જનતા સાથે ગેરવર્તનના બનાવો વધતા પોલીસ તંત્ર એકશનમાં અમદાવાદમાં એક સાથે 700 ટીઆરબી જવાનોની છટણી

24 November 2021 04:55 PM
Ahmedabad Rajkot
  • જનતા સાથે ગેરવર્તનના બનાવો વધતા પોલીસ તંત્ર એકશનમાં અમદાવાદમાં એક સાથે 700 ટીઆરબી જવાનોની છટણી

અમદાવાદના પોલીસ કમિશ્નરના આદેશથી ગેરશિસ્ત, ગેરવર્તન અને ગેરહાજરીની ફરીયાદોવાળા ટ્રાફિક બ્રિગેડના કર્મીઓને ફરજ મુકત કરાયા

આગામી સમયમાં 700 ટીઆરબી જવાનોની ભરતી કરાશે, 30મીએ શારિરીક કસોટી : ‘સાંજ સમાચાર’ સાથે ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાની વાતચીત

રાજકોટ, તા.24
આજે અમદાવાદમાં એક સાથે 700 ટ્રાફિક બ્રિગેડના જવાનોની હકાલપટ્ટી કરાતા પેધી ગયેલા કર્મીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે. છેલ્લા ઘણા સમયથી જનતા સાથે ટ્રાફિક કર્મીઓના અશોભોનિય વર્તનના બનાવો પ્રકાશમાં આવતા રહ્યા છે. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે આગામી સમયમાં પોલીસ વિભાગ આ ખાલી પડેલી 700 જગ્યા પર નવા કર્મચારીઓને ભરતી કરશે. આ અંગે સાંજ સમાચારને માહિતી આપતા અમદાવાદના જેસીપી ટ્રાફિક મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ભરતી માટે તંત્રની તૈયારી છે.

આગામી તા.30મીએ ટીઆરબી જવાનોની ભરતી માટે શારીરિક કસોટી પણ છે. જાણવા મળતી વિગત મુજબ આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 700 ટીઆરબીઓને ફરજ મુક્ત કરવા આદેશ આપ્યો હતો. એક સાથે આટલી મોટી સંખ્યામાં ટીઆરબી જવાનોને પાણીચું આપી દેવાતા ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં રોડ પર ટ્રાફિક વ્યવસ્થાનું નિયંત્રણ કરવા માટે મોટા પાયે ટ્રાફિક બ્રિગેડના જવાનોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવતી હોય છે, પરતું કેટલીક વાર આ જવાનો વધુ પૈસા કમાવવાની લાલાચમાં રાહદારીઓ પાસેથી ગેરકાયદેસર ચલણને બદલે પૈસાની ઉઘરાણી પણ કરતા હોય છે. ઉપરાંત વાહનચાલકો સાથે ગેરવર્તન કરવું, કામના સમયે મોબાઈલનો ઉપયોગ કરી બેસી રહેવું,

આ સહિત ગેર શિસ્ત, ગેર વર્તન અને ગેર હાજરીના આવા કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. ત્યારે આવા કિસ્સામાં હવે ભ્રષ્ટાચાર અને ગરવર્તણૂંકની ઉઠેલી ફરિયાદનોને લઈને હવે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં એક સાથે 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને છુટા કરી દેવામાં આવ્યા છે, તેમની સામે ભ્રષ્ટ્રાચાર અને નાગરિકો સાથે ગેરવર્તણૂંકણની ફરિયાદ થતા તંત્રએ એક ઝાટકે તમામને છુટા કરી દેવા નિર્ણય કર્યો છે. આ સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા આગામી દિવસોમાં નવા 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ જવાનોને 3 વર્ષના કોન્ટ્રોક્ટ પર લેવામાં આવશે. પરતું હાલ તંત્રએ ભ્રષ્ટાચારને ડામવા લીધા આ નિર્ણયને પગલે અન્ય ટ્રાફિક બ્રિગેડના જવાનનો એક ચોક્કસ સકારાત્મક સંદેશ જરૂર ગયો છે. જે બાદ હવે કર્મચારીઓ નિષ્ટાપુર્વક ફરજ બજાવતા થશે. જેસીપી ટ્રાફિક મયંકસિંહ ચાવડાના જણાવ્યા મુજબ આગામી તા.30ના રોજ ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી માટે શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડમાં શારીરિક કસોટીનું આયોજન કરાયું છે. વહેલી તકે ખાલી જગ્યા ઉપર ભરતી કરી લેવામાં આવશે.

રાજકોટમાં પણ આગામી સમયમાં 300થી 400 TRBની ભરતી થશે
રાજકોટના ટ્રાફિક અને ઝોન-1ના ડીસીપી પ્રવિણકુમારે ‘સાંજ સમાચાર’ને જણાવ્યું હતું કે રાજકોટમાં જયારે જયારે ટીઆરબી જવાનોની સામે ફરીયાદો આવી છે કે ગેરહાજરીની બાબત જણાઇ છે ત્યારે તેમને ફરજ મુકત કરવાની કાર્યવાહી થઇ છે. રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા અને આગામી સમયને ધ્યાનમાં લઇ ટુંક સમયમાં 300 થી 400 ટીઆરબી જવાનોની ભરતી કરવામાં આવી શકે છે. સમયાંતરે જે જે ફરીયાદો મળી તેમાં ટ્રાફિક જવાનોને છુટા કરાયા હતા. તાજેતરમાં જ રાજકોટમાં 1પ0 ટીઆરબી જવાનોની ભરતી પણ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement