પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે દિપક બાબરીયા! ગમે તે ઘડીએ સત્તાવાર જાહેરાત

02 December 2021 11:28 AM
Gujarat Politics
  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે દિપક બાબરીયા! ગમે તે ઘડીએ સત્તાવાર જાહેરાત

ચર્ચામાં રહેલા મોટા ભાગના નામો ચિત્રમાંથી દુર થઇ ગયાના સંકેત : કોંગ્રેસ પણ નિમણુંકોમાં ‘ભાજપવાળી’ કરવાની ફિરાકમાં..

ગાંધીનગર, તા.2
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ફાઇનલ કરવાનું મુહૂર્ત અંતે આવી ગયું છે. હાલના સિનીયરોના નામ એક તરફ રાખીને દિલ્હી હાઇકમાન્ડ પ્રદેશ પ્રમુખ માટે દિપક બાબરીયાનું નવું જ નામ પસંદ કરે તેવા સંકેત મળ્યા છે. કોંગ્રેસ પ્રભારીએ આ મામલે રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા કરી લીધાના અહેવાલ છે.

અનેક વખત પ્રદેશ પ્રમુખનું નામ ફાઇનલ કરવાનો મામલો અટકી ગયો હતો. હવે લાંબી પ્રતિક્ષા અને ગુંચવાયેલા કોકડા વચ્ચે જે નામો ચર્ચામાં હતા તે મોટા ભાગે આઉટ થઇ ગયા છે. છેલ્લે સુધી શકિતસિંહ ગોહિલના નામની ચર્ચા પણ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ પણ ગુજરાતમાં ભાજપની જેમ આશ્ચર્યો સર્જવા જઇ રહી હોવાનું ટોચના સુત્રોએ જણાવ્યું છે. દિપક બાબરીયાનું મુળ વતન સૌરાષ્ટ્રનું કાલાવડ છે અને તેઓ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા છે.

2009માં તેઓ લોકસભાની ચૂંટણી હાર્યા હતા અને હાલ ઓલ ઇન્ડીયા સેક્રેટરી છે. આજે નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની જાહેરાત થવાની શકયતા વચ્ચે ઉપરથી કોનું નામ આવશે તેને લઇને હજારો કાર્યકરો, નેતાઓ, ચૂંટાયેલા લોકો પ્રતિક્ષામાં પડયા છે. દોઢ મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનના મંત્રી ડો. રઘુ શર્માની નિમણુંક થઇ હતી અને તે સાથે પ્રદેશ કોંગ્રેસમાં નવસર્જન જેવી વાતો શરૂ થઇ ગઇ હતી. તેવામાં આજે ફરી પ્રમુખનું નામ જાહેર થાય તે વાત બહાર આવી છે. ગઇકાલે પ્રભારીએ આ મામલે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા પણ કરી હતી તો દિપક બાબરીયાએ પણ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાતો શરૂ કરી દીધી છે.

દિલ્હીની બેઠકમાં કે.સી.વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. અગાઉ પ્રભારીએ દિલ્હી ખાતે બોલાવેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આજે છેલ્લી ઘડીએ સાંસદ શકિતસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડીયા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર સહિતના નામ ચિત્રથી બહુ દુર થઇ ગયા છે. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને ર0રરના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી આવતી હોય, નવા પ્રમુખની મોટી કસોટી થવાની છે તે પણ નકકી છે.


Related News

Loading...
Advertisement
Advertisement