ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ‘હલાલ’ માંસ જ ખાઈ શકશે: ડાયેટ પ્લાન સામે આવતાં જ હોબાળો શરૂ

24 November 2021 11:04 AM
India Sports World
  • ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ‘હલાલ’ માંસ જ ખાઈ શકશે: ડાયેટ પ્લાન સામે આવતાં જ હોબાળો શરૂ

ફિટનેસને ધ્યાનમાં રાખી મેનુમાંથી ‘બીફ’ અને ‘પોક’ અને હટાવી દેવાયું

નવીદિલ્હી, તા.24
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ટીમ ઈન્ડિયા માટે તૈયાર કરવામાં આવેલા નવા ડાયેટ (ભોજન) પ્લાનને લઈને જોરદાર વિવાદ થઈ ગયો છે. ખેલાડીઓની ફિટનેસને ધ્યાનમાં રાખી ખેલાડીઓની પ્લેટમાંથી ‘પોક’ (ડુક્કરનું માંસ) અને ‘બીફ’ (ગૌમાંસ) હટાવી દેવામાં આવ્યું છે.

હવે જો કોઈ ખેલાડીએ માંસ આરોગવું હોય તો માત્ર ‘હલાલ’ થયેલું જ માંસ ખાઈ શકશે તેવું ફરમાન પણ કરાયું હતું. ‘હલાલ’ સિવાયના કોઈ પણ પ્રકારના માંસની પરવાનગી બોર્ડે આપી નહોતી. ટી-20 વર્લ્ડકપમાં પરાજય બાદ ભારતે તાજેતરમાં જ પૂરી થયેલી ટી-20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડને ક્લિન સ્વિપ કર્યું હતું. જ્યારે આવતીકાલથી કાનપુરમાં ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે.

ટીમના આ વ્યસ્ત કાર્યક્રમ અને ખેલાડીઓના થાકને ધ્યાનમાં રાખી ડાયેટ ચાર્ટમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. કાલથી શરૂ થઈ રહેલા ટેસ્ટ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાનું ભોજન મેન્યુ સામે આવ્યું હતું. મેન્યુમાં ભોજનની વસ્તુઓને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ ‘બીફ’ અને ‘પોક’ ખાઈ શકશે નહીં. ખેલાડીઓનું વજન ન વધે તે માટે આ નિર્ણય લેવાયો હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

‘હલાલ’ અને ‘ઝટકા’ માંસમાં શું છે અંતર ?
આ જાનવર પર વાર કરવાની અલગ-અલગ પ્રક્રિયાથી વધુ કંઈ જ નથી. ‘હલાલ’ મીટ માટે જાનવરની શ્ર્વાસ લેવાની નસ કાપી નાખવામાં આવે છે અને તેની થોડી જ વારમાં તેનો જીવ ચાલ્યો જાય છે જ્યારે બીજી બાજુ ઝટકા મીટ માટે એક જ ઝાટકે જાનવરને મોતને ઘાટ ઉતારી દેવાય છે. માંસાહારી લોકો ઝટકા મીટને મહત્ત્વ આપે છે જ્યારે એક વર્ગ એવો પણ છે જે હલાલ સિવાયના કોઈ પણ પ્રકારના માંસને આરોગવાની પરવાનગી આપતો નથી. ક્રિકેટ બોર્ડના આ નિર્ણય બાદ સોશ્યલ મીડિયા ઉપર જોરદાર હંગામો મચી ગયો છે. ચાહકો પોતપોતાની રીતે વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા. અમુકે તો ક્રિકેટ બોર્ડ ઉપર ‘હલાલ’ મીટને ઉત્તેજન આપવા સુધીનો આરોપ લગાવી દીધો હતો તો અમુક લોકો હિન્દુ-મુસ્લિમ એંગલ જોડવા લાગ્યા હતા !

ખેલાડી જે ઈચ્છે તે ખાઈ શકે છે: બબાલ થઈ જતાં ક્રિકેટ બોર્ડે કરી સ્પષ્ટતા
ટીમ ઈન્ડિયાના ડાયેટ પ્લાનને લઈને વધી રહેલી બબાલને જોઈ બીસીસીઆઈએ સ્પષ્ટતા કરવી પડી છે. બોર્ડના ખજાનચી અરુણ ધૂમેલે તમામ અહેવાલોને નકારતાં કહ્યું છે કે ખેલાડી અને સપોર્ટ સ્ટાફ જે ઈચ્છે તે ખાઈ શકે છે અને આ તેની વ્યક્તિગત પસંદનો મામલો છે. બોર્ડે ક્યારેય આ પ્રકારની યોજના બનાવી નથી.

ક્રિકેટ બોર્ડને ખેલાડી ‘હલાલ’ માંસ જ ખાશે તેવો અધિકાર કોણે આપ્યો ? ભાજપ આકરાં પાણીએ
ટીમ ઈન્ડિયાનું ભોજન મેન્યુ બહાર આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ બધાની વચ્ચે ભાજપના પ્રવક્તા અને એડવોકેટ ગૌરવ ગોયલે આ ભલામણને તુરંત પરત ખેંચી લેવા માંગ કરી છે. ગોયલે પોતાના ટવીટર હેન્ડલ પર જારી કરેલા વીડિયોમાં કહ્યું કે ખેલાડી કંઈ પણ ખાવા માંગતા હોય તે ખાઈ શકે છે કેમ કે આ તેની મરજી છે પરંતુ બીસીસીઆઈને એ અધિકારી કોણે આપ્યો કે તે ‘હલાલ’ માંસની જ ભલામણ કરે. આ નિર્ણય બિલકુલ વ્યાજબી નથી જેથી તેને તુરંત પરત લેવો જોઈએ.


Related News

Loading...
Advertisement
Advertisement