સાંસદ-પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને આતંકી સંગઠને આપી જાનથી મારી નાખવાની ધમકી

24 November 2021 12:54 PM
India Sports
  • સાંસદ-પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને આતંકી સંગઠને આપી જાનથી મારી નાખવાની ધમકી

આઈએસઆઈએસ-કાશ્મીરે ઈ-મેઈલ મારફતે ધમકી આપી: ગંભીરના ઘર બહાર સુરક્ષા વધારાઈ: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

નવીદિલ્હી, તા.24
પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને આતંકી સંગઠન આઈએસઆઈએસ-કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગંભીરે દિલ્હી પોલીસને આ અંગેની જાણ કરતાં પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. ડીસીપી સેન્ટ્રલ શ્ર્વેતા ચૌહાણે જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને અત્યારે ગંભીરના ઘરની બહાર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. આ મેલ બાદ દિલ્હી પોલીસે ગંભીરના ઘરની બહાર પોલીસની સંખ્યામાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હી સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા. ગંભીર દરેક મુદ્દે બિલકુલ સંકોચ રાખ્યા વગર મત આપવા માટે ઓળખાય છે. તેમણે ઘણી વખત આતંકવાદ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. ગંભીર 2011માં વર્લ્ડકપ જીતનારી ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.

ગંભીર વિપક્ષના નેતાઓ પર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છવાયેલા રહે છે. તાજેતરમાં જ તેમણે નવજોતસિંહ સિદ્ધુને ઘેર્યા હતા. ગંભીરે સિદ્ધુને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ કહેવા અંગે ટીકા કરી હતી કે પહેલાં તેઓ પોતાના બાળકોને સીમા પર મોકલે અને પછી આવા નિવેદનો આપે. ગૌતમે એવું પણ કહ્યું હતું કે ભારત 70 વર્ષથી પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહ્યું છે અને સિદ્ધુ દ્વારા એક આતંકી દેશના વડાપ્રધાનને પોતાના મોટાભાઈ કહેવા શરમજનક છે.


Related News

Loading...
Advertisement
Advertisement