માછીમારની હત્યા કરનાર પાકિસ્તાન મરીનના 10 સૈનિકો વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો

09 November 2021 03:17 PM
Porbandar Rajkot
  • માછીમારની હત્યા કરનાર પાકિસ્તાન મરીનના 10 સૈનિકો વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો
  • માછીમારની હત્યા કરનાર પાકિસ્તાન મરીનના 10 સૈનિકો વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો

બે બોટમાં આવેલા પાક મરીન ફોર્સના જવાનોએ અંધાધૂંધ ફાયરીંગ કરેલું : પોરબંદરના નવાબંદર પોલીસ મથકે હત્યા, હત્યા પ્રયાસ સહિત આર્મ્સ એકટની કલમો હેઠળ FIR થઇ, ડીવાયએસપી જુલી કોઠીયાએ માહિતી આપી, તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. 9
પાકિસ્તાન તેની હરકતો અટકાવી રહ્યું નથી. પાકિસ્તાની મરીન ફોર્સ દ્વારા ભારતીય માછીમારની હત્યાના મામલામાં ભારત સરકાર કડક બની છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની નૌકાદળની આ હરક્ત પર નારાજગી વ્યક્ત કરી છે, તો આ તરફ ગુજરાત પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપમાં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (પીએમએસએ)ના 10 સૈનિકો વિરુદ્ધ પોરબંદરના નવા બંદર મરીન પોલીસ મથકે એફઆઈઆર નોંધી છે.

આ સાથે ભારત સરકારે પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવ્યા છે. પોરબંદરના ડીવાયએસપી જુલી કોઠીયાના જણાવ્યા મુજબ આઈપીસી અને આર્મ્સ એક્ટની કલમ 302, 307 અને 114 હેઠળ નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆર મુજબ 10 અજાણ્યા શખ્સોએ ’જલપરી’ ફિશિંગ બોટ પર ગોળીબાર કર્યો, જ્યારે બોટમાં બે માછીમારોને ગોળી વાગી હતી. આ ઘટનામાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના માછીમાર શ્રીધર રમેશ ચમડે (ઉ.વ.32)નું મોત થયું હતું અને એક માછીમાર દિલીપ નટુ સોલંકી (ઉ.વ 34) ઘાયલ થયો હતો. આ એફઆઈઆરમાં બોટ માલિક જયંતિ રાઠોડ ફરિયાદી બન્યા છે.

દ્વારકાના એસપી સુનિલ જોશીએ જણાવ્યું કે, સાયરન પર લગાવવામાં આવેલા જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસની ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. વદરાઈ ફિશરમેન્સ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ મનિન્દર આરેકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શ્રીધર જયંતિ રાઠોડની માલિકીની ’જલપરી’ બોટ પર ત્રણ મહિનાથી વધુ સમયથી કામ કરી રહ્યો હતો. માછીમારોએ માંગ કરી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકારોએ આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવવો જોઈએ. તેમણે પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની આંતરરાષ્ટ્રીય તપાસના આદેશ આપવાની પણ માંગ કરી હતી.

માછીમારોને બે બોટથી ઘેરી પાક મરીને અંધાધૂંધ ફાયરીંગ કર્યુ હતું
નવાબંદર મરીન પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મુજબ ઓખાથી દરીયામાં 100 કિ.મી.થી વધુના અંતરે માછીમારો જાળ બિછાવી માછીમારી કરી રહ્યા હતા ત્યારે એક બોટ સામેથી અને બીજી બોટ પાછળથી આવેલી બંને પાકિસ્તાની બોટમાં બ્લુ કલરના કપડા પહેરેલા જવાનો હતા જેમના હાથમાં બંદુકો હતી અને આડેધડ ફાયરીંગ કર્યું હતું.

માછીમારોમાં ગભરાટ
આ ઘટના બાદ માછીમારોમાં ભય ફેલાયો છે. માછીમારો દરિયામાં જતા પહેલા ડર અનુભવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા માછીમારો પર અનેક વખત ગોળીબાર કરવામાં આવ્યો છે અને ઘણી વખત માછીમારોની બોટ છીનવાઈ ગઈ છે. આજે પણ ગુજરાતની 1200થી વધુ બોટ પાકિસ્તાન પાસે છે અને અનેક માછીમારો પાકિસ્તાનમાં કેદ છે.


Related News

Loading...
Advertisement
Advertisement