પ્રેમ પ્રકરણમાં માર પડ્યો હોય, તેનો ખાર રાખી પોરબંદરના ભરત ચાંચીયાએ ત્રણ મિત્રો સાથે મળી શાપરના નિલેશની હત્યા કરેલી

27 November 2021 05:45 PM
Rajkot Crime
  • પ્રેમ પ્રકરણમાં માર પડ્યો હોય, તેનો ખાર રાખી પોરબંદરના ભરત ચાંચીયાએ ત્રણ મિત્રો સાથે મળી શાપરના નિલેશની હત્યા કરેલી
  • પ્રેમ પ્રકરણમાં માર પડ્યો હોય, તેનો ખાર રાખી પોરબંદરના ભરત ચાંચીયાએ ત્રણ મિત્રો સાથે મળી શાપરના નિલેશની હત્યા કરેલી

શાપરના શીતળા મંદિરના પુલિયા નીચેથી મળેલા મૃતદેહ અંગેનો ભેદ ઉકેલાયો

રૂરલ એલસીબીએ ભરત સાથે શાપરના ચિરાગ જોશીને દબોચી લીધો, કેશોદના જીજ્ઞેશ ઉર્ફ ભયલી અને પારડીના સોહીલ જલવાણીની શોધખોળ, પાઇપના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશને રિક્ષામાં નાખી પુલિયા નીચે ફેંકી દીધી હતી

રાજકોટ, તા.27
શાપરના શીતળા મંદિરના પુલિયા નીચેથી મળેલા મૃતદેહ અંગે ભેદ ઉકેલાયો છે. પ્રેમ પ્રકરણમાં અગાઉ માર પડ્યો હોય, તેનો ખાર રાખી પોરબંદરના ભરત ચાંચીયાએ ત્રણ મિત્રો સાથે મળી શાપરના નિલેશની હત્યા કરી હતી. રૂરલ એલસીબીએ ભરત સાથે શાપરના ચિરાગ જોશીને દબોચી લીધા છે. કેશોદના જીજ્ઞેશ ઉર્ફ ભયલી અને પારડીના સોહીલ જલવાણીની શોધખોળ હાથ ધરી છે. પાઇપના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશને રિક્ષામાં નાખી પુલિયા નીચે ફેંકી દીધી હતી.

હત્યાના ગુનામાં રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ભરત ઉર્ફે ભુરો કાંતિ ઉર્ફે સરમણ ચાંચીયા (ઉ.વ.25, રહે.છાંયા પ્લોટ નવાપરા વાછરા બાપાના મંદીર પાસે, પોરબંદર) અને ચીરાગ રાજેશભાઈ જોષી (ઉ.વ.26, રહે.શાપર વેરાવળ, ઢોલરા રોડ વિશ્વા સીટી વિસ્તાર મુળ-બાલા ગામ તા.કેશોદ)ને હૈદરાબાદથી ઝડપી લીધા હતા. જ્યારે બે સાગરીત સોહીલ રફીકભાઈ જલવાણી (રહે.પારડી તા.લોધીકા) અને જીજ્ઞેશ ઉર્ફ ભયલી કાનાભાઇ વાઢીયા (રહે.બાલા ગામ તા.કેશોદ)ને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

આ અંગે પત્રકાર પરિષદ યોજી એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા આજથી આશરે પાંચેક વર્ષ પહેલા આરોપી ભરત ઉર્ફે ભુરાને કેશોદ મુકામે તેની પ્રેમીકાને મળવા જતો અને તે વિસ્તારમાં આ મૃતક નીલેશ ઉર્ફે ભદો તથા તેના મિત્રો રહેતા હોય અને આરોપી ભુરો અવાર-નવાર તે વિસ્તારમાં તેની પ્રેમીકાને મળવા જતો આવતો હોય જેનો ખાર રાખી નિલેષ તથા તેના મિત્રોએ આરોપી ભરત ઉર્ફે ભુરાને માર માર્યો હતો. જેનો ખાર રાખી આરોપી નિલેશની હત્યા કરવાની વેતરણમાં જ હતો.

તા.22/11/2021 ના રોજ શાપર વેરાવળ મુકામે આરોપી ભરત ઉર્ફે ભુરો તેના મિત્ર ચીરાગ જોશીને મળવા આવ્યો હતો. તે જ વખતે તે નીલેશ સોંદરવાને જોઈ જતા ચિરાગ, સોહીલ જલવાણી અને જીજ્ઞેશ ઉર્ફ ભયલીને બોલાવી નિલેશની હત્યા કરવા કાવતરૂ રચ્યું હતું જે મુજબ ચીરાગ જોશીના હવાલાવાળી રીક્ષામાં મૃતકનોનો પીછો કરી તે રીક્ષામાં મૃતકને બળજબરી બેસાડી પારડી ફાટક પાસે મેદાનમાં લઈ જઈ પાઈપ વડે મરણતોડ માર મારી હત્યા નીપજાવી લાશને રીક્ષામાં નાંખી પારડી શિતળા મંદીર પાસે આવેલા નેશનલ હાઇવે રોડના ઓવર બ્રીઝના પુલીયા નીચે નાંખીને જતા રહ્યા હતા.

નિલેશને બોલાવવા ચિરાગને ઘરે મોકલ્યો હતો
હત્યાનો પ્લાન રચ્યા બાદ આરોપી ચિરાગ નિલેશને તેના ઘરે બોલાવવા ગયો હતો. નિલેશ તેના બાઈક પર આવ્યો અને ચિરાગ રિક્ષામાં, સ્થળ પર પહેલાથી જ ભુરો અને સોહિલ તેમજ જીજ્ઞેશ હાજર હતા. બાદમાં થોડીવાર બોલાચાલી માથાકૂટ થઈ અને પાઇપ કાઢી ભરતે આડેધડ ઘા ઝીંક્યાં હતા. ત્રણેયે મૃતકને ધસાડ્યો હતો. માર માર્યો હતો. બાદમાં નિલેશ મરી ગયો છે તે પાક્કું કરી લાશને રિક્ષામાં લઈ પુલ પરથી નીચે ફેંકી દીધો હતો.

અગાઉ સીસીટીવીથી બે લોકોની ઓળખ થઈ
પોલીસે લાશ મળી ત્યાં આસપાસના સીસીટીવી ફુટેલ મેળવી તપાસ કરતા રિક્ષામાં આવી કોઈ લાશ નાખી ગયાનું ખુલ્યું હતું. જેથી સીસીટીવી મૃતકના પરિવારજનોને બતાવતા આરોપી ચિરાગ અને ભરતની ઓળખ થઈ હતી.

આરોપી હૈદરાબાદથી ઝડપાયા
ચિરાગ અને ભરત ભાગીને પ્રથમ અમદાવાદ ગયા ત્યારબાદ કોઈ મિત્રની મદદથી મુંબઈ અને પછી હૈદરાબાદથી જતા રહ્યા હતા. તેઓ પોલીસ થી બચત ફરતા હતા પણ અંતે રાજકોટ એલસીબીના પીઆઇ એ.આર. ગોહિલ અને પીએસઆઈ એસ.જે.રાણા, એ.એસ.આઈ. મહેશભાઇ જાની, પો.હેડ કોન્સ.રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો.કોન્સ.પ્રકાશભાઈ પરમારે તેમને હૈદરાબાદથી ઝડપી લીધા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement