કાલથી કાનપુરમાં રહાણે-દ્રવિડની સાથે ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ સામે ‘ટેસ્ટ’: સૂર્યકુમાર-શ્રેયસમાંથી એકને તક

24 November 2021 10:58 AM
India Sports World
  • કાલથી કાનપુરમાં રહાણે-દ્રવિડની સાથે ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ સામે ‘ટેસ્ટ’: સૂર્યકુમાર-શ્રેયસમાંથી એકને તક

* માંસપેશીમાં ઈજા થઈ જતાં રાહુલ ‘આઉટ’: રવીન્દ્ર-અશ્વિન-અક્ષર પટેલની સ્પીનત્રિપૂટી સાથે મેદાને ઉતરશે ભારત: મયંક-ગીલ ઓપનિંગ કરે તેવી શક્યતા, ચેતેશ્વર-રહાણે સહિતનાની વાપસીથી ટીમ મજબૂત

* ન્યુઝીલેન્ડ પણ ત્રણ સ્પિનરની ‘ફોર્મ્યુલા’ અપનાવી શકે: ન્યુઝીલેન્ડના 10 કેપ્ટન છેલ્લા 66 વર્ષથી ભારત સામે ટેસ્ટ શ્રેણી નથી જીતી શક્યા

નવીદિલ્હી, તા.24
આવતીકાલથી કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે શરૂ થનારા ટેસ્ટમાં કેપ્ટન રહાણે અને કોચ રાહુલ દ્રવિડની સાથે આખીયે ટીમ ઈન્ડિયાનો ‘ટેસ્ટ’ થવાનો છે. આ મેચ પહેલાં જ ઓપનિંગ બેટર કે.એલ.રાહુલ ઈજાગ્રસ્ત થઈ જતાં તે બહાર થઈ ગયો છે જેના કારણે હવે તેના સ્થાને સૂર્યકુમાર યાદવ અથવા શ્રેયસ અય્યરમાંથી કોઈ એકને રાહુલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવશે.

બીજી બાજુ ભારતીય ટીમ વતી ઓપનિંગમાં મયંક અગ્રવાલ અને શુભમન ગીલ ઈનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે. ખાસ કરીને ભારતીય પીચ ઉપર ટેસ્ટ મેચ રમાતી હોય એટલે સ્પીનરોની ભૂમિકા મહત્ત્વની બની જતી હોવાને કારણે ટીમ ઈન્ડિયા રવીન્દ્ર જાડેજા, આર.અશ્વિન અને અક્ષર પટેલની ત્રિપૂટી સાથે મેદાને ઉતરી શકે છે. સામી બાજુ ન્યુઝીલેન્ડ પણ ત્રણ સ્પીનરની ‘ફોર્મ્યુલા’ અખત્યાર કરે તેવી સંભાવના નકારી શકાતી નથી.

મહત્ત્વની વાત એ છે કે, ન્યુઝીલેન્ડ ટીમ છેલ્લા 66 વર્ષથી ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. શ્રેણી જીત માટે 10 જેટલા કેપ્ટનોએ પ્રયાસ કર્યો પણ તમામને નિષ્ફળતા જ સાંપડી છે. આ પહેલાં ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણે અને વાઈસ કેપ્ટન ચેતેશ્ર્વર પુજારાએ આક્રમક શૈલીમાં બોલરો વિરુદ્ધ પ્રેક્ટિસ કરી હતી. આ ઉપરાંત શ્રેયસ અય્યર અને શુભમન ગીલે પણ ‘હિટિંગ’ કર્યું હતું.

31 વર્ષીય સૂર્યકુમાર યાદવને છેલ્લે ઈંગ્લેન્ડમાં ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો હતો પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. રાહુલની ગેરહાજરીમાં સંભવત: શુભમન ગીલ અને મયંક અગ્રવાલ ઈનિંગની શરૂઆત કરશે. એવી પ્રબળ સંભાવના છે કે શ્રેયસ અય્યર અથવા સૂર્યકુમાર યાદવમાંથી કોઈ એકને ટેસ્ટ ડેબ્યુની તક મળશે અને તે મીડલ ઑર્ડરમાં બેટિંગ કરશે.

ટી-20 ટીમના નિયમિત સભ્ય સૂર્યકુમારે તાજેતરની રણજી સીઝનમાં મુંબઈ વતી 10 ઈનિંગમાં 56.44ની સરેરાશથી 508 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે સદી અને બે ફિફટી પણ બનાવી હતી. ટી-20 કેપ્ટન રોહિત શર્માને આ શ્રેણીમાં વિશ્રામ આપવામાં આવ્યો છે તો વિરાટ કોહલી પણ પહેલો ટેસ્ટ રમશે નહીં એટલા માટે રહાણે ટીમની બાગડોર સંભાળશે.

બીજી બાજુ ગ્રીનપાર્કમાં ન્યુઝીલેન્ડ ટીમ ત્રણ સ્પીનરો સાથે મેદાને ઉતરી શકે છે. પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં આ રણનીતિ કારગત સાબિત થાય તેવી શક્યતા છે. કિવિ ટીમના કોચે કહ્યું કે ભારતીય ટીમ વિરુદ્ધ તેના ઘરમાં રમવું હંમેશાથી પડકારજનક રહ્યું છે. આવામાં ભારતીય સ્પીનરોનો સામનો કરવો અમારી ટીમ માટે આકરું સાબિત થશે.


Related News

Loading...
Advertisement
Advertisement