આટકોટ-ગરણીનો 9 કિ.મી.માર્ગ બિસ્માર બન્યો

24 November 2021 12:46 PM
Jasdan
  • આટકોટ-ગરણીનો 9 કિ.મી.માર્ગ બિસ્માર બન્યો
  • આટકોટ-ગરણીનો 9 કિ.મી.માર્ગ બિસ્માર બન્યો

છ માસ પહેલા માર્ગનું કામ મંજુર થવા છતાં કામ શરૂ નહીં થતા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ; ગ્રામજનોમાં રોષ

(નરેશ ચોહલીયા) જસદણ, તા.24
રાજ્યની સરકાર ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તા માટે અનેક દાવાઓ કરી રહી છે. પરંતુ વાસ્તવિકતા અંગે ખરેખર તપાસ કરીએ તો કંઈક અલગ જ હોય છે. એવું જ કંઈક જસદણ તાલુકાના આટકોટ ગામથી ગરણી ગામ સુધીના રોડમાં સામે આવ્યું છે. આ માર્ગ 6 મહિના પહેલા જેતે વિભાગ દ્વારા ટેન્ડરથી પાસ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી આ રોડનું કામ ચાલુ થયું નથી. આ રોડ જસદણ તાલુકાના આટકોટ, ગુંદાળા(જામ), ગરણી, થોરખાણ સહિતના ગામોને જોડતો મુખ્ય રોડ છે. છતાં આ રોડ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.

આ રોડ અતિ ખરાબ હોવાના કારણે નાનામોટા અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. આ રોડનો 6 મહિના પહેલા ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો છે. પરંતુ કામ પૂર્ણ કરવાના સમયે હજુ કામ શરૂ પણ થયું નથી. જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ રોડ-રસ્તા સરકારના માર્ગ અને મકાન વિભાગમાં આવે છે. છતાં ક્યાં કારણોસર આ રોડનું કામ શરૂ કરવામાં આવતું નથી તેવું હજારો ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગરણીથી આટકોટ સુધી 9 કી.મી.ના રસ્તાની બન્ને સાઈડ જેતે કોન્ટ્રાક્ટર દ્વારા બુરવામાં આવી છે. ત્યારબાદ રોડનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગત દિવાળી બાદ આ રોડનું કામ ચાલુ કરવાની વાત કરવામાં આવી હતી. પણ હજુ સુધી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. આ રોડ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો પસાર થઈ શકે તેમ નથી. ગામના લોકો અમને કહે છે કે તમે જાણો છો કે આ રસ્તો ક્યારે બનાવાનો છે આવા અનેક સવાલો કરે છે. અમે ઘણી જગ્યાએ ફોન કર્યા છે પણ એ લોકો ક્યારે આ રોડનું કામ ચાલુ કરશે તેની કોઈ સમય મર્યાદા નક્કી થતી નથી. અમારા ગ્રામજનોની માંગણી છે કે આ રોડનું કામ ઝડપથી થાય તો માણસોને પડતી હાલાકી મટી જાય.તેમ સરપંચ અમરીશભાઇએ જણાવ્યું છે.

રોડના કોન્ટ્રાક્ટરે રોડનું કામ પૂર્ણ થયા બાદ માપદંડના બોર્ડ લગાડવાના હોય છે. છતાં રોડના કોન્ટ્રાક્ટરે રોડનું કામ કર્યા વગર જ બોર્ડ મારી દીધા છે. આ રોડનું કામ પણ એક વર્ષ પહેલા મંજુર થઈ ગયું છે. આ અંગે જેતે જવાબદારોને રજૂઆત કરીએ તો કહે છે કે અત્યારે કોન્ટ્રાક્ટર નવરા નથી તેવા વાહ્યાત જવાબો આપે છે. તેમ છગનભાઇ કલકાણીએ જણાવ્યું છે.


Loading...
Advertisement
Advertisement