રાજકોટમાં વધુ એક સરકારી હોસ્પિટલ રૈયામાં નિર્માણ પામશે

25 November 2021 04:03 PM
Rajkot
  • રાજકોટમાં વધુ એક સરકારી હોસ્પિટલ રૈયામાં નિર્માણ પામશે

પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલ માટે કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા 10 હજાર ચો.મી. જમીનની ફાળવણી : નગરજનોની આરોગ્ય સુવિધામાં થશે વધારો

રાજકોટ,તા. 25
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં નવા વિસ્તારો અને વસ્તીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરની જનસંખ્યા વધીને 20 લાખની ઉપર પહોંચી ગયો છે. જેના પગલે હવે શહેરમાં વધુ એક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા રૈયામાં 10,000 ચો.મી.ની જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે.

અહીં એ ઉલ્લેખનીય છે. શહેરમાં આજે સિવીલ હોસ્પિટલ તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ એમ બે જ હોસ્પિટલો કાર્યરત છે. જેમાં હવે વધુ એક હોસ્પિટલનો ઉમેરો થતા નગરજનોની આરોગ્ય સુવિધામાં વધારો થશે. બીજી તરફ જામનગર રોડ પર એઇમ્સ ખાતે પણ આગામી માસથી ઓપીડીની સુવિધા શરુ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. કોરોના કાળમાં સરકારી હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતા દર્દીઓને ન છૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘીદાટ સારવારનો સહારો લેવો પડયો હતો.

આ સંજોગોમાં નવા રાજકોટમાં રૈયા ગામમાં 10,000 ચો.મી. ઉપર સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા તેજ કરી દેવામાં આવેલ છે. સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં હાલ સિવીલ તેમજ ઝનાના એમ બંને હોસ્પિટલ કાર્યરત છે. જ્યારે ગુંદાવાડી ખાતે પદ્મકુંવરબા હોસ્પિટલ આરોગ્ય સુવિધા પુરી પાડી રહી છે. જે બાદ રૈયા ગામમાં પણ હવે રાજ્ય સરકાર દ્વારા પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલનુંં નિર્માણ કરવામાં આવનાર છે.

આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રૈયા ગામમાં નિર્માણ પામનાર આ પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલ પાસે 10,000 ચો.મી. જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં હવે આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ ઝડપભેર આગળ વધશે.


Related News

Loading...
Advertisement
Advertisement