ભાજપના કરણપરા કાર્યાલયમાં ભૂલાઈ ગયેલા જૂના જોગીઓ ફરી દેખાવા લાગ્યા : પાટીલ ઇફેક્ટ

25 November 2021 05:27 PM
Rajkot
  • ભાજપના કરણપરા કાર્યાલયમાં ભૂલાઈ ગયેલા જૂના જોગીઓ ફરી દેખાવા લાગ્યા : પાટીલ ઇફેક્ટ

રાજપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઉમેશ રાજ્યગુરુ, કિરીટ પાઠક, પરેશ ઠાકર અને કારોબારીમાં સમાવાયેલા જીતુ મહેતા તથા હવે પક્ષના સંગઠનમાં નહીં રહેલા મનીષ ભટ્ટ સહિતના નેતાઓએ કાર્યાલયમાં ખુરશી ખેંચી

રાજકોટ,તા. 25
રાજકોટમાં ગત તા. 20ના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આગમન બાદ કાર્યાલયમાં દ્રશ્યો બદલાઈ રહ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોથી જેઓએ કાર્યાલય કઇ બાજુ છે તેની પણ ચિંતા કરી ન હતી અથવા તો કાર્યક્રમમાં હાજરી આપી ન હતી તેઓ પણ હવે નિયમિત કાર્યાલય આવવા લાગ્યા છે.

રાજકોટ શહેર ભાજપમાં અગાઉ રુપાણી જૂથનો દબદબો હતો અને પક્ષના પદાધિકારીઓની નિમણુંકમાં પણ એકતરફી નિયુક્તિઓ થઇ હોવાની ચર્ચા હતી પરંતુ હવે સી.આર. પાટીલે એક જ વખત રાજકોટ આવીને ચિત્ર બદલી નાખ્યું છે. ખાસ કરીને શહેરના કાર્યાલયમાં નવા નામોની તકતી લાગી છે તો છેલ્લા ત્રણ કે ચાર દિવસમાં અનેક જૂના પણ કાર્યાલયમાં સામાન્ય રીતે નહીં દેખાતા ચહેરાઓ આવવા લાગ્યા છે.

જેમાં પ્રથમ વખત કારોબારીમાં સમાવાયેલા જીતુ મહેતા ઉપરાંત અગાઉની રાજપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઉમેશભાઈ રાજ્યગુરુ કે જે લાંબા સમયથી સક્રિય ન હતા. તે પણ સક્રિય થઇ ગયા છે. આ ઉપરાંત આ વખતના સંગઠનમાંથી પડતા મુકાયેલા મનીષ ભટ્ટ પણ કાર્યાલય ફરી આવવા માંડ્યા છે. જ્યારે એક સમયે યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર લીગલ તરીકે કાર્ય કરી ગયેલા અને જૂના જોગી તરીકે જાણીતા કિરીટ પાઠક પણ હવે કરણપરા કાર્યાલયમાં દેખાવા લાગતા કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે અને તે પાટીલ ઇફેક્ટ હોવાનું પણ માનવામાં આવે છે. સુત્રોના જણાવ્યા મુજબ, પક્ષના આ સંગઠનમાં તેઓની ઓચિતી સક્રિયતા એ આગામી દિવસોના સંકેત છે.


Related News

Loading...
Advertisement
Advertisement