શેરબજાર પ્રારંભિક કડાકા બાદ રિકવર: સોના-ચાંદી તૂટયા

23 November 2021 05:06 PM
Business
  • શેરબજાર પ્રારંભિક કડાકા બાદ રિકવર: સોના-ચાંદી તૂટયા

સેન્સેકસ શરૂઆતમાં 700 પોઈન્ટ ગગડયા બાદ ગ્રીન ઝોનમાં; 250 પોઈન્ટનો ઉછાળો: પેટીએમનો શેર 150 રૂપિયા ઉંચકાયો

વિશ્વસ્તરે કડાકો સર્જાતા સોનામાં રૂા.900 તથા ચાંદીમાં 1700નું ગાબડું: નાણા બજારોમાં ઉથલપાથલથી ટ્રેડરોમાં સોંપો

રાજકોટ, તા.23
મુંબઈ શેરબજારમાં સોમવારના પ્રચંડ કડાકા બાદ એકાદ હજાર પોઈન્ટની ઉથલપાથલ વચ્ચે રિકવરી આવતા ઈન્વેસ્ટરોને રાહત થઈ હતી. સેન્સેકસ પ્રારંભિક 700 પોઈન્ટ્સ કડાકા બાદ રિકવર થઈ ગયો હતો અને ગ્રીનઝોનમાં આવી ગયો હતો. મોટાભાગના શેરોમાં વતાઓછા પ્રમાણમાં ભાવવધારો હતો. બીજી તરફ સોના-ચાંદીમાં કડાકા સર્જાયા હતા.

શેરબજારમાં આજે પ્રારંભિક કામકાજમાં મંદીનું મોજું હતું. વિદેશી સંસ્થાઓએ ગઈકાલે 3420 કરોડથી અધિકનો માલ ફૂંકી માર્યો હોવાના આંકડા જાહેર થતા ગભરાટ હતો. ઉઘડતામાં સેન્સેકસ 700 પોઈન્ટ ગગડયો હતો. આ તકે નીચા મથાળે લેવાલીનો દોર શરૂ થતા રિકવરીનો દોર શરૂ થયો હતો. બપોર સુધી બેતરફી વધઘટ રહી હતી અને ત્યારબાદ તેજી તરફી માહોલ સર્જાઈ ગયો હતો. જાણીતા શેરબ્રોકર્સના કહેવા પ્રમાણે વિદેશી સંસ્થાઓની વેચવાલીનો મુખ્ય ગભરાટ છે.

માત્ર ભારત જ નહીં વિશ્વભરની ઈમરજિંગ માર્કેટોમાંથી નાણા પાછા ખેંચતી હોવાનું બહાર આવ્યું હોવાથી ગભરાટ હતો. સામે કોઈ નવા સારા કારણો ઉભા થતા નથી. કૃષિ કાયદા પાછા ખેંચી લેવાયાના ઘટનાક્રમને પગલે આર્થિક ઉદારીકરણને ઝટકો લાગવાની અટકળોથી પણ વસવસો હતો. શેરબજાર બપોરથી ગ્રીનઝોનમાં આવવા સાથે મોટાભાગના શેરોમાં વતાઓછા પ્રમાણમાં સુધારો હતો.

લિસ્ટિંગ બાદ સળંગ બે દિવસ પટકાયેલા પેટીએમના શેરમાં આજે 150 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. મેટલ, ઓટો જેવા શેરો ઉછળ્યા હતા. ટીસ્કો, બજાજ ફીન સર્વિસ, ભારતી એરટેલ, કોટક બેન્ક, લાર્સન, નેસલે, પાવરગ્રીડ, રિલાયન્સ, સ્ટેટ બેન્ક, ટીસીએસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, વેદાંતા, સેઈલ, ટાટાપાવર વગેરે ઉંચકાયા હતા. એશિયન પેઈન્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડુસ બેન્ક, ઈન્ફોસીસ જેવા શેરોમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સિટીવ ઈન્ડેકસ 208 પોઈન્ટના ઉછાળાથી 58674 હતો

તે ઉંચામાં 58778 તથા નીચામાં 57718 હતો. નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફટી 90 પોઈન્ટના ઉછાળાથી 17506 હતો તે ઉંચામાં 17535 તથા નીચામાં 17216 હતો. બીજી તરફ સોના-ચાંદીમાં જોરદાર કડાકા હતા. વિશ્વબજારમાં સોનુ ગગડીને 1805 ડોલરે સરકી ગયું હતું. ગઈ મોડીરાત્રે વિશ્વસ્તરે ભાવ તૂટયા હતા. રાજકોટ ખાતે હાજર સોનુ 50,000ની નીચે સરકી ગયું હતું. 900ના કડાકાથી 49700 હતું. ચાંદી 1700 રૂપિયા ગગડીને 66100 હતી.

ઈન્વેસ્ટરોને રાહત: લેટન્ટનું 197 સામે 530ના ભાવે લિસ્ટિંગ
શેરબજારમાં મંદીના કડાકા તથા પેટીએમના ધબડકા વચ્ચે નવા લિસ્ટિંગમાં આજે ઈન્વેસ્ટરને રાહત થઈ હતી. ગત 10મીએ ઈસ્યુ અને રેકોર્ડબ્રેક 326 ગણા છલકાયેલા લેટન્ટ વ્યૂનું આજે લિસ્ટિંગ થયું હતું. 197ના ભાવે અપાયેલા શેરનું બીએસઈમાં 530 તથા એનએસઈમાં 512.20માં લિસ્ટિંગ થયું હતું. પેટીએમમાં જંગી ખોટ ગયા બાદ લેટન્ટમાં સારી કમાણીથી ઈન્વેસ્ટરોને રાહત થઈ હતી.

પેટીએમ ઈફેકટ! મોબીકવીકે આઈપીઓ પાછો ઠેલી દીધો
શેરબજારમાં લીસ્ટીંગ સાથે જ પેટીએમના શેરમાં ધબડકો સર્જાયાની ઈફેકટ હોય તેમ પેમેન્ટ કંપની મોબીકવીક દ્વારા સૂચિત આઈપીઓ ઢીલમાં મુકી દેવાયો છે. કંપનીના સ્થાપક અને સીઈઓ બીપીન પ્રિતસિંઘે કહ્યું હતું કે આઈપીઓને યોગ્ય પ્રતિસાદ મળવાનો ભરોસો બેસે ત્યારે ઈસ્યુ લાવવામાં આવે છે. ઈસ્યુની મંજુરી ભલે મળી ગઈ હોય તે માટે એક વર્ષનો સમય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2150ના ભાવે અપાયેલા પેટીએમના શેરનો ભાવ બે જ દિવસમાં 1300થી નીચે સરકી જતા તીવ્ર પ્રત્યાઘાતો પડયા છે. મોબીકવીક પણ આ ક્ષેત્રની જ કંપની હોવાથી સીધી અસર થઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement