દેશમાં પ્રજનન દર ઘટયો: અમે બે, અમારા બેની ઈચ્છા વધી

25 November 2021 11:44 AM
India Top News
  • દેશમાં પ્રજનન દર ઘટયો: અમે બે, અમારા બેની ઈચ્છા વધી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ સર્વેક્ષણ-5 જાહેર કર્યો: નવા રિપોર્ટ મુજબ ચંદીગઢમાં સૌથી ઓછો 1.4 ટકા અને યુપીમાં સૌથી વધુ 2.4 ટકા પ્રજનન દર રહ્યો

નવી દિલ્હી તા.25
દેશમાં કુલ પ્રજનન દરમાં ઘટાડો થયો છે જે 2.2 થી ઘટીને બે થઈ ગયો છે અર્થાત દંપતીઓમાં બે બાળકોની ઈચ્છા વધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈકાલે બુધવારે રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ સર્વેક્ષણ (એનએચએફએસ-5) નું બીજા ચરણના આંકડા જાહેર કર્યા છે, જેમાંથી આ નિષ્કર્ષ નીકળ્યો છે.

આ સર્વેક્ષણ યુપી, ઉતરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ સહિત 14 રાજયોમાં કરવામાં આવ્યો હતો. પહેલા ચરણમાં ગત વર્ષે ડિસેમ્બરમાં 22 રાજયોના આંકડા જાહેર થયા હતા. સર્વે 2019થી 2021 દરમિયાન કરવામાં આવ્યો હતો. વર્ષ 2015-16માં થયેલા ગત સર્વેમાં પ્રજનન દર 2.2 નોંધાયો હતો. નવા રિપોર્ટ અનુસાર ચંદીગઢમાં સૌથી ઓછો 1.4 તથા યુપીમાં સૌથી વધુ 2.4 દર રહ્યો હતો.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને યુપીને બાદ કરતા લગભગ બધા રાજય પ્રજનન દર 2.1 અથવા એનાથી નીચે લાવવાનું લક્ષ્ય હાંસલ કરી ચૂકયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તામિલનાડુ અને પુડુચેરીમાં સંસ્થાનિક પ્રસવ સો ટકા રહ્યો હતો.

બાળકના પોષણમાં સુધારો; રિપોર્ટ અનુસાર બાળકોના પોષણમાં થોડી પ્રગતિ થઈ છે. નાના કદના બાળકોની ટકાવારી 32 ટકાથી વધીને 36 ટકા નોંધાઈ છે, જયારે નબળા (કદના પ્રમાણમાં ઓછા વજનવાળા) બાળકોની સંખ્યા 22થી ઘટીને 19 ટકા રહી ગઈ છે. આ સિવાય ઓછા વજન વાળા બાળકોની સંખ્યા 36 ટકાથી ઘટીને 32 ટકા થઈ છે.

ભારતમાં પ્રથમ વખત પુરુષોની તુલનામાં મહિલાઓની વસતી વધી
નવીદિલ્હી: નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વેમાં એવી હકિકત બહાર આવી છે કે દેશમાં પ્રથમવાર પુરુષોની તુલનામાં મહિલાઓની વસતી વધી છે. સર્વે મુજબ ભારતમાં હવે દર હજાર પુરુષોએ 1020 મહિલાઓની વસતી થઈ છે. આ આંકડા બતાવે છે કે, એક જમાનામાં ભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી હતી.

નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અર્મ્ત્ય સેને 1990માં ન્યૂયોર્ક બૂકસ ઓફ રિવ્યુમાં ‘મિસીંગ વૂમન’ શબ્દનો પ્રયોગ કર્યો હતો ત્યારે 1000 પુરુષોએ મહિલાની વસતી 927 હતી. વર્ષ 2005-06માં એએફએચએસ-3માં આ રેશિયો સમાન હતો એટલે કે એક હજાર પુરુષોએ એક હજાર મહિલા છે.

સર્વેક્ષણ જાહેર થઈ અન્ય વિગતો
* ગર્ભ નિરોધકનો ઉપયોગનો રાષ્ટ્રીય દર 67 ટકાએ પહોંચ્યો.
* 12થી23 મહિનાના બાળકોમાં વેકસીન લગાવવાનો દર 76 ટકા સુધી થયો.
* પ્રસવ પુર્વે તપાસ કરાવનારી સગર્ભા મહિલાઓનો આંકડો 58 ટકા થયો.


Related News

Loading...
Advertisement
Advertisement