ગુજરાત કોંગ્રેસનો નવો પ્રયોગ : જુથવાદની ચિંતા વગર ‘નો રીપીટ થિયરી’

03 December 2021 11:45 AM
Gujarat
  • ગુજરાત કોંગ્રેસનો નવો પ્રયોગ : જુથવાદની ચિંતા વગર ‘નો રીપીટ થિયરી’

જૂના જોગીઓના નામ પર ચોકડી : હાઈકમાન્ડે જગદીશ ઠાકોર-સુખરામ રાઠવાના નામો ફાઈનલ કર્યા : સાંજે જાહેરાત

પ્રમુખ પદે OBC-વિપક્ષી નેતા આદિવાસી : 2022ની ચૂંટણી પૂર્વે બંને પક્ષે સૌરાષ્ટ્રને કદ પ્રમાણે વેતર્યાની પણ રાજકીય છાપ...

ગાંધીનગર,તા. 3
ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે અંતે હાઈકમાન્ડે સીનીયર અને લડાયક ઓબીસી નેતા જગદીશ ઠાકોરની પસંદગી કરી છે તો વિધાનસભાનાં વિપક્ષી નેતા તરીકે પણ સરળ અને બિનવિવાદી ધારાસભ્ય એવા આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ નક્કી કરતાં આજે સાંજે દિલ્હીથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

લાંબા સમયથી ચર્ચામાં રહેલા માથાઓના નામ કપાઈ ગયા છે તો કોંગ્રેસે પણ ભાજપની જેમ ‘નો રીપીટ’ થીયરી અપનાવી હોય તેવી છાપ ઉપસી છે. આ સાથે જ ભાજપની જેમ કોંગ્રેસે પણ ગાંધીનગરમાં સૌરાષ્ટ્રનું વજન તથા કદ બંને વેતર્યાનું પણ રાજકીય લોબીને લાગ્યું છે. હવે પ્રદેશની પૂરી બોડીથી માંડી શહેર-જિલ્લામાં ટીમો પણ બદલાશે ત્યારે ચારે ઝોનના પ્રમુખ તરીકે કોના નામ પસંદ થાય તેના પર સૌની નજર રહેશે.

કારણ કે પાટીદાર સમાજના હાર્દિક પટેલ હાલ તો કાર્યકારી પ્રમુખ જ રહી ગયા છે. રાહુલ ગાંધીએ ગઇકાલે નક્કી કરેલા બે નામોથી સતત સ્પર્ધામાં રહેલા અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી પણ 2022ની ચૂંટણી પહેલા સાઈડલાઈન થયા છે. કોંગ્રેસે ગુજરાતમાં ઓબીસી અને આદિવાસી નેતાગીરી પર વિશ્ર્વાસ મુકયો છે પ્રદેશ પ્રમુખ ચૂંટણી નહીં લડી શકે તેવી જાહેરાત પણ કરી દેવાતા પ્રમુખ માત્ર સંગઠનમાં જોર લગાવશે તે સ્પષ્ટ થયું છે.

નવા પ્રમુખ જગદીશ ઠાકોર 2002થી 2007માં ધારાસભ્ય અને 2009માં સાંસદ હતાં. તેઓ 2014ની ચૂંટણી લડયા ન હતાં તો સુખરામ રાઠવા છોટા ઉદેપુરના જેતપુરના ધારાસભ્ય છે. આ આદિવાસી નેતા 1985થી 2002 સુધી અને 2019માં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આમ બંને પદ પર સીનીયરને જવાબદારી સોંપવામાં આવી છે. દરમ્યાન મુખ્યપદ પર ભાજપ જેવું જ સરપ્રાઈઝ આપનાર કોંગ્રેસે સૌરાષ્ટ્રને નજરઅંદાજ કર્યાની છાપ ઉપસે તેમ હોય હવેની વરણીઓમાં સંતુલન કરવું પડશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સુરતના અને મુખ્યમંત્રી અમદાવાદના છે. આજે સાંજે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોની બેઠકમાં કાર્યકારી અધ્યક્ષ, ઉપનેતા જેવા નામોની પણ જાહેરાત થવા સંભાવના છે. લાંબા સમયની અટકળો અને પ્રતિક્ષાનો અંત આવવાનો છે. પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ દિલ્હી ખાતે કરેલા રિપોર્ટીંગ બાદ હાઇકમાન્ડે જૂથવાદની ચિંતા વગર નવા નામો પસંદ કર્યા છે જેનાથી આગામી ચૂંટણીના ભાજપના ગણિતો પણ ફરે તેવી શક્યતા નકારાતી નથી.

દિલ્હી ખાતે ગુજરાતના નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા સાથે એઆઈસીસીના ડેલીગેટ અજય શર્મા પણ જોવા મળે છે.

જગદીશ ઠાકોરના ગામમાં આતશબાજી સાથે ઉજવણી

ગાંધીનગર, તા. 3
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ આજે જાહેરાત થતા તેમના વતન બનાસકાંઠાના ચાગા ગામમાં ઢોલ-નગારા સાથે ઉજવણી શરૂ થઇ હતી. કોંગી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ખુશી વ્યકત કરી છે અને તેમના પરિવારના સભ્યોએ મીઠાઇથી ગ્રામજનોના મોં મીઠા કરાવ્યા હતા. 1973માં એનએસયુઆઇથી કારકિર્દી શરૂ કરનાર જગદીશ ઠાકોર 1985માં અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના સેક્રેટરી બન્યા હતા, 2002 અને 2007માં તેઓ દેહગામથી ધારાસભ્ય ચૂંટાયા હતા અને 2009માં પાટણના સાંસદ બન્યા હતા. 


Related News

Loading...
Advertisement
Advertisement