દેવભૂમિ દ્વારકા જીલ્લાના હથિયારધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું

25 November 2021 03:18 PM
Jamnagar
  • દેવભૂમિ દ્વારકા જીલ્લાના હથિયારધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું

જામખંભાળીયા,તા. 25
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી થયેલી બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.19 ડિસેમ્બરના રોજ થશે. આ ચૂંટણી શાંતિપૂર્ણ, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયારધારકોને પોતાના હથિયારો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સાત દિવસમાં જમા કરાવી દેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ. પંડ્યા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામું જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજીસ્ટ્રેટ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત)ધારણ કરવાની મંજૂરી આપેલી છે, અથવા પરવાનો ધરાવતા હોય કે ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડેશે નહીં. બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરના હોદ્દાની રૂએ પરવાનો મંજૂર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને લાગુ પડશે નહીં. માન્યતા ધરાવતા સિક્યુરીટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેંકો, એ.ટી.એમ, તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આવા સિક્યુરીટી ગાર્ડએ તેઓ બેંકમાં ફરજ બજાવતા હોવાનું સંબંધિત બેંક મેનેજરનું તેઓના ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર પોતાની પાસે રાખવાનું રહેશે. મોટા ઔદ્યૌગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ-નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક કે જવાબદાર અધિકારીના નામે મંજૂર કરાયેલા પરવાના અન્વયેના હથિયારો, મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના સંચાલક, મંહત, પુજારીના નામે મંજૂર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો અને જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલી હોય તેઓને આ સુચના લાગુ પડશે નહીં.

ઉપરોક્ત તમામ હથિયારો ચૂંટણી પૂર્ણ થયા પછી સાત દિવસમાં તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સબંધિત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જએ પૂર્ણ કરવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે. આ આદેશનું પાલન નહીં કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.


Loading...
Advertisement
Advertisement