સરકાર બદલાતા શું ભ્રષ્ટાચારની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે ?

25 October 2021 05:33 PM
Gujarat
  • સરકાર બદલાતા શું ભ્રષ્ટાચારની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે ?

રાજકોટ,તા. 25
ગુજરાતમાં અગાઉ વિજય રુપાણી સરકારે બિનખેતીની ફાઈલોમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે તેવું જણાવી બિનખેતીની સતાઓ જિલ્લા પંચાયતો પાસેથી આંચકી લીધી હતી અને કલેક્ટરને સોંપી હતી ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ બિનખેતીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી હતી જેથી તે પારદર્શક હોવાનો દાવો થયો હતો અને ખુદ પૂર્વ મુખ્યમંત્રીએ તે સમયે જણાવ્યું હતું કે બિનખેતીની ફાઈલોથી તેઓ નાણાંનો ફાલ ઉતારવામાં આવે છે તે મને ખબર છે. વિઘે કેટલા રુપિયા લેવાય છે તે પણ મને ખબર છે અને હવે તે થશે નહીં

પરંતુ સરકાર બદલાતા હવે ભાજપમાં જ ફરી એક વખત જિલ્લા પંચાયતને બિનખેતીની છીનવાયેલી સત્તા ફરી આપવા માટેની માંગ શરુ થઇ ગઇ છે અને તેમાં ખુદ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ સહિતના નેતાઓ પણ જોડાયા છે. વાસ્તવમાં અગાઉ રાજ્યની તમામ જિલ્લા પંચાયતોમાં મુખ્યત્વે કોંગ્રેસનું શાસન હતું અને તેથી કોંગ્રેસ શાસનના નેતાઓને નાણા બનાવવાની તક ન મળે તેથી જિલ્લા પંચાયતો પાસેથી બિનખેતીની સતા આંચકી લેવાઈ હોવાનું ભાજપના વર્તુળોએ સ્વીકાર્યું હતું અને હવે તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપની સત્તા છે અને તેથી ફરી એક વખત ભાજપના નેતાઓ બિનખેતીની સતા માગી રહ્યા છે.

આમ સરકાર બદલાતા ભ્રષ્ટાચારની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે તે સંકેત મળ્યા છે. હાલમાં જ ભાજપના નેતાઓ કલેક્ટર ઓફીસમાં બિનખેતીની કેટલી ફાઈલો પેન્ડીંગ છે તેની ફરિયાદો કરી રહ્યા છે અને મહેસુલ મંત્રીએ પણ પેન્ડીંગ ફાઈલો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને સાથોસાથ એ પણ જણાવ્યું હતું અગાઉ રિજેક્ટ થયેલી ફાઈલો ફરી પાસ થઇ રહી છે તે પણ મારા માટે આશ્ર્ચર્ય છે. ભાજપના સુત્રો સ્વીકાર્યે છે કે સતા કલેક્ટર ઓફીસ હોય કે જિલ્લા પંચાયત પાસે અંતે તો પોલીટીકલ બોસ જે કહે તે ફાઈલ જ મંજૂર થાય છે અને તેમાં પણ હવે ફરી બિનખેતીનો ફાલ ઉતરવા માંડ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement