કાલથી ત્રણ દિવસ કમોસમી વરસાદ: અર્ધા સૌરાષ્ટ્રમાં અસર વધુ રહેશે

29 November 2021 02:57 PM
Rajkot Saurashtra
  • કાલથી ત્રણ દિવસ કમોસમી વરસાદ: અર્ધા સૌરાષ્ટ્રમાં અસર વધુ રહેશે

* શ્રીલંકાથી અપર એરસાયકલોનિક સરકયુલેશન અરબી સમુદ્રમાં સરકી આવ્યું

* જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ તથા અમરલીમાં હળવોથી ભારે અને કયાંક અતિભારે વરસાદ શકય: રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો-મહત્તમ વરસાદ થઈ શકે

રાજકોટ, તા.29
શિયાળાનું આગમન થઈ ગયું હોવા છતા હજુ કાતિલ ઠંડી શરૂ થઈ નથી અને તેના બદલે હવામાનપલ્ટાનો દોર હોય તેમ આવતીકાલથી બીજી ડિસેમ્બરે વધુ એક વખત કમોસમી વરસાદ-માવઠા થવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે, કેટલાક દિવસોથી મહત્તમ અને ન્યુનત્તમ એમ બન્ને તાપમાન નોર્મલ કરતા ઉંચા રહ્યા છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી તથા ન્યુનત્તમ 18.3 ડિગ્રી હતું તે નોર્મલ કરતા અનુક્રમ 3 અને 2 ડિગ્રી વધું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી હતું તે નોર્મલથી 4 ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન 16.9 ડિગ્રીએ નોર્મલ કરતા બે ડિગ્રી વધુ હતું. અમરેલીનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી હતું તે નોર્મલથી 1 ડિગ્રી તથા 18 ડિગ્રીનું ન્યુનત્તમ તાપમાન નોર્મલથી 3 ડિગ્રી વધુ હતું. કંડલામાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું તે નોર્મલથી 3 ડિગ્રી વધુ હતું. ન્યુનત્તમ તાપમાન 18.6 ડિગ્રી હતું તે નોર્મલથી એક ડિગ્રી વધુ હતું.

બીજી તરફ દક્ષિણ આંદામાનના દરિયામાં લો-પ્રેશર સર્જાયું છે તે હવે વેલમાર્ક લો-પ્રેશર થશે અને તેનાથી પણ મજબૂત થશે. શરૂઆતમાં આંધ્રપ્રદેશ તરફ ગતિ કરશે અને ત્યારબાદ 3થી 4 ડિસેમ્બરના આંધ્રપ્રદેશ તથા ઓડિશાને અસર કરશે. આ સિવાય એક અપર એર સાયકલોનિક સરકયુલેશન શ્રીલંકા આસપાસના વિસ્તરમાંથી દક્ષિણપૂર્વીય અરબ સમુદ્રમાં સરકી આવ્યું છે જે 1.50થી 3.1 કિલોમીટરના લેવલે છે.

આ ઉપરાંત આવતીકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તેનો રૂફ અરબી સમુદ્ર સુધી ફેલાશે. રૂફની ધરીથી 5.8 કિ.મી.ના ઉપલા લેવલના ઉત્તરપૂર્વીય બાજુના પવન ફૂંકાશે એટલે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનને અસર થશે. અપર એર સાયકલોનિક સરકયુલેશન ઉત્તર-ઉત્તર પશ્ર્ચીમ તરફ ગતિ કરશે અને ત્યાર પછી રૂફ સાથે ભળી જવાના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન એમ ચાર રાજ્યોમાં માવઠા-કમોસમી વરસાદની શકયતા છે.

ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી આવતીકાલથી માવઠાનો માહોલ સર્જાશે અને બીજી ડિસેમ્બર સુધી રહેશે. મુખ્ય અસર 1લી ડિસેમ્બરને બુધવારે જોવા મળશે. આ દરમિયાન દરિયાકાંઠાનો લાગુ વિસ્તારોના વિશે પ્રભાવ રહેવાની શકયતા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા બોટાદમાં વધુ અસર રહેશે. મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં પણ વધુ અસર રહેશે. આ ક્ષેત્રો-જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં હળવો-મધ્યમ કે ભારે વરસાદ થવાની શકયતા છે. જ્યારે એકલદોકલ વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શકયતા છે.

સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી તથા સુરેન્દ્રનગર જેવા બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા ભાગોમાં હળવો અને મહત્તમ વરસાદ શકય છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો હળવો-મધ્યમ વરસાદ થવાની શકયતા છે. જ્યારે કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડવાની સંભાવના છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે અરબી સમુદ્રમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુકત અસરથી કમોસમી વરસાદના સંજોગો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં કોઈ બદલાવ થાય તો માવઠામાં સ્થળ અને માત્રામાં પણ ફેરફાર થઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement