ટીમ ઈન્ડિયા અત્યારે ‘ટ્રાન્ઝિશન’માંથી પસાર થઈ રહી છે, વર્લ્ડકપ પહેલાં ‘ધરખમ’ બનશે: પાર્થિવ પટેલ

25 November 2021 11:25 AM
Gujarat India Rajkot Sports
  • ટીમ ઈન્ડિયા અત્યારે ‘ટ્રાન્ઝિશન’માંથી પસાર થઈ રહી છે, વર્લ્ડકપ પહેલાં ‘ધરખમ’ બનશે: પાર્થિવ પટેલ
  • ટીમ ઈન્ડિયા અત્યારે ‘ટ્રાન્ઝિશન’માંથી પસાર થઈ રહી છે, વર્લ્ડકપ પહેલાં ‘ધરખમ’ બનશે: પાર્થિવ પટેલ
  • ટીમ ઈન્ડિયા અત્યારે ‘ટ્રાન્ઝિશન’માંથી પસાર થઈ રહી છે, વર્લ્ડકપ પહેલાં ‘ધરખમ’ બનશે: પાર્થિવ પટેલ

* અત્યાર સુધીના વર્લ્ડકપ જોઈ લો, દરેક ટીમની જીતમાં ઑલરાઉન્ડરની ભૂમિકા મહત્ત્વની રહી છેે: ટીમ ઈન્ડિયામાં પણ રવીન્દ્ર-હાર્દિક ઉપરાંત એવા ઑલરાઉન્ડરની જરૂર જે ધારદાર બોલિંગ કરી શકે

રાજકોટ, તા.24
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ અને ત્યારપછી ટી-20 વર્લ્ડકપમાં મળેલા બબ્બે સણસણતાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાની ‘કાબેલિયત’ ઉપર સવાલો ઉભા થવાનું શરૂ થઈ ચૂક્યું હતું. જો કે ન્યુઝીલેન્ડને 3-0થી ટી-20 શ્રેણી હરાવી ભારતીય ખેલાડીઓએ પોતાના ફોર્મનો પરચો આપી જ દીધો છે. આ ટૂર્નામેન્ટમાં કોહલી, જાડેજા, બુમરાહ, શમી સહિતના સિનિયર ખેલાડીઓ ન હોવા છતાં પણ ટીમે જે રીતે જ્વલંત જીત મેળવી છે તે કાબિલેદાદ રહી છે. આ બધાની વચ્ચે રાજકોટની મુલાકાતે આવેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ‘સ્કાઉટિંગ’ પાર્થિવ પટેલે ‘સાંજ સમાચાર’ની લીધેલી મુલાકાતમાં આ જીત અને ભારતના ભવિષ્યના ક્રિકેટ વિશે મહત્ત્વની વાતચીત કરી હતી.

* રાહુલ દ્રવિડના કોચિંગમાં ટીમને સારા પરિણામ મળશે: હવે ડૉમેસ્ટિક ક્રિકેટ થકી આઈપીએલ અને આઈપીએલ થકી નેશનલ ટીમમાં સ્થાન મેળવી શકાય છે

‘સાંજ સમાચાર’ સાથેની મુલાકાતમાં પાર્થિવ પટેલે જણાવ્યું કે ટીમ ઈન્ડિયા અત્યારે ‘અખતરા’માંથી પસાર થઈ રહી છે મતલબ કે આગામી ટી-20 વર્લ્ડકપ પહેલાં મજબૂત ટીમ બનાવવાની તૈયારીના ભાગરૂપે ખેલાડીઓ ઈન-આઉટ થઈ રહ્યા છે. આ પ્રકારની ફોર્મ્યુલાથી જ વર્લ્ડકપ પહેલાં ટીમ મજબૂત બની શકે છે અને હું અત્યારે તેને જરૂરી પણ ગણું છું. સજ્જડ ટીમ બનાવવા માટે પ્લાનિંગનો સમય હવે બહુ ઓછો રહ્યો છે એટલા માટે જે રીતે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં ટીમમાં ફેરફારો કરાયા હતા તે વ્યાજબી છે કેમ કે આ પ્રકારના પ્રયોગ થકી જ મજબૂત ખેલાડીની ઓળખ થઈ શકશે.

* છ બેટર, પાંચ બોલરની ‘કોમ્બીનેશન’ શ્રેષ્ઠ પણ પાંચ બોલરમાં એક ઑલરાઉન્ડર અત્યંત જરૂરી: વેંકટેશ અય્યર આ ખોટ પૂરી કરી શકવા સક્ષમ

પાર્થિવ પટેલે કહ્યું કે ટીમ ઈન્ડિયાએ સૌથી પહેલાં ઑલરાઉન્ડર ખેલાડીની ઓળખ કરવાની તાતી જરૂરિયાત લાગે છે. અત્યારે ટીમ પાસે હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં ઑલરાઉન્ડર જરૂર છે પરંતુ અન્ય ઑલરાઉન્ડર પણ તૈયાર રાખવા પડશે કેમ કે ટી-20 ફોર્મેટ એવું છે જેમાં ઑલરાઉન્ડર ખેલાડીની રમત સૌથી વધુ મહત્ત્વની બની જતી હોય છે. ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં પાંચ બોલર પસંદ કરે તે જરૂરી છે અને તેના કરતાં પણ જરૂરી વાત એ છે કે આ પાંચમાંથી એક બોલર ઑલરાઉન્ડર હોવો જોઈએ જે બેટિંગમાં પણ યોગદાન આપી શકે. આમ 6 બેટર અને પાંચ બોલર જેમાં એક કે બે ઑલરાઉન્ડર સાથે ટીમ મેદાને ઉતરે તો તેના શાનદાર પરિણામ મળી શકે તેમ છે. અત્યાર સુધીના વર્લ્ડકપ પર નજર કરીએ તો જે જે ટીમ ચેમ્પિયન બની છે તેની જીતમાં ઑલરાઉન્ડરનું યોગદાન મહત્ત્વનું સાબિત થયું છે. હું ટીમ ઈન્ડિયામાં ત્રીજા ઑલરાઉન્ડર તરીકે વેંકટેશ અય્યરને જોઈ રહ્યો છું.

* ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સ કમિટિના પાર્થિવ પટેલ ‘સાંજ સમાચાર’ની મુલાકાતે

પાર્થિવ પટેલે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં આગળ ઉમેર્યું કે ટીમ ઈન્ડિયાના નવોદિત કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ટીમને અત્યંત ઉમદા પરિણામો મળતાં રહેશે તેવો મને વિશ્વાસ છે. આ પહેલાં રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીનું કોમ્બીનેશન અત્યંત અગ્રેસીવ મતલબ કે આક્રમક ગણાતું હતું જ્યારે હવે રોહિત-દ્રવિડની જોડી શાંત ગણાતી હોવાથી તેના પરિણામો કેવા મળે છે તે આવનારો સમય બતાવશે.

આઈપીએલ માટે 30 નવેમ્બર સુધીમાં તમામ ટીમે ચાર ખેલાડીઓને રિટેન કરી દેવા પડશે
પાર્થિવ પટેલે કહ્યું કે આ વર્ષે આઈપીએલ માટે ખેલાડીઓનું મેગા ઑક્શન થવાનું છે ત્યારે 30 નવેમ્બર સુધીમાં તમામ ટીમે પોતાના ચાર ખેલાડીઓને રિટેન કરી દેવા પડશે. હું મુંબઈ ઈન્ડિયન્સ વતી સ્કાઉટિંગ કરી રહ્યો છું અને મારું કામ અલગ અલગ શહેરોમાં જઈને યુવા ખેલાડીઓને શોધવાનું છે. મુંબઈ ઈન્ડિયન્સ 30મીએ કયા ચાર ખેલાડીને રિટેન કરશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે કેમ કે આ નિર્ણય મારો નહીં પરંતુ સમગ્ર ફ્રેન્ચાઈઝીનો હોય છે. મોટાભાગે રોહિત શર્માને રિટેન કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે બુમરાહને પણ રિટેન કરાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ રીતે અન્ય બે ખેલાડીઓ કોણ હશે તે 30મીએ ખબર પડી જશે.

ટોસ પ્રક્રિયા બદલવા માટે સુચનો અનેક આવ્યા પણ લાગુ કરવા શક્ય નથી
તાજેતરમાં જ યુએઈમાં સંપન્ન થયેલા ટી-20 વર્લ્ડકપમાં જીત મેળવવા માટે ટોસ મહત્ત્વનું ફેક્ટર બની ગયો હતો અને ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા લીગ સહિતના મેચો ટોસના આધારે જ જીત્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ટોસ જીતીને બીજી બેટિંગ કરનારી ટીમનું પલડું જ છેવટ સુધી ભારે રહેતાં શું આગામી સમયમાં ટોસને લઈને કોઈ ફેરફાર કરવાની જરૂર લાગે છે ? આ સવાલનો જવાબ આપતાં પાર્થિવે કહ્યું કે આ માટે અનેક પ્રકારના સુચનો મળ્યા છે પરંતુ એકને પણ લાગુ કરવા શક્ય નથી.

ભારતનું ક્રિકેટ અત્યંત વ્યસ્ત, અન્ય ફોર્મેટની જરૂર નથી
ઈંગ્લેન્ડ દ્વારા ‘ધ હન્ડ્રેડ’ (100 બોલની મેચ) અને હવે યુએઈમાં રમાઈ રહેલી ટી-10 બાદ શું ભારતમાં આ પ્રકારના ‘ફેન્સી’ ક્રિકેટની જરૂર છે ? તેવું પૂછવામાં આવતાં પાર્થિવે કહ્યું કે ભારતનું ક્રિકેટ અત્યંત વ્યસ્ત છે એટલા માટે અન્ય ફોર્મેટની અહીં બિલકુલ જરૂર લાગી રહી નથી. અહી આઈપીએલ તો રમાય જ છે સાથે સાથે ડોમેસ્ટિક ક્રિકેટનું પ્રમાણ પણ વધુ હોવાથી મને નથી લાગતું કે અન્ય પ્રકારની ટૂર્નામેન્ટ અહીં રમાય...

નેશનલ ટીમમાં ખેલાડી જે ક્રમે ઉતરતો હોય તે જ ક્રમે ફ્રેન્ચાઈઝીએ પણ ઉતારવો જોઈએ
પાર્થિવ પટેલે કહ્યું કે નેશનલ ટીમમાં ખેલાડી જે ક્રમે બેટિંગ કરવા ઉતરતો હોય તે જ ક્રમે તેણે આઈપીએલમાં બેટિંગ કરવા માટે ઉતરવું જોઈએ. આ માટે ફ્રેન્ચાઈઝીએ પહેલાંથી જ ધ્યાન રાખવાની જરૂર છે અને જો તેના ધ્યાન બહાર રહી જાય તો ખુદ ખેલાડી અથવા કોચે આ દિશામાં ફ્રેન્ચાઈઝીનું ધ્યાન દોરવું જોઈએ. જો આમ કરવામાં આવશે તો જ આઈપીએલનો ફાયદો ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં મળતો રહેશે.

સૌરાષ્ટ્ર-ગુજરાતના ક્રિકેટનું ભવિષ્ય ઘણું ઉજળું
આગામી આઈપીએલમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક ખેલાડીઓ ઉપર ફ્રેન્ચાઈઝી પસંદગી ઉતારે તેવી સંભાવના વ્યક્ત કરતાં પાર્થિવ પટેલે કહ્યું કે સૌરાષ્ટ્ર-ગુજરાત અને બરોડાનું ક્રિકેટ ભવિષ્ય ઘણું ઉજળું છે. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રના ચેતન સાકરિયા અને જયદેવ ઉનડકટ તો આઈપીએલ રમી જ રહ્યા છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ વતી રીપલ પટેલ રમે છે. જ્યારે શેલ્ડન જેક્શન કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમમાં સામેલ છે. આ ઉપરાંત આગામી સીઝનમાં અરઝાન નગવાસવાલા, પ્રેરક માંકડ, લુકમાન મેરીવાલા સહિતના ક્રિકેટરો પર ફ્રેન્ચાઈઝી પસંદગી ઉતારી શકે છે.

પાર્થિવે રાજકોટમાં રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાંથી અનેક ખેલાડીઓને ‘સ્કેન’ કરી લીધા
આઈપીએલમાં ખેલાડીઓના મેગા ઑક્શન પહેલાં અલગ-અલગ શહેરોમાં જઈને ખેલાડીઓને શોધવાનું કામ કરી રહેલા પાર્થિવ પટેલે રાજકોટમાં રમાઈ રહેલી ડૉમેસ્ટિક ટૂર્નામેન્ટમાંથી અનેક ખેલાડીઓને ‘સ્કેન’ કરી લીધા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સૌથી પહેલાં હું લખનૌ ગયો હતો, ત્યાંથી દિલ્હી પહોંચ્યો હતો અને હવે દિલ્હીથી રાજકોટ આવ્યો છું. મારું કામ યુવા ખેલાડીઓની તલાશ કરી તેમને મુંબઈ ઈન્ડિન્સના કેમ્પ સુધી લઈ જવાનું છે. મેં રાજકોટમાં રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં પણ અનેક ખેલાડીઓને પસંદ કર્યા છે.

મુશ્તાક અલી-હઝારેમાં સારું રમશો, આઈપીએલમાં નહીં રમી શકો તો ટીમમાં જગ્યા મળવી મુશ્કેલ
પાર્થિવે ઉમેર્યું કે કોઈ પણ ખેલાડીએ હવે નેશનલ ટીમ સુધી પહોંચવા માટે ડોમેસ્ટિકની સાથે સાથે આઈપીએલમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. તેમણે કહ્યું કે આઈપીએલ સુધી પહોંચવા માટે મુશ્તાક અલી ઉપરાંત વિજય હઝારે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવું જરૂરી બની જાય છે. આ પછી નેશનલ ટીમ સુધી પહોંચવા માટે આઈપીએલમાં બેસ્ટ પ્રદર્શન કરવાની જરૂર રહેશે. જો અહીં ખેલાડી નિષ્ફળ નિવડશે તો તેની જગ્યા બનવી બહુ મુશ્કેલ રહેશે.

(તસ્વીર: ભાવિન રાજગોર)


Related News

Loading...
Advertisement
Advertisement