IPLમાં શ્રેષ્ઠ આપો, ટીમ ઈન્ડિયાની ‘ચાવી’ મેળવો: રવિ શાસ્ત્રી

23 November 2021 04:03 PM
India Sports
  • IPLમાં શ્રેષ્ઠ આપો, ટીમ ઈન્ડિયાની ‘ચાવી’ મેળવો: રવિ શાસ્ત્રી
  • IPLમાં શ્રેષ્ઠ આપો, ટીમ ઈન્ડિયાની ‘ચાવી’ મેળવો: રવિ શાસ્ત્રી
  • IPLમાં શ્રેષ્ઠ આપો, ટીમ ઈન્ડિયાની ‘ચાવી’ મેળવો: રવિ શાસ્ત્રી
  • IPLમાં શ્રેષ્ઠ આપો, ટીમ ઈન્ડિયાની ‘ચાવી’ મેળવો: રવિ શાસ્ત્રી
  • IPLમાં શ્રેષ્ઠ આપો, ટીમ ઈન્ડિયાની ‘ચાવી’ મેળવો: રવિ શાસ્ત્રી
  • IPLમાં શ્રેષ્ઠ આપો, ટીમ ઈન્ડિયાની ‘ચાવી’ મેળવો: રવિ શાસ્ત્રી
  • IPLમાં શ્રેષ્ઠ આપો, ટીમ ઈન્ડિયાની ‘ચાવી’ મેળવો: રવિ શાસ્ત્રી

* સાત વર્ષ સુધી ટીમ ઈન્ડિયાનું ડાયરેક્ટર-કોચપદ શોભાવનાર રવિ શાસ્ત્રીએ ‘સાંજ સમાચાર’ સાથે નિખાલસમને કરી વાતચીત

* મારો કાર્યકાળ ‘માઈનસ’ કરતાં ‘પ્લસ’ વધુ રહ્યો છે: ભારતનો જીતનો રેશિયો 70% સુધી લઈ જવો સહેલી વાત નથી: ICC આયોજિત ટૂર્નામેન્ટમાં બે વખત જીતની નજીક પહોંચી ગયા છતાં હાંસલ નથી કરી શક્યા: ભારતે ક્યારેય શરણાગતિ સ્વીકારવાનું શીખ્યું નથી

રાજકોટ, તા.23
કોઈ પણ ટીમ હોય તેણે સફળતાની ટોચ ઉપર પહોંચવા માટે ઉમદા માર્ગદર્શકની જરૂર પડતી જ હોય છે. 2007માં ટી-20 અને 2011માં વન-ડે ફોર્મેટમાં ચેમ્પિયન બન્યાના ત્રણ વર્ષ બાદ એટલે 2014 સુધીના ત્રણ વર્ષ દરમિયાન ટીમ ઈન્ડિયામાં અનેક ઉતાર-ચડાવ આવી પડ્યા હતા અને ટીમને એક મજબૂત હાથમાં સોંપવા માટે સક્ષમ કોચની શોધ શરૂ કરી દેવાઈ હતી. આ વખતે રવિ શાસ્ત્રીને ટીમના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપવી તેવો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ રવિ શાસ્ત્રીને કોચિંગનું પદ પણ સોંપાયું હતું.

* ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે સારી લડત આપી, ન્યુઝીલેન્ડ સામે ‘ડેરીંગ’ ન બતાવી શક્યા; હાર બદલ કોઈ બહાનું નહીં આપું

આ બન્ને નિર્ણય એકદમ વ્યાજબી ઠર્યા હોય તેવી રીતે ટીમે ‘સડસડાટ’ ગતિ પકડી લેતાં ત્રણેય ફોર્મેટમાં નંબર વનનું સ્થાન પણ હાંસલ કરી લેતાં વિશ્વ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની ‘દમદાર’ છાપ ઉપસ્થિત થવા પામી હતી. દરમિયાન તાજેતરમાં જ યુએઈમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપ બાદ રવિ શાસ્ત્રીએ હેડ કોચપદને અલવિદા કહી દીધું છે. સાત વર્ષ જેટલા લાંબા સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે રવિ શાસ્ત્રીનો અનુભવ કેવો રહ્યો તે વિશે ‘સાંજ સમાચાર’ દ્વારા તેમનો સવિસ્તૃત ઈન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો. 35 મિનિટ સુધી ચાલેલા આ ઈન્ટરવ્યુમાં રવિ શાસ્ત્રીએ અનેક યાદો તાજી કરી હતી તો ભવિષ્યના ક્રિકેટ અને પોતાની સફર વિશે પણ મુક્તમને ચર્ચા પણ કરી હતી.

* ભારતીય ખેલાડીઓ દબાણમાં ક્યારેય તૂટ્યા નથી અને તૂટશે પણ નહીં એ વાતના એક નહીં અનેક વખત પૂરાવા મળી ચૂક્યા છે

ઈન્ટરવ્યુ દરમિયાન પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે પહેલાંના સમયમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે ઘરેલું ક્રિકેટના પ્રદર્શનને ધ્યાન પર લેવાતું હતું પરંતુ જ્યારથી આઈપીએલનો પ્રારંભ થયો છે ત્યારથી ચિત્ર બદલાયું છે. હવે જે ખેલાડી આઈપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેને ટીમ ઈન્ડિયાની ચાવી અવશ્ય મળશે જ. આ ટૂર્નામેન્ટનું સ્તર ભારતના ઘરેલું ક્રિકેટ કરતાં ઘણું જ ઉંચું છે કેમ કે તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ રમાય છે અને વિદેશી ખેલાડીઓ પણ ઉત્સાહભેર ભાગ લેતાં હોવાને કારણે ભારતીય ક્રિકેટરોની રમત વધુ ‘ધારદાર’ બની રહી છે.

* મારા કાર્યકાળમાં ICCની ટ્રોફી ન જીતાડી શક્યો તેનો રંજ પણ ટીમ ઈન્ડિયાને દરેક ફોર્મેટમાં નંબર વન બનાવવા ઉપરાંત ઈંગ્લેન્ડ-ઑસ્ટ્રેલિયા જેવી ટીમોને તેના જ ઘરમાં હરાવ્યાની અનહદ ખુશી

એટલા માટે હું અત્યારે સૌથી વધુ આઈપીએલ જ જોવાનું પસંદ કરું છે અને આ એક ઉમદા પ્લેટફોર્મ છે તે વાતનો કોઈ એટલે કોઈ જ ઈનકાર કરી શકે નહીં. જો કે રવિ શાસ્ત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેસ્ટ ફોર્મેટમાં સ્થાન મેળવવા માટે દરેક ખેલાડીએ રણજી ટ્રોફીમાં દમદાર દેખાવ કરવો જરૂરી બની જ જાય છે. જ્યારે ટી-20 અને વન-ડે ટીમમાં સ્થાન મેળવવા માટે પહેલાં વિજય હઝારે વન-ડે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં મજબૂત પ્રદર્શન કર્યા બાદ આઈપીએલમાં પણ આ શૈલી જળવાઈ રહે તે જોવું જરૂરી બની જાય છે. એકંદરે આઈપીએલ ખેલાડીને નેશનલ ટીમની વધુ નજીક લાવે છે તે વાત નકારી શકાય તેવી નથી.

* ટેસ્ટ ફોર્મેટમાં સ્થાન મેળવવા દરેક ખેલાડીએ રણજીમાં સુંદર દેખાવ કરવો જરૂરી; ટી-20 અને વન-ડે ટીમમાં જગ્યા મેળવવા માટે આઈપીએલની સાથે સાથે હઝારે-મુશ્તાક અલી ટ્રોફી પણ એટલી જ જરૂરી

પોતાના કાર્યકાળ ઉપર પ્રકાશ પાડતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે, હું મારા કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાને એક પણ આઈસીસી ટ્રોફી ન જીતાડી શક્યો તેનો મને રંજ જરૂર રહેશે. જો કે તેની સામે ટીમને દરેક ફોર્મેટમાં નંબર વન તો બનાવી જ સાથે સાથે ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમોને તેના જ ઘરમાં આપણી ટીમે હરાવી છે તેનો અહનદ આનંદ પણ થાય છે. મારો કાર્યકાળ ‘માઈનસ’ કરતાં ‘પ્લસ’ વધુ રહ્યો છે કેમ કે કોઈ એક ક્રિકેટ ટીમનો જીતનો રેશિયો 70% સુધી લઈ જવો સહેલી વાત નથી. એવું નથી કે મારા કોચિંગ હેઠળ ટીમ આઈસીસી ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન કરી રહી હતી. બે વખત અમે ટ્રોફીની નજીક પહોંચીને હારી ગયા છીએ. 2019ના વન-ડે વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ લગભગ જીતી જ ગઈ હતી પરંતુ અમુક ક્ષણોમાં ચિત્ર પલટાઈ ગયું હતું. જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ ભારતે શરૂઆતમાં શાનદાર દેખાવ કરી જીતનો પાયો નાખી દીધો હતો પરંતુ અંતમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. જો કે મારા કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા એશિયાકપ સહિતની મહત્ત્વની ટૂર્નામેન્ટ પણ જીતી ચૂકી છે.

* આઈપીએલનું સ્તર ભારતના ઘરેલું ક્રિકેટ કરતાં ઘણું ઉંચું કેમ કે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ રમાય છે અને વિદેશી ખેલાડીઓ પણ હોય છે એટલા માટે જ ભારતીય ક્રિકેટરોની ‘ધાર’ વધુ મજબૂત બને છે

તાજેતરમાં જ સંપન્ન થયેલા ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના દેખાવ વિશે વાત કરતાં શાસ્ત્રીએ કહ્યું કે વૉર્મઅપ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમને પરાજિત કર્યા બાદ તેનો આત્મવિશ્વાસ ચરમસીમા પર હતો. જો કે પાકિસ્તાન સામેના પ્રથમ મેચમાં ટીમે લડત આપી હતી પરંતુ આખરે બાજી પાકિસ્તાને મારી હતી કેમ કે તે ભારત કરતાં સારી રમત દાખવી શક્યું હતું. બીજી બાજુ ન્યુઝીલેન્ડ સામેના મેચમાં ટીમ ‘ડેરિંગ’ બતાવી શકી નહોતી તે વાત સ્વીકારવી જ રહી. ટીમના બબ્બે પરાજય થયા છે એટલા માટે કોઈ બહાનું બનાવી શકાય નહીં અને હાર સ્વીકારવી જ પડે.

* હું અત્યારે સૌથી વધુ આઈપીએલ જ જોવાનું પસંદ કરું છું: આ ‘બેસ્ટ ઑફ ધી બેસ્ટ’ પ્લેટફોર્મ છે તેનો આજે કોઈ જ ઈનકાર ન કરી શકે

શું ભારતીય ખેલાડીઓ દબાણમાં રમી શકતાં નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે બિલકુલ નહીં...ભારતીય ખેલાડીઓ દબાણમાં ક્યારેય તૂટ્યા નથી અને તૂટશે પણ નહીં અને આ વાતના પૂરાવા આપણને ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આફ્રિકા, ન્યુઝીલેન્ડ સામેની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન મળી જ ચૂક્યા છે. ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને તેની ધરતી ઉપર હરાવવું ક્યારેય કોઈ ટીમ માટે સહેલું નથી રહ્યું અને ખાસ કરીને લોર્ડસ તેમજ ગાબાના ગ્રાઉન્ડ ઉપર હરિફ ટીમે જીતવું હોય તો લોઢાના ચણા ચાવવા પડે છે ત્યારે આવી કપરી સ્થિતિમાં ભારતે શાનદાર જીત મેળવી છે તે કેવી રીતે ભૂલી શકાય ? શું આ સમયે ભારતીય ખેલાડીઓ ઉપર દબાણ નહીં હોય ? અવશ્ય હતું જ, આમ છતાં એક પણ ખેલાડીએ દબાણ અનુભવ્યા વગર પોતાનું 100% આપ્યું હતું અને ક્યારેય ન ભૂલી શકાય તેવી જીત હાંસલ કરી હતી.

ચેતન સાકરિયા, ઉમરાન મલિક, આવેશ ખાન, હર્ષલ પટેલ, લુકમાન મેરિવાલા, વેંકટેશ અય્યર ઉભરતા ખેલાડી
રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે કોઈ પણ ક્રિકેટ ટીમમાં ખેલાડીઓ આવતાં અને જતાં રહે છે ત્યારે હું સ્પષ્ટ કહીશ કે આગામી સમયમાં અનેક એવા ખેલાડીઓ છે જેઓ સુપરસ્ટાર બનવાની ક્ષમતા ધરાવે છે. આ ખેલાડીઓમાં સૌરાષ્ટ્રના ડાબોડી પેસર ચેતન સાકરિયા ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિક, પેસર આવેશ ખાન, હર્ષલ પટેલ, લુકમાન મેરીવાલા, બેટર વેંકટેશ અય્યર, ઋતુરાજ ગાયકવાડ એવા ખેલાડીઓ છે જેઓ લાંબી રેસના ઘોડા મતલબ કે ઉમદા ક્રિકેટ રમીને ટીમને જીત અપાવી શકે છે.

ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનમાં 4, 5, 6 નંબરના બેટરને સેટ કરવો રોહિત-દ્રવિડ સામે મોટો પડકાર રહેશે: રવીન્દ્ર છઠ્ઠા ક્રમ માટે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના ટોપ ઑર્ડરમાં અત્યારે રોહિત શર્મા હોય, લોકેશ રાહુલ હોય, ઈશાન કિશન હોય કે પછી ઋતુરાજ ગાયકવાડ હોય તમામ ઓપનિંગ બેટર જ છે ત્યારે મીડલ ઑર્ડરનું શું ? ‘સાંજ સમાચાર’ દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ રવિ શાસ્ત્રીએ પહેલાં તો આ પ્રશ્નને બિરદાવ્યો હતો અને પછી કહ્યું હતું કે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ માટે 4,5 અને 6 નંબરના બેટરને સેટ કરવો એક મોટો પડકાર બની રહેશે. હું સ્પષ્ટ કહેવા માંગીશ કે રવીન્દ્ર જાડેજા છઠ્ઠા ક્રમ માટે બેસ્ટ ખેલાડી છે અને તેણે ચેન્નાઈ સુપરકિંગ્સ વતી આ ક્રમે બેટિંગ કરીને મહત્ત્વનું યોગદાન પણ આપેલું છે. આ ઉપરાંત ટેસ્ટ મેચમાં પણ તેને આ ક્રમે બેટિંગ કરવાની તક મેં આપી ત્યારે તેણે સાબિત કરી બતાવ્યું હતું કે તેનામાં બેસ્ટ ફિનિશર બનવાની કળા છે.

હું હવે 60 વર્ષનો થવા જઈ રહ્યો છું, કોચીંગ છોડવા અંગેનો નિર્ણય ઘણો સમજી-વિચારીને લીધો છે: મારા કામથી 100% સંતુષ્ટ
રવિ શાસ્ત્રીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાનું કોચિંગ છોડવાનો મારા માટે આ શ્રેષ્ઠ સમય હતો અને એ નિર્ણય મેં સમજી-વિચારીને લીધો છે. હું મારા સાત વર્ષના કાર્યકાળથી 100% સંતુષ્ટ છું. સાત વર્ષ સુધી ટીમ ઈન્ડિયા સાથે રહેવું ઉપલબ્ધીથી ઓછું નથી. અત્યારે હું 60 વર્ષનો છું અને ઉંમરને પણ ધ્યાનમાં રાખવી જરૂરી બની જાય છે. ખાસ કરીને કોવિડકાળમાં ક્વોરેન્ટાઈન અને બાયો-બબલમાં રહેવું કોઈ પણ માટે કરું બની જાય છે કેમ કે એક વર્ષમાં અમને 20 જ દિવસ પરિવાર સાથે રહેવા મળતું હોવાથી હવે પરિવારને સમય આપવો પણ જરૂરી બની જાય છે.

IPL અને વર્લ્ડકપ વચ્ચે એક-બે સપ્તાહના ‘બ્રેક’ની જરૂર હતી
રવિ શાસ્ત્રીએ કહ્યું કે આઈપીએલ અને વર્લ્ડકપ વચ્ચે એકથી બે સપ્તાહના બ્રેકની જરૂર હતી કેમ કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સતત ક્રિકેટ રમીને આઈપીએલ સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા જ વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ઉતર્યા હતા. જો આઈપીએલ પૂર્ણ થયા બાદ એકાદ-બે સપ્તાહ પછી ક્વોલિફાઈંગ રાઉન્ડ અને ત્યારપછી સુપર-12 રાઉન્ડ શરૂ થયો હોત તો ટીમ ઈન્ડિયાને ઘણી રાહત મળી હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ તમામ ટૂર્નામેન્ટ વખતે બાયો-બબલમાં રહેવું પડ્યું હતું જે મહત્ત્વની મેચમાં અસરકર્તા સાબિત થયું છે. ટીમ ઈન્ડિયા એવા ગ્રુપમાં હતી જ્યાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમ જ મજબૂત ગણાતી હતી પરંતુ બન્ને સામે ભારતનો પરાજય થતાં તેના અભિયાનનો અંત આવ્યો હતો.

IPLમાં અમદાવાદ ટીમનું કોચિંગપદ મળશે તો ઈનકાર નહીં કરું, હાલ કોચિંગ આપીશ
રવિ શાસ્ત્રી હવે શું કરશે ? આ સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું કે હવે હું ગ્રાસ લેવલનું કોચિંગ આપીશ. શાસ્ત્રીને પૂછાયું કે આઈપીએલમાં તમને અમદાવાદ ટીમના કોચ તરીકે પસંદ કરાય તેવી અટકળો વહેતી થઈ છે ત્યારે શું કહેશો ? આ સવાલનો શાસ્ત્રીએ જવાબ આપ્યો કે 100% મને કોચિંગપદ મળશે તો હું તેનો બિલકુલ ઈનકાર કરીશ નહીં પરંતુ અત્યાર સુધી મારી અને ફ્રેન્ચાઈઝી વચ્ચે કોઈ જ પ્રકારની ચર્ચા થઈ નથી.

રાજકોટનું સ્ટેડિયમ શ્રેષ્ઠ, 25 જેટલી પ્રેક્ટિસ વિકેટ તેનું જમાપાસું: SPL સૌરાષ્ટ્રના ખેલાડીઓને મહત્ત્વનું પ્લેટફોર્મ આપશે
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ) સ્ટેડિયમના વખાણ કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે અહીંનું સ્ટેડિયમ શ્રેષ્ઠ છે અને તેમાં આવેલી 25 જેટલી પ્રેક્ટિસ વિકેટ જમાપાસું છે. આ ઉપરાંત અહીંનું આઉટફિલ્ડ પણ ખેલાડીઓ ઘણું જ પસંદ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ (એસપીએલ) વિશે વાત કરતાં શાસ્ત્રીએ કહ્યું કે આ પ્રકારની ટૂર્નામેન્ટ થકી સૌરાષ્ટ્રના ખેલાડીઓને મહત્ત્વનું પ્લેટફોર્મ મળી રહેશે અને તેના થકી જ આઈપીએલના દરવાજા પણ ખૂલી શકશે.

આગામી સમયમાં પસંદગીકારોએ ખેલાડીઓનું એક મોટું પુલ તૈયાર કરવું પડશે
રવિ શાસ્ત્રીએ ભવિષ્યના ક્રિકેટ વિશે વાત કરતાં કહ્યું કે આગામી સમયમાં ટીમના પસંદગીકારોએ ખેલાડીઓનું એક મોટું પુલ તૈયાર કરવું પડશે કેમ કે વર્કલોડ મેનેજમેન્ટ માટે આ પુલ ઘણું જ ઉપયોગી સાબિત થશે સાથે સાથે નવોદિત ખેલાડીઓને પણ પૂરતી તક મળતી રહેશે.

કોહલી હવે વન-ડે અને ટેસ્ટની કેપ્ટનશીપ છોડી દે તો આશ્ચર્ય નહીં પામું
ટી-20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટમાંથી સુકાનીપદ છોડી દીધું છે ત્યારે શું તે વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ કેપ્ટનની જવાબદારી યથાવત રાખશે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં શાસ્ત્રીએ કહ્યું કે કોહલી હવે વન-ડે અને ટેસ્ટ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેશે તો હું બિલકુલ આશ્ચર્ય પામીશ નહીં. કોહલી બરાબર જાણે છે કે તેના માટે શું સારું છે અને શું ખરાબ છે. કરિયર જાળવવા માટે અને સારા પરિણામ હાંસલ કરવા માટે આ પ્રકારના નિર્ણયો લેવા જરૂરી બની જાય છે. ત્રણેય ફોર્મેટમાં ટીમનું સુકાન સંભાળવું ખૂબ જ મુશ્કેલ કામ છે. બીજી બાજુ અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન હોવા પણ જરૂરી છે કેમ કે કોઈ ખેલાડી બ્રેક લેવા માંગતું હોય તો તુરંત તેની જવાબદારી અન્ય ખેલાડીને સરળતાથી સોંપી શકાય છે.

શામી વિશે જે એલફેલ બોલાયું તે બિલકુલ વ્યાજબી નથી, અમે આ મુદ્દાને ડ્રેસિંગ રૂમમાં નથી આવવા દીધો: કોહલીએ લીધેલું સ્ટેન્ડ વખાણવાલાયક
પાકિસ્તાન સામે ભારતના પરાજય બાદ ખાસ કરીને ભારતીય ટીમના બોલર મોહમ્મદ શામી વિશે સોશ્યલ મીડિયા પર એલફેલ બોલવાનું શરૂ કરી દેવાયું હતું તો ક્યારેય ન શોભે તે પ્રકારની કોમેન્ટ કરવામાં આવતી હતી ત્યારે આ વિશે રવિ શાસ્ત્રીએ કહ્યું કે તે બિલકુલ વ્યાજબી નથી. જો કે આ મુદ્દાની અસર ટીમ ઉપર ન પડે તે માટે અમે તેને ડ્રેસિંગ રૂમમાં આવવા જ દીધો નહોતો. ત્યારબાદ પત્રકાર પરિષદમાં કોહલીએ જે પ્રકારે શામીનું સ્ટેન્ડ લીધું હતું તે ખરેખર વખાણવાલાયક રહ્યું છે. અમે આ પ્રકારના મુદ્દાને લઈને બિલકુલ ટેન્શન લેતાં નથી કેમ કે જો ટેન્શન લેશું તો તેની અસર રમત ઉપર પડશે.

વર્કલોડ ઓછો કરવા રોહિત શર્મા-વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ જે રીતે બ્રેક લઈ રહ્યા છે તેનું અનુસરણ અન્ય ખેલાડીએ પણ કરવું જોઈએ
રવિ શાસ્ત્રીએ કહ્યું કે વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણી અને પ્રથમ ટેસ્ટ મેચમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત મોહમ્મદ શામી, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ સહિતના ખેલાડીઓ પણ આ શ્રેણી રમ્યા નહોતા. હવે ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માએ આરામ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે વર્કલોડ ઓછો કરવા માટે અન્ય ખેલાડીઓએ પણ આ પ્રકારે બ્રેક લેવો જોઈએ જેના કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય તો જળવાઈ જ રહેશે સાથે સાથે પરિવાર સાથે પણ સમય પસાર કરી શકશે.

WTCમાં 14 દિ’ ભારત, 14 દિ’ યુકેમાં ક્વોરેન્ટાઈન રહ્યા, પાંચ જ દિવસ પ્રેક્ટિસ માટે મળ્યા’ને સીધા ફાઈનલ રમવા ઉતરવું પડ્યું હતું
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયાને મળેલા પરાજય વિશે રવિ શાસ્ત્રીએ કહ્યું કે આ મેચ પહેલાં ટીમે 14 દિવસ સુધી ભારતમાં અને ત્યારપછીના 14 દિવસ યુકેમાં ક્વોરેન્ટાઈનમાં રહેવું પડ્યું હતું. ટીમને પ્રેક્ટિસ માટે માત્ર પાંચ જ દિવસ મળ્યા હતા અને તેમાં પણ એક ખેલાડી બીજા ખેલાડીના રૂમમાં જઈ શકતો નથી. આટલી વિપરિત પરિસ્થિતિનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ સીધું ફાઈનલ રમવા ઉતરવું પડ્યું હતું જેની સામે ન્યુઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામે બબ્બે ટેસ્ટ મેચ રમીને ફાઈનલ રમવા ઉતરી હતી જેનો તેને ફાયદો પણ મળ્યો હતો.

18 મહિનાથી કોરોના વચ્ચે બાયો-બબલ અને ક્વોરેન્ટાઈનમાં રહીને રમ્યા તે અવિશ્વસનીય: આ સ્થિતિ માનસિક રીતે અસર પહોંચાડે છે
શાસ્ત્રીએ જણાવ્યું કે ટીમ ઈન્ડિયા છેલ્લા 18 મહિનાથી કોરોના વચ્ચે બાયો-બબલ અને ક્વોરેન્ટાઈનમાં રમી રહી છે તે ખરેખર અવિશ્વસનીય બાબત છે. આ સ્થિતિ દરેક ખેલાડીને માનસિક રીતે અસર પહોંચાડે છે કેમ કે આવા માહોલમાં કોઈ ખેલાડી ગ્રાઉન્ડ ઉપર મજબૂત શરીર સાથે ઉતરી તો જાય છે પરંતુ તેની માનસિકતા જોઈએ તેટલી બળવત્તર હોતી નથી તે વાત પણ નોંધવી રહી. ટીમ ઈન્ડિયા કોરોના વચ્ચે પણ બિલકુલ હાંફ્યા વગર ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે જીતીને આવી છે તે વાત પણ રવિ શાસ્ત્રીએ અત્રે ટાંકી હતી. બાયો-બબલને કારણે ખેલાડીઓના પ્રદર્શન ઉપર પણ જોરદાર અસર પડે છે.
Related News

Loading...
Advertisement
Advertisement