પ્રતિકુળતાને સમાધિ સાથે પસાર કરવી એ જ તો સાધુ જીવન છે : ગચ્છાધિપતિ આ. શ્રી દોલતસાગરસૂરીજી મ.

24 November 2021 04:29 PM
Rajkot Dharmik
  • પ્રતિકુળતાને સમાધિ સાથે પસાર કરવી એ જ તો સાધુ  જીવન છે : ગચ્છાધિપતિ આ. શ્રી દોલતસાગરસૂરીજી મ.

રાજકોટ, તા. ર4
આનંદસાગરસૂરી સમુદાયના ગચ્છાધિપતિ આ. ભ. શ્રી દોલતસાગરસૂરીજી મહારાજનો 100માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજનો ચાલી રહ્યા છે.તાજેતરમાં શતાયુષી ગચ્છાધિપતિ આ. ભ. પૂ. શ્રી દોલતસાગરસૂરીજી મહારાજ આગમ મંદિર બનાવવાની પ્રેરણા કરતા રહે છે. પાંચ સાત દિવસમાં તેમના ચારિત્રજીવનના 8ર વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. ત્યારે પૂ. ગચ્છાધિપતિશ્રીના શબ્દોમાં સાધુજીવનના પ્રસંગો પ્રસ્તુત છે.

તેમણે જણાવ્યું છે કે તામ્રપત્ર ઉપર મેં 4પ આગમની સાત નકલ બનાવી અને પંચાંગી આગમની (મૂળસૂત્ર, નિર્યુકિત, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા)ની બે નકલ બનાવી. જે-જે મહાપુરૂષોનું આગમ સંબંધી જે સાહિત્ય મળ્યું તે બધાનો સમાવેશ આમાં છે. આ સિવાય પરમગુરૂદેવ પૂજય સાગર મહારાજે આગમરત્નમંજૂષાની 3પ નકલો પ્રિન્ટ કરાવી હતી, તે મેં ફરીથી છપાવી. આજે પણ મારી ઇચ્છા ગામે-ગામે આગમ મંદિર બનાવાવની છે. મેં અત્યાર સુધી સાત આગમ મંદિરોની સ્થાપના કરાવી તથા બીજા અનેક પૂજયોને આગમ મંદિરના નિર્માણ કાર્યમાં સહાય કરી. કોઇ મારી પાસે આવે તો એમને હું આગમમંદિર બનાવવા માટે પ્રેરણા કરૂં છું.

મને આગમ સિવાય બીજું કશું જ દેખાતું નથી. મેં મારા સંયમજીવનમાં બે વાર 119 કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરી છે. વગર માણસે હું સમ્મેતશિખરજી સુધી ગયો છું. રોજ માથે પોટલું ઉંચકી વિહાર કરતો. સાથે કોઇ માણસ રાખ્યો નહોતો. મારા વિહારયાત્રાના અનુભવો પણ ભિન્ન રહ્યા છે. બે-ત્રણ લાખ કિ.મી.નો વિહાર 8ર વર્ષના સંયમપર્યાયમાં થયો હશે. વિહાર દરમ્યાન ગામમાં ઘર ન હોવાથી સ્મશાનમાં સૂતો છું. રેલ્વે સ્ટેશન પર પણ સંથારો કર્યો છે.

આવા તો ઘણા સારા-નરસા અનુભવો થયા છે. પણ એક વાત ગુરૂજનોએ શીખવાડેલી કે પ્રતિકૂળતાને સમાધિ સાથે પસાર કરવી એ જ તો સાધુ જીવન છે.


Related News

Loading...
Advertisement
Advertisement