મુખ્યમંત્રી દિલ્હીમાં; વાઈબ્રન્ટ રોડ-શો

25 November 2021 12:17 PM
Gujarat India
  • મુખ્યમંત્રી દિલ્હીમાં; વાઈબ્રન્ટ રોડ-શો
  • મુખ્યમંત્રી દિલ્હીમાં; વાઈબ્રન્ટ રોડ-શો

સવારે મારૂતિ સુઝુકીના સીઈઓ સાથે ચર્ચા કરી: સાંજ સુધી બેઠકનો દૌર: નવા રોકાણ માટે પ્રયાસો

ગાંધીનગર, તા.25
વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પૂર્વે આજે દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મારુતિ સુઝુકીના એમ.ડી. અને સીઈઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના પ્રથમ રોડ-શોના પ્રારંભે નવીદિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટૂ વન બેઠક કરી દિવસની શરૂઆત કરી હતી. આ અન્વયે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના એમ.ડી. અને સીઈઓ કેનીચી આયકાવા સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠક કરતા મારુતિ સુઝુકીના ગુજરાત પ્રોજેકટસ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પર વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી. તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેકટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. આ તબકકે મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથે સાથે કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્ર્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણના નવીનત્તમ ક્ષેત્રો-ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આજે સાંજ સુધી ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શો અને વન-ટૂ-વન બેઠકમાં કરવાના છે.

મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિત ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યવસાયલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે તથા વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ ગુરુવારે સાંજે મળી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-2022 વિષયક પ્રસ્તુતિ કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે.

મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકમાં ભાગ લઈ રાત્રે ગાંધીનગર પરત ફરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને અનુસંધાને આ વર્ષની વાયબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે. વાયબ્રન્ટ સમિટ પહેલા ગુજરાત સરકાર દ્વારા દેશના વિવિધ શહેરોમાં શ્રેણીબધ્ધ રોડ-શો યોજાવાના છે જે અંતર્ગત પ્રથમ રોડ-શો દિલ્હીમાં થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement