રવિવારે કમોસમી વરસાદના કારણે ખેતરમાં પડેલી મગફળી, સોયાબીન, કપાસ અને ડુંગળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. ગોંડલ, વિરપુર, જેતપુર, ધોરાજી, વડિયા, ખંભાળિયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતને પડયા ઉપર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે કમોસમી અડધોથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેતપુર માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓએ ખરીદી કરેલ સોયાબીન, કપાસ, ડુંગળી સહિતનાં જણસીના પાકો પલળી ગયા છે.

આમરણ ચોવીસી પંથકમાં સવારે 10 કલાકે અડધો ઈંચ વરસાદ વરસી પડયો હતો. આમરણ સહિત બેલા, ઉટબેટ, ફડસર, ઝિંઝુડા વગેરે દરિયાકાંઠાળ ગામોમાં વરસાદ પડયો હતો. જામકંડોરણામાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં સાંજના 4.30 કલાકે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જે 5 વાગ્યા સુધીમાં અડધા કલાકમાં 10 મી.મી.વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

કચ્છ
જમ્મુ-કાશ્મીરમાં પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ બરફવર્ષા થતાં ઉત્તર ભારતમાં ઠંડીનું આગમન ધીમા પગલે થયું છે.રાજનગર દિલ્હી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં વરસ્યાં હોવાના અહેવાલો વચ્ચે રણપ્રદેશ કચ્છમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે ભાદરવાની જેમ વરસાદી ઝાપટાં વરસતાં માંડવી, ભચાઉના લાકડિયા અને મુન્દ્રાના ઝરપરા પંથકમાં માર્ગો ભીના થયા હતા. દિવાળી પર્વને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બે દિવસથી ભાદરવાના ભૂસાકાની જેમ બંદરીય માંડવીમાં સવારે વરસાદ વરસી પડતાં રોડ પરથી પાણી વહી નિકળ્યા હતા,જયારે પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા, મુન્દ્રા તાલુકાના ઝરપરા વાડી વિસ્તાર, ભુજપુર અને માંડવી તાલુકાના મોટા ભાડિયામાં પણ ઝાપટાં વરસતાં માર્ગો ભીના થયા હતા.

ભુજમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સાથે રાજ્યનું બીજા નંબરનું ગરમ મથક બની રહ્યું હતું તો લઘુત્તમ 23.4 ડિગ્રી તાપમાન તેમજ કંડલા એરપોર્ટ મહત્તમ 33.6, લઘુત્તમ 22.6, કંડલાપોર્ટ મહત્તમ 33.1, લઘુત્તમ 24 અને નલિયામાં મહત્તમ 31.8 તો લઘુત્તમ 22.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

ખંભાળીયા
ખંભાળિયા તાલુકાના જુદા-જુદા વિસ્તારોમાં ગઈકાલે રવિવારે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક સ્થળોએ કમોસમી માવઠું વરસ્યું હતું. જેના પગલે ખેતરોમાં પાકને નુકસાન થયું હોવાનું કહેવાય છે. રવિવારે બપોરે આશરે બારેક વાગ્યે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અને હળવા તથા ભારે ઝાપટા વરસ્યા હતા.

ખંભાળિયા-જામનગર ધોરી માર્ગ પર આવેલા કજુરડા તથા આસપાસના ગામોમાં ધોધમાર અડધા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે નજીકના વાડીનાર, ભરાણા વિગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ ઉપરાંત ખંભાળિયા-સલાયા માર્ગના કોઠાવિસોત્રી તથા આસપાસના ગામોમાં પણ મૂશળધાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. ખંભાળિયા શહેરમાં પણ બપોરે બે વાગ્યે હળવા છાંટા વરસ્યા હતા.

આ કમોસમી માવઠાના કારણે અનેક ખેતરોમાં મગફળીના કાઢવામાં આવેલા પાક તથા ઊભા મોલને નુકસાન થયાનું જાણવા મળ્યું છે. ખેતરોમાં ઉતારીને રાખવામાં આવેલી મગફળીના પાથરાને વરસાદથી બચાવવા ખેડૂતોએ તાલપત્રી અને પ્લાસ્ટિક ઢાંકી, મોલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કમોસમી માવઠા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે સોમવારે પણ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો.

વીરપુર
સૌરાષ્ટ્રભરમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોએ વાવેલા અનેક પાકો જેવાકે કપાસ, મગફળી, સોયાબીન,ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે જેમને લઈને કેટલાક ખેડૂતોને પાક સડીને સાવ નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોને યાત્રાધામ વીરપુરના ખેડૂતોને તો સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજમાં પણ લેવામાં આવ્યા નથી જેને પગલે જગતના તાત ગણાતા ખેડૂતોની કેડ ભાંગી ગઈ છે ત્યારે કુદરત પણ જાણે ખેડૂતો ઉપર રૂઠયો હોય તેમ યાત્રાધામ વીરપુરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો.

ખેડૂતોના ખેતરોમાં કપાસ,મગફળી,સોયાબીન સહીતના તૈયાર પાકોને ભારે નુકસાન જવાની ભીતિ સર્જાઈ હતી,કમોસમી વરસાદી ઝાપટાને લઈને "ખેડૂતોને પડ્યા પર પાટું"ની સ્થિતિ નિર્માણ થઈ હતી ,ધોધમાર વરસાદિ ઝાપટાને લઈને વીરપુરના રોડ રસ્તાઓમાં ચોમાસાની માફક પાણી વહ્યા હતા.

વડીયા
નવરાત્રી બાદ જાણે સમગ્ર દેશમાં ચોમાસા એ વિધિવત વિદાઈ લીધી છે અને શિયાળા ની ઠંડી ઋતુ નો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે ખેડૂતો નો પાક માં પણ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ના કારણે નહિવત ઉત્પાદન થાય તેવી સ્થિતિ છે. ત્યારે વડિયા વિસ્તાર માં બપોર બાદ વરસાદી માહોલ સર્જાતા વડિયા ના રસ્તાઓ ફરી પાણી પાણી જોવા મળ્યા હતા.

ચોમાસા જેમ જ વરસાદી માહોલ જમ્યો હતો તો બીજી બાજુ ખેડૂતોનો મગફળી અને સોયાબીન નો તૈયાર પાક લેવાની સીઝન પણ હાલ પૂર બહાર માં ચાલી રહી છે. કોઈના મગફળીના પથરા ખેતરમાં છે, તો કોઈ ની તૈયાર મગફળી અને સોયબિન તો ડુંગળી નો પાક પણ તૈયાર ખેતરમાં છે ત્યારે તૈયાર કૃષિ ઉત્પાદન પર વરસાદી વિઘ્ન આવતા ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન સ્થિતિ નુ નિર્માણ વડિયા વિસ્તાર માં જોવા મળી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement