ઉથલપાથલ: સેન્સેકસ ટોચના લેવલેથી 1100 પોઈન્ટ ગગડયો: ગો ફેશનનું 90 ટકા પ્રીમીયમે બમ્પર લીસ્ટીંગ

30 November 2021 03:54 PM
Business India
  • ઉથલપાથલ: સેન્સેકસ ટોચના લેવલેથી 1100 પોઈન્ટ ગગડયો: ગો ફેશનનું 90 ટકા પ્રીમીયમે બમ્પર લીસ્ટીંગ

શેરબજારમાં ઓમિક્રોનનો ગભરાટ: હેવીવેઈટ સહિત તમામ શેરોમાં આક્રમક વેચવાલીથી બજાર રેડઝોનમાં

રાજકોટ તા.30
વિશ્વમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનનો શેરબજારમાં તીવ્ર પ્રત્યાઘાત પડવા સાથે મોટી ઉથલપાથલનો દોર હોય તેમ આજે સતત બીજા દિવસે તોફાની વધઘટ હતી. પ્રારંભીક 900 પોઈન્ટનો ઉછાળો હતો. જો કે, ગો ફેશનનું લીસ્ટીંગ 90 ટકાના પ્રીમીયમ સાથે ધમાકેદાર જ રહ્યું હતું.

શેરબજારમાં આજે ઉઘડતામાં નબળાઈ બાદ એકાએક ધૂમ લેવાલીથી શાનદાર તેજી થઈ હતી. હેવીવેઈટથી માંડીને રોકડાના તમામ ક્ષેત્રોના શેરો ઉછાળો સૂચવવા લાગ્યા હતા. ભારતીય સંસ્થાઓ મોટાપાયે ખરીદીમાં હોવાનું કહેવાતુ હતું પરંતુ બપોરે ફરી વેચવાલીનો મારો શરુ થતા બજાર ઉંધુ પડવા લાગ્યુ હતું. એક તબકકે માર્કેટ રેડઝોનમાં આવી ગયું હતું. ફરી વખત પસંદગીના ધોરણે લેવાલીથી ગ્રીન ઝોનમાં આવ્યુ હતું.

જે અંતિમ અર્ધા કલાકમાં નવેસરથી આક્રમણકારી વેચવાલીથી મંદીમાં સરકી ગયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ઓમિક્રોન વેરીએન્ટ મામલે વિરોધાભાસી રીપોર્ટ વચ્ચે નવા-નવા દેશો આકરા નિયમો લાગુ પાડવા લાગ્યા હોવાથી અર્થતંત્રને ફટકો પડવાની ભીતિ વ્યક્ત થવા લાગી હોવાનો ગભરાટ છે. વૈશ્વીક અર્થતંત્ર ફરી અનિશ્ચીતતામાં ઘેરાયાના મૂડીસના રીપોર્ટનો ખચકાટ હતો. મહામારીની ગંભીરતા વિશે ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી માર્કેટ પણ વોલાટાઈલ રહી શકે છે.

શેરબજારમાં આજે પાવરગ્રીડ, શ્રી સિમેન્ટ, બજાજ ફીન સર્વિસ, ટાટા પાવર, ઈન્ફોસીસ, મારૂતી, નેસલે, ટીસીએસ, ટાઈટન, એકસીસ બેંકમાં સુધારો હતો. ટીસ્કો, કોટક બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, રીલાયન્સ, સ્ટેટ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક વગેરે તૂટયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ઉંચામાં 58183 થયા બાદ ધસીને 57005 થઈ ગયો હતો તે 140 પોઈન્ટના ઘટાડાથી 57119 હતો. નિફટી 40 પોઈન્ટના ઘટાડાથી 17013 હતો તે ઉંચામાં 17324 તથા નીચામાં 16970 હતો.દરમ્યાન આજે ગો ફેશનનું બમ્પર લીસ્ટીંગ હતું. 690 ના ઓફર ભાવ સામે 1316માં લીસ્ટીંગ હતું. વધઘટ મોટી હતી. બપોરે 1250 સાંપડયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement