અમદાવાદમાં ટૂંક સમયમાં શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઈડ, એર એમ્બ્યુલન્સ તેમજ સી પ્લેન સેવા

12 November 2021 11:32 AM
Ahmedabad Gujarat Travel
  • અમદાવાદમાં ટૂંક સમયમાં શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઈડ, એર એમ્બ્યુલન્સ તેમજ સી પ્લેન સેવા

* વાઈબ્રન્ટ સમિટ પૂર્વે આકર્ષણ ઉભા કરવા સરકારની તૈયારી

* સી પ્લેન ફિયાસ્કા વચ્ચે પણ નવેસરથી વિવિધ સેવા શરૂ કરવાની સરકારની યોજના

અમદાવાદ,તા. 12
ગુજરાતમાં ટૂંક સમયમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન થઇ રહ્યું છેે ત્યારે હવે સરકારે પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને વધુ આકર્ષિત બનાવવા નવા-નવા નુસખા અપનાવવા શરુ કરી દીધા છે. જેમાં હવે ગુજરાતનાં આકાશનાં આકર્ષણો ઉભા કરવાની રાજ્ય સરકારે યોજના બનાવી છે. રાજ્યનાં નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ પ્રવાસન વિભાગ સાથે મળીને તૈયાર થયેલ આ આયોજન હવે તેનાં અંતિમ તબક્કામાં જ છે.

આ આયોજન હેઠળ હવે રાજ્ય સરકાર અમદાવાદનાં આકાશનાં હેલિકોપ્ટર જોય રાઈડની શરુઆત કરવાની તજવીજમાં છે. આ સિવાય સરકારે એર એમ્બ્યુલન્સ સેવા શરુ કરવા અંગે પણ નિર્ણય લીધો છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કોઇ વ્યક્તિને ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર ભાડે આપવાની બાબત પણ આ યોજનામાં સામેલ છે. સાથે જ અગત્યનું એ છે કે હવે અમદાવાદ-કેવડિયાને જોડતી સી-પ્લેન સેવા પણ શરુ થશે તેવી બાબત આ આયોજનમાં ઉમેરવામાં આવી છે.

રાજ્ય સરકારનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આ તમામ સેવાઓનાં સંચાલન માટેની જરુરી મંજૂરીઓ પહેલેથી જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને અન્ય કેન્દ્ર સરકારની એજન્સીઓ પાસેથી મેળવી લેવામાં આવી છે. આ તમામ આકર્ષણો 2022માં યોજાનારી ગુજરાત વાઈબ્રન્ટ સમિટની આવૃતિ પૂર્વે બહાર પાડવામાં આવશે.
મહત્વનું છે કે રાજ્ય સરકારે રૂા. 191 કરોડના ખર્ચે વર્ષ 2019માં એક આકર્ષક બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 એરક્રાફટ ખરીદ્યું હતું. બીકક્રાફટ સુપર કિંગ એરક્રાફટ આ પૂર્વે મહાનુભાવો માટે છેલ્લા 20 વર્ષથી ઉપયોગમાં લેવાતું તેને હવે એર એમ્બ્યુલન્સમાં ફેરવવામાં આવશે. ઉપરાંત અધિકારીઓએ જણાવ્યા મુજબ પ્લેનને એર એમ્બ્યુલન્સમાં ફેરવવા માટે તમામ જરુરી મંજૂરી મળી ગઇ છે.

સાથોસાથ અમદાવાદ-નર્મદાનાં કેવડિયામાં જોડતી સી-પ્લેન સેવા જે શરુ થઇ ત્યારથી અત્યાર સુધી બંધ વધુ રહી છે તે હવે ફરીવાર શરુ કરવામાં આવશે. એ બાબત પણ સરકારે જણાવી હોવાની માહિતી મળી છે. ઉપરાંત અમદાવાદમાં મનોરંજક પ્રવૃતિઓ માટે હવે હેલિકોપ્ટર જોયરાઈડનું આકર્ષણ ઉભું કરાશે.

આ જોયરાઈડ અઠવાડિયાનાં અંતે અમદાવાદ રહેશે તેમજ વચગાળાનાં દિવસોમાં લોકોને ભાડે અપાશે. એક અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદથી અંબાજી, દ્વારકા જવા કોઇ હવાઈ સુવિધા નથી ત્યારે અનેક લોકોને આ સેવાથી લાભ મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement