સૌરાષ્ટ્રમાં વાતાવરણ સ્વચ્છ : સૂર્યદેવતાનાં દર્શન : ઠંડી વધી

03 December 2021 11:48 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં વાતાવરણ સ્વચ્છ : સૂર્યદેવતાનાં દર્શન : ઠંડી વધી
  • સૌરાષ્ટ્રમાં વાતાવરણ સ્વચ્છ : સૂર્યદેવતાનાં દર્શન : ઠંડી વધી

નલિયા 12.2, રાજકોટ 13.7, અમરેલી 14.4, ડીસા 14.7 અને અમદાવાદમાં 15 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું : સવારનું તાપમાન હવે 3 થી 4 ડીગ્રી ગગડશે : સાવરકુંડલામાં ગતરાત્રે ઝડપી પવનથી હોર્ડિંગ્સ-છાપરા ઉડયા

રાજકોટ,તા. 3
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠા બાદ ગઇકાલે રાત્રીનાં પણ અનેક સ્થળોએ બર્ફિલો ઝડપી પવન ફુંકાયા બાદ અંતે આજ ચોથા દિવસે રાજકોટ સહિત ઠેર ઠેર સવારે સૂર્યદેવતાએ દર્શન દીધા હતા. અને વાતાવરણ સ્વચ્છ બન્યું હતું. જો કે, આજે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળેલ હતું. નલીયા, રાજકોટ, અમદાવાદ, અમરેલી સહિતનાં સ્થળોએ આજરોજ સવારે તાપમાનનો પારો ગગડતા લોકોએ તિવ્ર ઠંડીનો અહેસાસ કર્યો હતો.

આજરોજ સવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડીગ્રી, અમરેલીમાં 14.4 ડીગ્રી, નલિયામાં 12.2 ડીગ્રી, રાજકોટમાં 13.7 ડીગ્રી, ડીસામાં 14.7 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત આજરોજ વડોદરામાં 16, ભાવનગરમાં 16.4, ભુજમાં 16.4, દમણમાં 18.4, દિવમાં 16.9, દ્વારકામાં 17.6, કંડલામાં 17, ઓખામાં 20.1, પોરબંદરમાં 14.6, સુરતમાં 17 અને વેરાવળમાં 15.7 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

દરમ્યાન હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ હવે આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ક્રમશ: વધશે.સવારનાં તાપમાનમાં સરેરાશ 3 થી 4 ડીગ્રીનો ઘટાડો થશે અને ઠેર ઠેર 12 ડીગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાશે. દરમ્યાન ભાવનગરમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ વિખેરાયું હતું. અને તડકો નીકળતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. છેલ્લા ત્રણ દિવસ વરસાદી માહોલ અને ઠંડો પવન સાથે વરસાદ પડયો હતો. આજે શુક્રવારે સવારથી જ વાતાવરણ સ્વચ્છ થઇ ગયું હતું.

અને સવારથી જ તડકો નીકળ્યો હતો. તેમજ પવનની ઝડપ પણ ઘટી જતાં ઠંડીમાં ઘટાડો થયો હતો. ત્રણ દિવસનાં વરસાદી માહોલ પછી આજે વરાપ નીકળતા ખેડૂતો અને નગરજનોએ રાહતની લાગણી અનુભવી હતી. સાવરકુંડલા શહેરમાં ગઈકાલે રાત્રે લગભગ બાર વાગ્યા પછી જોરદાર પવન ફૂંકાયો હતો. લગભગ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતાં પવન વચ્ચે પ્રકૃતિએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

ફૂંકાતાં પવન વચ્ચે લોકોને તૌકતે વાવાઝોડાની યાદ અપાવતું જોવા મળતું હતું. જો કે તંત્ર દ્વારા અગમચેતીનાં ભાગરૂપે લોકોને સાવધાન અને સાવચેત તો કર્યાં હતાં. છતાં અમુક બોર્ડ અને હોર્ડિંગ્સ જેવા નાના મોટાં પતરાંનાં છાપરાને આ વાવાઝોડાં જેવાં પવનનાં ઝટકામાં નુકસાન થયું હતું. શહેરના અમુક વિસ્તારોમાં સાવચેતીનાં ભાગરૂપે જ તંત્ર દ્વારા વીજપુરવઠો બે થી ત્રણ કલાક સુધી બંધ કરાયો હતો.

જો કે રાતનાં ત્રણેક વાગ્યા સુધી પવનની ગતિ ઝપાટા સ્વરૂપે 40 /50 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. જો કે વરસાદ ન હોવાથી ખાલી છાંટાછૂંટી જ થવાથી વધુ નુકસાન ન થયું હતું પરંતુ શિયાળું પાક લેતાં ખેડૂતોનાં ખેતરોમાં આ ભારે પવનને કારણે નુકસાન થયું હોય ખેડૂતો ચિંતાગ્રસ્ત જોવા મળતાં હતા. આજેપણ વાતાવરણ સતત વાદળછાયું છે. અને બરફીલાં પવનને હિસાબે ઠંડીનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકોએ ગરમ વસ્ત્રો પહેરીને પોતાના કામધંધે જતાં જોવા મળેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement