રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ વખત 3 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ: કોરોનાનો ફફડાટ વધ્યો

24 November 2021 09:11 PM
Rajkot Saurashtra
  • રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ વખત 3 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ: કોરોનાનો ફફડાટ વધ્યો

ધોરાજીમાં રહેતા 56 વર્ષના દાદા કોરોના સંક્રમિત થયા બાદ ઘરના 9 સભ્યોનો ટેસ્ટ કરાયો હતો, જેમાં 3 વર્ષનું બાળક સંક્રમિત હોવાનું જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું: દાદા - પૌત્ર હોમ આઇસોલેટ

રાજકોટ:
દિવાળી બાદથી જ રાજકોટમાં છુટા છવાયા કોરોના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે આજે રાજકોટ ગ્રામ્યમાં બે કેસ સામે આવ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, 3 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ધોરાજીનો આ બાળક સંભવતઃ જિલ્લાનો આટલી નાની વયનો પ્રથમ બાળક હશે.

જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.નિલેશ રાઠોડના જણાવ્યા મુજબ આજે ધોરાજીમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા છે. જેમાં સૌ પ્રથમ ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં રહેતા પરિવારના 56 વર્ષીય દાદાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પરિવારના 9 સભ્યોનો ટેસ્ટ કરાયો હતો જેમાં 3 વર્ષનો પૌત્ર પણ સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 8 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હાલ ધોરાજીમાં સરવેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઇ છે.

રાજકોટ ગ્રામ્યમાં દિવાળી પહેલા 3 નવેમ્બરે એક કેસ નોંધાયો હતો. જ્યારે દિવાળી બાદ પ્રથમ વખત 17 નવેમ્બરે એક કેસ, 21 નવેમ્બરે બે કેસ અને 24 નવેમ્બરે બે કેસ નોંધાયા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5 થઈ ગઈ છે.

રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં આજે કોઇ નવો કેસ નોંધાયો નથી, પરંતુ પાંચ દર્દી સાજા થયા છે, અહીં હાલ 9 એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં 42873 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે. સાંજ સુધીમાં કોર્પોરેશન વિસ્તારમાં 7966 અને ગ્રામ્ય વિસ્તારમાં 9449 ડોઝનું વેકસીનેશન થયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement