2013માં એસીબીની ટ્રેપમાં ઝડપાઇ ગયેલા મૂળ રાજકોટના કોન્સ્ટેબલ ગૌતમ વાઘેલાની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

25 October 2021 04:50 PM
Rajkot Crime Saurashtra
  • 2013માં એસીબીની ટ્રેપમાં ઝડપાઇ ગયેલા મૂળ રાજકોટના કોન્સ્ટેબલ ગૌતમ વાઘેલાની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

આરોપી પોલીસમેને રાજકોટના રૈયા રોડ, ગુરુ ગોલવાલકર માર્ગ પર આવેલો ફ્લેટ પચાવી પાડયા અંગે ફરિયાદ દાખલ થઈ: ભાડા કરાર પૂરો થયા બાદ પણ કોન્સ્ટેબલ ગૌતમ વાઘેલાએ ફ્લેટ ખાલી ન કરતા ક્ધસ્ટ્રકશનનું કામ કરતા દિલીપભાઈ વાઢેરે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ અરજી કરેલી, જેને કલેકટરે મંજૂરી આપતા ગુનો નોંધાયો

રાજકોટ, તા.25
રાજકોટના રૈયા રોડ, ગુરુ ગોલવાલકર માર્ગ પર આવેલો એક ફ્લેટ પચાવી પાડયાના ગુનામાં અગાઉ એસીબીના છટકામાં આવી ગયેલા મૂળ રાજકોટના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે. અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાઈ છે. ભાડા કરાર પૂરો થયા બાદ પણ કોન્સ્ટેબલ ગૌતમ વાઘેલાએ ફ્લેટ ખાલી ન કરતા ક્ધસ્ટ્રકશનનું કામ કરતા દિલીપભાઈ વાઢેરે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ અરજી કરેલી, જેને કલેકટરે મંજૂરી આપતા ગુનો નોંધાયો છે.

પોલીસે આપેલી વિગત મુજબ ફરીયાદી ક્ધસ્ટ્રકશનનું કામ કરતા દિલીપભાઇ રતીભાઇ વાઢેર(કડીયા) (ઉ.વ 60, રહે. મીરા માધવ એપાર્ટમેન્ટની સામે મોટા મવા ગામની પાછળ કાલાવડ રોડ રાજકોટ)ની માલીકીનો ફલેટ જે રૈયા રોડ પર આવેલા ગોલવાલકર માર્ગ પર અમરનાથ ફલેટ પૈકી બી બિલ્ડીંગમાં ફસ્ટ ફલોરમાં આવેલો છે. તેમણે આ ફ્લેટ આરોપી પોલીસ કોન્સ્ટેબલ ગૌતમકુમાર જેમલભાઇ વાઘેલાને ભાડેથી રહેવા માટે આપ્યો હતો. જે ભાડા કરાર મુજબ ભાડુ નહી ચુકવી તથા ભાડા કરારનો સમય પુરો થયો હોય તેમ છતાં આરોપીએ ફલેટ ખાલી નહી કરી તેમાં જ પોતાનો કબ્જો રાખી ત્યાં જ રહેતા હોય અને આજદીન સુધી ભાડુ પણ ન આપ્યું હોય, લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા હેઠળજિલ્લા કલેકટરને અરજી કરી હતી.

કલેકટર કચેરી ખાતે તા.16 ઓક્ટોબરના રોજ આ કાયદા હેઠળની કમિટીના નિર્ણય આધારે આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો દાખલ થવા હુકમ કરાતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન.2 મનોહરસિંહ જાડેજાએ ગુનો નોંધવા કાર્યવાહી કરવા સૂચના આપતા પશ્ચિમ વિભાગના એસીપી પી.કે. દીયોરાના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસના પીઆઇ કે.એ.વાળા, પીએસઆઈ જે.જી.રાણા, એએસઆઈ હીરાભાઇ રબારી, હેડ કોન્સ્ટેબલ ખોડુભા જાડેજા, કોન્સ્ટેબલ વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, દીગ્વિજયસિંહ, ગોપાલભાઇ પાટીલ, ગોપાલભાઇ બોળીયા, દીનેશભાઇ, એએસઆઈ પર્વતસિંહ પરમાર, સુધાબેન સોલંકી, વિજેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ ઝાલા મહીલા કોન્સ્ટેબલ ભુમીકાબેન સોલંકી વગેરેએ આરોપીને ઝડપી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020ની કલમ 3,4 (3), 5 (ગ),(ધ) 3,4 (3), 5 (ખ), (ગ) હેઠળ ધરપકડ કરી છે. આ અંગે એસીપી પી.કે. દીયોરા આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

તાજેતરમાં જ મારામારીના ગુનામાં કોન્સ્ટેબલ વાઘેલાની ધરપકડ થઈ હતી
પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, આરોપી ગૌતમ વાઘેલા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છે. અગાઉ રાજકોટ શહેર પોલીસમાં તે ફરજ બજાવતો, અહીં પણ તે વિવાદમાં રહેલો, કરણપરામાં એક મહિલાના ઘરમાં ઘુસી જઈ માથાકૂટ કરેલી, ત્યારબાદ 2013માં એસીબીની ટ્રેપમાં સપડાયો હતો. જેથી તેની પાલનપુર બદલી થયેલી, ત્યાંથી તેની મોરબી પોલીસમાં બદલી થઈ હતી અને હાલ જૂન મહિનામાં તેની આહવા ડાંગ ખાતે બદલી થઈ હતી. તાજેતરમાં જ તેને માંડા ડુંગર ખાતે એક યુવક સાથે મારામારી કરી હોય તેની આજીડેમ પોલીસે ધરપકડ પણ કરી હતી.

કોન્સ્ટેબલના પરિવારના સભ્યો કે અન્ય કોઈની ગુનામાં સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ
આ કેસમાં તપાસ ચલાવી રહેલા એસીપી પી.કે. દીયોરાએ જણાવ્યું હતું કે, આરોપી અને ફરિયાદી બન્ને સ્વીકારે છે કે તેમણે 11 મહિનાનો ભાડા કરાર કરેલો, અને રૂ.12 હજાર ભાડું રાખેલું, જોકે ભાડું ચૂકવાયું કે લેવાયાનો કોઈ આધાર નથી. ફરિયાદી કહે છે કે, 2019માં 4 મહિના ભાડું આપેલું ત્યારબાદથી ભાડું આપ્યું જ નથી જ્યારે આરોપીનો બચાવ છે કે, 3 મહિનાનું ભાડું જ બાકી છે. બાકી તમામ ભાડું ચૂકવ્યુ છે. જેથી આરોપી પાસે કોઈ આધાર પુરાવા, દસ્તાવેજો મેળવવા તપાસ થઈ રહી છે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરાશે. ઉપરાંત જો દસ્તાવેજો હસ્તગત નહિ થાય તો એ મુજબ રિમાન્ડની માંગ કરાશે. એ સિવાય કોન્સ્ટેબલના પરિવારના સભ્યો કે અન્ય કોઈની ગુનામાં સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ કરાશે.


Related News

Loading...
Advertisement
Advertisement