ગુજરાતના નામાંકિત બિલ્ડરપુત્રને ડ્રગ્સનો ઓવરડોઝ: તરફડિયા મારતી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો

01 December 2021 04:24 PM
Rajkot Gujarat
  • ગુજરાતના નામાંકિત બિલ્ડરપુત્રને ડ્રગ્સનો ઓવરડોઝ: તરફડિયા મારતી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો

આઈપીએસ અધિકારી સાથે ભાગીદારી ધરાવતાં આ લોહાણા બિલ્ડર પોતાની જ્ઞાતિના રાજ્ય જ નહીં બલ્કે વૈશ્વીક સ્તરના મહત્ત્વના હોદ્દા પર રહી નામના મેળવી ચૂક્યા છે

પિત્તાશયમાં તકલીફ હોવાની વાત સાથે સારવાર શરૂ કરાઈ; હકીકત કંઈક ઔર જ ! બિલ્ડરપુત્રનું કાંડ બહાર ન જાય તે માટે તેના રૂમની આસપાસ ચકલુંય ફરકે નહીં તેવી ‘ટાઈટ’ સિક્યોરિટી

રાજકોટ, તા.1
ગુજરાતનું યુવાધન ડ્રગ્સના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે અને તેને નશાની આ ગર્તામાં ધકેલાતું અટકાવવા માટે સરકાર સ્તરે પણ અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે આમ છતાં ગુજરાતમાં જેવી રીતે દારૂબંધી અમલમાં છે તેવી જ રીતે ડ્રગ્સબંધી પણ અમલી હોય તેમ નબીરાઓને સહેલાઈથી ડ્રગ્સ મળી રહ્યું છે. આ જ કારણથી યુવકો પોતાના શરીરને હાડપીંજર કરી ચૂક્યાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.

દરમિયાન આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ગુજરાતના એક ટોચના બિલ્ડરના પુત્રને ડ્રગ્સનો ઓવરડોઝ થઈ જવાને કારણે તરફડિયા મારતી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે હોસ્પિટલમાંથી આ વાત લીક ન થઈ જાય તે માટે બિલ્ડર પરિવાર દ્વારા તેમના પુત્રને પિત્તાશયમાં તકલીફ પડી છે એટલા માટે દાખલ કરાયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ ઉપરાંત જ્યાં બિલ્ડરપુત્ર દાખલ છે તે રૂમની બહાર ‘ટાઈટ’ સિક્યોરિટી પણ ગોઠવી દેવામાં આવી છે.

જે નબીરાને ડ્રગ્સનો ઓવરડોઝ થઈ ગયો છે તેના વ્યવસાયે દિગ્ગજ બિલ્ડર એવા પિતા ગુજરાત જ નહીં બલ્કે વૈશ્વીક કક્ષાએ બહોળી સંખ્યામાં વસતી જ્ઞાતિના વૈશ્વીક પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાતના લગભગ દરેક શહેરના ટોચના બિલ્ડરો સાથે તેમનો નજીકનો ‘ઘરોબો’ છે. સાથે સાથે અત્યારે તેમને એક આઈપીએસ અધિકારી સાથે ભાગીદારીમાં વ્યવસાય ચાલતો હોવાને કારણે એ અધિકારી દ્વારા જ હોસ્પિટલમાં ‘છાનીછૂપી’ રીતે બિલ્ડરપુત્રને દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. બીજી બાજુ આ અધિકારી દ્વારા જ સારવારને લગતી નાનામાં નાની માહિતી લીક ન થઈ જાય તેનું ધ્યાન પણ રાખી રહ્યા છે.

આ બિલ્ડર પુત્રને અત્યારે અમદાવાદની ફાઈવસ્ટાર કહી શકાય તેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે પરંતુ હોસ્પિટલને આ અંગે પૂછવામાં આવતાં તેણે વધુ કંઈ કહેવાની જગ્યાએ નબીરાની પિત્તાશયની સારવાર ચાલી રહ્યાનો ટૂંકો જવાબ આપીને વાત દબાવી દેવા પણ પ્રયાસ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં પણ આ બિલ્ડરપુત્ર અન્ય એક વિવાદમાં સપડાઈ ચૂક્યો છે અને તેમાં તો તેણે જામીન સુદ્ધા લેવા પડ્યા હતા. અત્યારે અમદાવાદ સહિત આખા ગુજરાતની બિલ્ડર લોબીમાં આ ઘટના અંગે તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને બિલ્ડર પુત્રને ડ્રગ્સનો ઓવરડોઝ લેવાનું કારણ શું તે વિશે જેટલા મોઢા એટલી વાતો થવા લાગી છે.

હવે આ મામલે ટૂંક સમયમાં મહત્ત્વના ખુલાસા થાય તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. ચર્ચાતી વિગતો મુજબ બિલ્ડરપુત્ર ઉત્તર ભારતમાં ફરવા ગયો હતો જ્યાં ડ્રગ્સનો ઓવરડોઝ થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યો હતો. આ પછી અમદાવાદ એસ.જી.હાઈ-વે પર આવેલી એક ફાઈવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં તુરંત જ તેને દાખલ કરી સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે તેને દાખલ કરાયો ત્યારે તે રીતસરના તરફડીયા મારી રહ્યો હોવાને કારણે ત્યાં ઉપસ્થિત લોકો પણ ડરી જવા પામ્યા હતા !


Related News

Loading...
Advertisement
Advertisement