શેરબજાર ‘કોરોનામુકત’ : 766 પોઇન્ટનો ઉછાળો

02 December 2021 05:23 PM
Business
  • શેરબજાર ‘કોરોનામુકત’ : 766 પોઇન્ટનો ઉછાળો

58000ની સપાટી વટાવી ગયો : તમામ ક્ષેત્રોના શેરોમાં ધુમ લેવાલી : વિદેશી સંસ્થાઓની વેચવાલી ઘટતા રાહત

રાજકોટ, તા.2
શેરબજાર કોરોનાના નવા ઓમિક્રોન વેરીયન્ટના ગભરાટમાંથી મુકત થઇ ગયું હોય તેમ આજે સતત બીજા દિવસે ધુમ લેવાલીથી જોરદાર તેજી થઇ હતી અને સેન્સેકસ 58000ની સપાટી વટાવી ગયો હતો. પસંદગીના શેરો ઉપરાંત રોકડામાં પણ તમામ ક્ષેત્રના શેરોમાં ઉછાળો નોંધાયો હતો.

શેરબજારમાં આજે શરૂઆત સ્થિર ટોને થયા બાદ તેજીના માર્ગે ચડી ગયું હતું. કોરોનાનો નવો વેરીયન્ટ બહુ ગંભીર હોવા વિશે હજુ કોઇ પુરાવા મળ્યા નથી. ઓમિક્રોનથી સંક્રમિત થયેલા લોકોમાં પણ લક્ષણો હળવા જોવાનો વિશ્વ આરોગ્ય સંગઠને રીપોર્ટ જાહેર કરતા ઘણા અંશે પોઝીટીવ અસર થઇ હતી. આ સિવાય વિદેશ નાણા સંસ્થાઓની વેચવાલી ધીમી પડયાના સંકેત હોય તેમ ગઇકાલે વેચાણ પ્રમાણમાં ઓછું હોવાના આંકડા આવતા રાહત થઇ હતી.

અર્થતંત્રના મોરચે બે દિવસથી પ્રોત્સાહક રીપોર્ટ આવ્યા જ હતા એટલે તેનાથી પ્રોત્સાહક અસર યથાવત રહી હતી. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે ઓમિક્રોન વાયરસની કોઇ ગંભીર અસર ન થાય તો ભારતીય અર્થતંત્ર વધુ જોરથી કુદકો લગાવશે તેવા આશાવાદ હેઠળ નવેસરથી લેવાલીનો દૌર શરૂ થયો છે. માનસ પણ પ્રોત્સાહક બનવા લાગ્યું છે.શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ઉછાળો નોંધાયો હતો.

રિલાયન્સ, સ્ટેટ બેંક, સન ફાર્મા, ટીસ્કો, ટીસીએસ, ટેક મહિન્દ્ર, ટાઇટન, એશીયન પેઇન્ટસ, બજાર ઓટો, બજાજ ફાયનાન્સ, બજાજ ફિન સર્વિસ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી, હિન્દ લીવર, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, નેસ્લે, અદાણી પોર્ટ, પાવર ગ્રીડ વગેરે શેરોમાં ઉછાળો હતો.

તેજી બજારે પણ સિપ્લા, આઇસીઆઇસીઆઇ બેંક, એકસીસ બેંક જેવા કેટલાક શેરો નબળા જણાયા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 766 પોઇન્ટના ઉછાળાથી 58450 હતો. જે ઉંચામાં 58455 તથા નીચામાં 57680 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 231 પોઇન્ટના ઉછાળાથી 17397 હતો જે ઉંચામાં 17398 તથા નીચામાં 17149 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement