રાજકોટની મનદીપ ઈન્ડસ્ટ્રીઝનું રૂા.44.64 કરોડનું બેંક કૌભાંડ: CBI ત્રાટકી

29 November 2021 03:44 PM
Rajkot
  • રાજકોટની મનદીપ ઈન્ડસ્ટ્રીઝનું રૂા.44.64 કરોડનું બેંક કૌભાંડ: CBI ત્રાટકી

* રાજકોટમાં રહેતા અને ઉપલેટામાં પ્લાન્ટ ધરાવતા કિશોર વૈષ્નાની, આશીષ તળાવીયા, રામજી ગજેરા, કલ્પેશ તળાવીયા, ભાવેશ તળાવીયા જેવા ડાયરેકટરો-ભાગીદારો તથા અજાણ્યા લોકો સામે કેશ દાખલ

* ભાગીદારોની ઓફિસ, નિવાસસ્થાન સહિત સાત સ્થળોએ સીબીઆઈના દરોડા: મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા

રાજકોટ તા.29
રાજકોટની મનદીપ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની તથા તેના ડાયરેકટરો, ભાગીદારો સામે સીબીઆઈએ 44.64 કરોડની છેતરપીંડીનો કેસ દાખલ કરીને દરોડા કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. દરોડા દરમ્યાન સીબીઆઈને મોટાપ્રમાણમાં શંકાસ્પદ અને વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે રાજકોટમાં રહેતા અને ઉપલેટામાં મનદીપ ઈન્ડસ્ટ્રીઝ નામના એકમ ધરાવતા કિશોર વૈષ્નાની સહિતના ડાયરેકટરો તથા ભાગીદારો સામે સીબીઆઈએ બેંક ફ્રોડનો કેસ દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારો એ 2014 થી 2020 સુધીના સમયગાળામાં કેશ ક્રેડીટ ટર્મ લોન જેવી ધિરાણ સુવિધા મારફત 47.30 કરોડની લોન મેળવી હતી. પરંતુ વ્યાજ કે હપ્તા નહી ભરતા 15-1-2020ના રોજ આ લોન એનપીએ જાહેર કરી દેવામાં આવી હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડીયાને રૂા.44.64 કરોડનું નુકશાન ગયું છે.

કંપનીના ડાયરેકટરો-ભાગીદારોએ લોન નહિ ચૂકવીને કૌભાંડ આચર્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. યુનિયન બેંક ઓફ ઈન્ડીયા દ્વારા સીબીઆઈને ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે તપાસનીશ એજન્સીએ કેસ દાખલ કરીને રાજકોટમાં ડાયરેકટરોની ઓફિસ તથા રહેણાંક પર દરોડા પાડયા હતા. જયાંથી મોટી માત્રામાં શંકાસ્પદ અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.

સીબીઆઈ દ્વારા મનદીપ ઈન્ડસ્ટ્રીઝના આશીષ બી. તળાવીયા, કિશોરભાઈ એચ. વૈષ્નાની, રામજીભાઈ એચ. ગજેરા, કલ્પેશ પ્રવિણભાઈ તળાવીયા તથા ભાવેશ એમ. તળાવીયા સામે કેસ દાખલ કરીને ગુન્હો નોંધ્યો છે. આ સિવાય અજાણ્યા સરકારી અને ખાનગી લોકો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટની કંપની સામે સીબીઆઈએ બેંક ફ્રોડનો કેસ દાખલ કરતા સમગ્ર વેપાર ઉદ્યોગમાં ખળભળાટ સર્જાયો છે. બજારમાં ચર્ચાતી વિગતો પ્રમાણે સાધુ વાસવાણી રોડ પરના નિવાસે દરોડા કાર્યવાહી થઈ હતી. તેમ પણ કહેવાય છે કે કૌભાંડ આચરનાર કંપનીના એકાદ ભાગીદારે હવે ગોંડલમાં સોલ્વન્ટ પ્લાન્ટમાં ભાગીદારી કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement