IOB તથા સેન્ટ્રલ બેન્કનું ખાનગીકરણ : સંસદના શિયાળુ સત્રમાં ખરડો

24 November 2021 04:21 PM
Business India
  • IOB તથા સેન્ટ્રલ બેન્કનું ખાનગીકરણ : સંસદના શિયાળુ સત્રમાં ખરડો

દેશની મોટી સરકારી બેન્કોને ખાનગી હાથમાં સોંપી દેવા સરકાર મકકમ: કર્મચારી સંગઠનોનો વિરોધ

સંસદમાં બેન્કિંગ સુધારા એકટ રજૂ કરાશે: શેરબજારમાં બન્ને બેન્કોના શેરના ભાવમાં ઉછાળો: તા.29ના કર્મચારી સંગઠન વિરોધ પ્રદર્શન કરશે

નવીદિલ્હી, તા.24
દેશમાં બેન્કોના ખાનગીકરણમાં આગળ વધી રહેલી મોદી સરકાર હવે સંસદના શિયાળુ સત્રમાં બે મોટી સરકારી બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા તથા ઈન્ડિયન ઓવરસીઝ બેન્કનું ખાનગીકરણ કરવા માટેનો ખરડો રજૂ કરશે તેવા સંકેત છે. કેન્દ્ર સરકારે બેન્કિંગ લો (સુધારા) બિલ 2021 તૈયાર રાખ્યું છે. સંસદમાં કુલ 26 પ્રકારના ખરડા રજૂ થવાના છે અને તેમાં આ બે ટોચની બેન્કોનું ખાનગીકરણનો એજન્ડા પણ છે. કેન્દ્ર સરકારે ડિસઈન્વેસ્ટ મારફત રૂા.1.75 લાખ કરોડની રકમ મેળવવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે તેને વાસ્તવિકતા બનાવવા ખાનગીકરણનો માર્ગ મોકળો કર્યો છે.

આ બન્ને બેન્કના ખાનગીકરણના સમાચાર આવતા જ આજે શેરબજારમાં આઈઓબી તથા સીબીઆઈના શેરના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. જો કે બીજી તરફ આ બે બેન્કોના ખાનગીકરણની તૈયારી થતા જ બેન્ક કર્મચારી સંગઠનોએ તેનો વિરોધ ચાલુ કરી દીધો છે અને તા.29ના સંસદનું સત્ર શરૂ થશે તે સમયે જ બેન્ક કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે. જો કે સરકાર તેના પ્રોગ્રામમાં આગળ વધવા માટે મકકમ છે અને બન્ને બેન્કોના પ્રાઈવેટાઈઝેશનનો પણ એક કાર્યક્રમ ઘડી કાઢશે જેના કારણે આગામી એક વર્ષમાં આ બન્ને બેન્કો ખાનગી હાથમાં સોંપાઈ જાય તેવી ધારણા છે.

બેંક ખાનગીકરણ ખરડા સામે યુનિયનો વિફર્યા; વિજળીક હડતાળ પાડવા ચેતવણી
29મીથી ધરણા: સંસદમાં ખરડો રજુ થાય ત્યારે હડતાળ
રાજકોટ તા.24
સોમવારથી શરુ થતા સંસદના સત્રમાં બેંક ખાનગીકરણ ખરડો આવવાના તથા બેંકીંગ રેગ્યુલેશન એકટમાં સુધારો થવાના સંકેતો સાથે જ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ આંદોલનનો ધોકો પછાડયો છે. 29મીથી ધરણાના કાર્યક્રમો શરુ કરાશે અને સરકાર જે દિવસે સંસદમાં ખરડો પેશ કરે તે દિવસે જ વિજળીક હડતાળ પાડવાનું એલાન જાહેર કરાયું છે એટલું જ નહીં લાંબી લડત માટેની તૈયારી શરુ કરી દેવામાં હતા. બેંક યુનીયનો દ્વારા એવો આરોપ મુકવામાં આવ્યો છે કે બેંકોને નાણાં નહીં ચુકવતા ઉદ્યોગોને 70થી95 ટકા સુધીની રાહત આપીને સરકાર લોન માંડવાળ કરી રહી છે એટલું જ નહીં ઉદ્યોગગૃહોને જ બેંકો સોંપી દેવાની વેતરણ છે.

સરકારની આ નીતિને કારણે બેંક ગ્રાહકો પર મોટો બોજ આવશે. ગરીબ લોકો માટે મફત બેંકીંગ સેવા માટે દરવાજા બંધ થઈ જશે. બેંકો વર્ષે એક લાખ કર્મચારીઓની ભરતી કરે છે તે અટકશે અને બેરોજગારી વધશે. બેંક ખાનગીકરણ સામે અત્યાર સુધીમાં 40 વખત હડતાળ પાડવામાં આવી છે. હવે વધુ લાંબી લડતની તૈયારી કરવામાં આવશે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ કહ્યું કે તા.29 નવેમ્બરથી 4 ડીસેમ્બર દરમ્યાન જુદા-જુદા રાજયોમાં ધરણા યોજવામાં આવશે જયારે જે દિવસે ખાનગીકરણનો ખરડો સંસદમાં મુકાશે ત્યારે દેશવ્યાપી વિજળીક હડતાળ પાડવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement