કાળીપાટના ડબલ મર્ડર કેસમાં ત્રણને આજીવન, એકને અઢી વર્ષની કેદની સજા

25 October 2021 06:56 PM
Rajkot Crime
  • કાળીપાટના ડબલ મર્ડર કેસમાં ત્રણને આજીવન, એકને અઢી વર્ષની કેદની સજા
  • કાળીપાટના ડબલ મર્ડર કેસમાં ત્રણને આજીવન, એકને અઢી વર્ષની કેદની સજા
  • કાળીપાટના ડબલ મર્ડર કેસમાં ત્રણને આજીવન, એકને અઢી વર્ષની કેદની સજા
  • કાળીપાટના ડબલ મર્ડર કેસમાં ત્રણને આજીવન, એકને અઢી વર્ષની કેદની સજા

એક આરોપીને 6 માસની કેદની સજા ફટકારતી રાજકોટ સેશન્સ કોર્ટ : બે મહિલા સહિત પાંચને શંકાનો લાભ મળતા છુટકારો

રાજકોટ, તા.25
કાળીપાટના ડબલ મર્ડર કેસમાં ત્રણ દોષીતોને આજીવન અને એકને અઢી વર્ષની કેદની સજા થઈ છે. ઉપરાંત રાજકોટ સેશન્સ કોર્ટે એક આરોપીને 6 માસની કેદની સજા ફટકારી છે.

કોર્ટે દોષી ઠેરવી દિનેશ દેવશી દુધરેજીયા, સુરેશ રઘા દુધરેજીયા અને છગન રઘા દુધરેજીયાને આઈપીસી કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારી અને ત્રણેયને 10 હજારનો દંડ ફટકાર્યો, જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે. આઈપીસી 326માં દોષી પુરવાર થયેલા બાબુ ઉકા દુધરેજીયાને અઢી વર્ષ અને 324ની કલમમાં ધીરુ રઘા દુધરેજીયાને 6 માસની સજા ફટકારી છે. આરોપી સવજી દેવશી દુધરેજીયા, મનસુખ દેવશી દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, જ્યોત્સનાબેન જેન્તીભાઈ દુધરેજીયા, લાભુબેન પ્રેમજીભાઈ દુધરેજીયાને શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે.

દાયકા પૂર્વે કાળીપાટ પાસે ખેલાયેલા ખૂની રમખાણમાં થયેલી બેવડી હત્યાના બનાવમાં અદાલતે આજે ચૂકાદો સંભળાવતા આ ચકચારી ડબલ મર્ડર પ્રકરણમાં આરોપી છગન રઘા દુધરેજીયા, સુરેશ રઘા, દિનેશ દેવશીને આઈપીસી કલમ 302 અને ધીરુ રઘાને આઈપીસી કલમ 324માં તેમજ બાબુ ઉકાને આઈપીસી કલમ 326માં અદાલતે તકસીરવાન ઠેરવ્યા છે. જયારે બે મહિલા સહિત પાંચ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકયા છે. આ ઉપરાંત સામાપક્ષે નોંધાયેલી ફરિયાદમાં પણ તમામ આરોપીને શંકાનો લાભ મળ્યો છે.

આ બનાવ અંગેની વિગતો મુજબ, તાબેના કાળીપાટ ગામે ગત તા.10-7-2011ના રોજ મંદિરે ચાલી રહેલા તાવાના કાર્યક્રમમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી રમખાણમાં પરીણમી હતી. આ રમખાણમાં બન્ને પક્ષના વ્યકિતઓ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. જયારે ગરાસીયા પક્ષના મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાનું ઘટના સ્થળે અને વિશ્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાનું હોસ્પિટલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા આ બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. નાનકડા એવા કસબામાં પોલીસના ધાડેધાડા ઉતરી પડયા હતા.

2011માં બનેલા આ ખૂની ખેલ બાદ તાલુકા પોલીસે મૃતક પૈકીના વિશ્વજીતસિંહના ભાઈ સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહની ફરિયાદના આધારે છગન રઘા દુધરેજીયા, ધીરૂ રઘા દુધરેજીયા, સુરેશ રઘા સુધરેજીયા, દિનેશ દેવશી, મનસુખ દેવશી દુધરેજીયા, સવજી દેવશી, બાબુ ઉકા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા અને બે મહિલા લાભુ પ્રેમજી, જયોત્સના જેન્તી સહિતના કુલ 10 આરોપી વિરૂધ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી અને રાયોટીંગ હેઠળ ગુન્હો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને તમામને જેલ હવાલે કર્યા હતા.

આ રમખાણ પ્રકરણમાં સામા પક્ષે સવજી દેવશી દુધરેજીયાની ફરિયાદ પરથી બન્ને મૃતકો અને સુખદેવસિંહ જુવાનસિંહ જાડેજા, સામા પક્ષના ફરિયાદી સત્યજીતસિંહ, યોગેન્દ્રસિંહ, જયવીરસિંહ, રાજેન્દ્રસિંહ, સત્યજીત, સહિતના નવ આરોપી સામે મારામારી અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ દાયકા દરમ્યાન મૃતકો ઉપર જીવલેણ ઘા કરનાર પૈકીના મુખ્ય આરોપીઓ છગન રઘા, ધીરૂ રઘા, સુરેશ રઘા અને દિનેશ દેવશીએ જામીન મૂકત થવા હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી જે રદ્દ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર જગાવનાર આ હત્યાકાંડના પ્રકરણમાં ચાર્જશીટ અદાલતમાં રજૂ થતા કાનૂની જંગના મંડાણ મંડાયા હતા.

અને સ્પે. પી.પી. તરીકે અનિલભાઈ દેસાઈ અને મૂળ ફરીયાદી વતીના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર દ્વારા 103 દસ્તાવેજી પુરાવા ફરિયાદ પક્ષના સમર્થનમાં રજૂ કર્યા હતા. અને ઈજા પામનાર સાહેદો તથા નજરે જોનારા સાહેદો ઉપરાંત અડધો ડઝન નિષ્ણાંતો જેમાં તબીબો અને ડોકટરોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસ અમલદારો સહિત કુલ 25 સાહેદોની જૂબાની લીધી હતી.

આ કેસમાં સ્પે. પી.પી. અનીલ દેસાઈએ રજૂઆત કરી હતી કે આરોપીઓ વિરૂધ્ધ સમગ્ર તહોમતનામા મુજબનો પુરાવો ફરિયાદ પક્ષને શંકા રહીત સાબીત કરે છે અને આ સમગ્ર કેસમાં કડીઓ પુરવાર થાય છે. આ ઉપરાંત મુદ્દામાલ બાબતેનો વૈજ્ઞાનિક પરિક્ષણનો અહેવાલ પણ પોઝીટીવ છે. આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો સાબીત કરવા માટે ફરિયાદ પક્ષે કાનૂની, ભરોષાપાત્ર, તટસ્થ સંપૂર્ણપણે વિશ્વાસજન્ય પુરાવા રજૂ કરેલ છે આમ આરોપીઓનું ગુન્હાહીત કાવતરૂ સાબીત થાય છે. આમ આરોપીઓને સખતમાં સખત સજા કરવા દલીલ કરવામાં આવી હતી.

જયારે મૂળ ફરિયાદી વતી રૂપરાજસિંહ પરમારે કુલ 155 પેઈઝની લેખીત દલીલ અદાલત સમક્ષ રજૂ કરી હતી. ફરિયાદ પક્ષ વતી થયેલી વિસ્તૃત દલીલો, રજૂઆતો, પૂરાવાઓ, કાયદાકીય આધારોને ધ્યાનમાં લઈ ત્રીજા એડી. સેશન્સ જજ ડી.એ. વોરાએ ચુકાદો સંભળાવતા પાંચ આરોપીઓને જુદી જુદી કલમોમાં તકસીરવાન એટલે કે દોષી ઠેરવ્યા હતા અને બે મહિલા સહિત પાંચ આરોપીઓને શંકાનો લાભ આપી મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસની ચાર્જશીટ અદાલતમાં રજૂ થતા કાનુની જંગના મંડાણ મંડાયા હતા જેમાં સ્પે. પી.પી. તરીકે અનિલભાઈ દેસાઈ અને મુળ ફરીયાદી વતી એડવોકેટ તરીકે રૂપરાજસિંહ પરમાર રોકાયા હતા.

આ કેસમાં અનેક કાનૂની દાવપેચો અને કાયદાની આટીઘુંટીથી ઘેરાયેલો કેસ અગીયાર વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલતા આ કેસની સુનવણી સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા બન્ને પક્ષોની રજુઆતમાં બન્ને પક્ષે મળી આશરે 160 જેટલા દસ્તાવેજી પુરાવા અને 41 જેટલા સાહેદોની મૌખીક જુબાની લઈ તપાસવામાં આવેલ. જેમાં હત્યા કેસમાં ફરિયાદી સહિત ઈજા પામનાર કુલ ચાર દાર્શનીક સાહેદોને તપાસવામાં આવેલા. તથા બન્ને કેસની સુનવણીમાં ત્રણ સરકારી અને બે ખાનગી તબીબોને તપાસવામાં આવેલા. સ્પે.પી.પી. અનિલભાઈ દેસાઈની લેખીત તથા મૌખીક અને રૂપરાજસિંહ પરમાર દ્વારા લેખીત દલીલ કરવામાં આવેલ.

આ કેસમાં સરકાર તરફે સિનિયર એડવોકેટ સ્પે.પી.પી. અનિલભાઈ દેસાઈ, મૂળ ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, અજિતભાઈ પરમાર, હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, શક્તિભાઈ ગઢવી, કૃણાલ શાહ, હર્ષિત ઠાકર રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement