સલાયામાં મહિલા સંચાલિત જુગાર કલબ પર દરોડો

25 November 2021 03:17 PM
Jamnagar
  • સલાયામાં મહિલા સંચાલિત જુગાર કલબ પર દરોડો

77 હજારના મુદ્દામાલ સાથે નવ શખ્સો ઝડપાયા : રાવલ ગામેથી પણ ચારની ધરપકડ

(કુંજન રાડીયા) જામખંભાળીયા, તા.25
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મંગળવારે અહીંના પ્રોફેશનલ પી.આઈ. દ્વારા જુગાર દરોડો પાડી, ધમધમતા જુગારના અખાડામાંથી કુલ નવ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ઝરીના નુરમામદ સંઘાર નામના એક મહિલાના રહેણાક મકાનમાં તેમના વતી સલાયાના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સિદ્દીક ઓસમાણ સંઘાર નામના શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી અને જુગારનો અખાડો ચલાવવામાં આવતો હતો.

આરોપી શખ્સ દ્વારા લુડો ગેમ્સના સાધનો પૂરા પાડી, નાલ ઉઘરાવી અને લુડો ગેમ પૈસાની હાર-જીતની કરી રહેલા સિદ્દીક ઓસમાણ સાથે નજીર હારુન સંઘાર, કરીમ હાસમ સુંભણીયા, ઈકબાલ ઓસમાણ કારા, હાસમ ઈસ્માઈલ ભાયા, રમીજ તાલબ ભગાડ, આમીન ઈબ્રાહીમ ગંઢાર, સલીમ અલી ભગાડ અને સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ કરીમ ભગાડ કુલ નવ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 38,200 રોકડા, રૂ. 38,500 ની કિંમત આઠ નંગ મોબાઈલ ફોન સાથે પ્લાસ્ટિકના કેરમ બોર્ડ, પાસા વિગેરેનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેની કુલ કિંમત રૂ. 77,500 ગણવામાં આવી છે. આ ઉપરાંત મકાનની માલિકી ધરાવતા ઝરીના નુરમામદ આ સ્થળે મળી ન આવતા સલાયા પોલીસે ઉપરોક્ત તમામ દસ શખ્સો સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાવલ ગામે દરોડો
કલ્યાણપુરથી આશરે 18 કિલોમીટર દૂર રાવલ બાબરીયાધાર વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, ચાર રસ્તા જેવા જાહેર સ્થળે ગોળ કુંડાળું કરીને જુગાર રમી રહેલા નગા વિરમ ગામી, કરસન પરસોતમ જમોડ, લખુ રણમલ સરવૈયા અને સંજય વીજુભાઈ બારીયા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 1,710 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન લીલાભાઈ વિજુભાઈ બારીયા અને પોપટ સુકાભાઈ વાઘેલા નામના બે શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. આ બનાવ સંદર્ભે કલ્યાણપુર પોલીસે તમામ છ શખ્સો સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.


Loading...
Advertisement
Advertisement