રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીનો ધમધમાટ : સમરસ પેનલની જાહેરાત

03 December 2021 03:56 PM
Rajkot Politics
  • રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીનો ધમધમાટ : સમરસ પેનલની જાહેરાત
  • રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીનો ધમધમાટ : સમરસ પેનલની જાહેરાત

* પ્રમુખપદ માટે અમિત ભગત, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી તરીકે દિલીપ મહેતા, જોઇન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ટ્રેઝર તરીકે જીતેન્દ્ર પારેખ અને લાયબ્રેરી સેક્રેટરીના પદે સુમિતકુમાર વોરાની ઉમેદવારી

* કોર્ટ અને બાર વચ્ચે સંકલનનો સેતુ બનાવીશું, ટ્રાફિક-પાર્કીંગ સહિત નાનામાં નાના વકીલોને લગતા મુદ્દા અને હાઇકોર્ટની બેચ રાજકોટને મળે તેવા તમામ ધારાશાસ્ત્રીઓના હિતના પ્રશ્નોને હંમેશા અગ્રતા આપવાનું વચન : સમરસ પેનલે તૈયારીઓ શરુ કરી દીધી

* પ્રદેશ ભાજપ લીગલ સેલના કન્વીનર, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલ, રાજકોટ ભાજપ લીગલ સેલના અંશભાઈ ભારદ્વાજ, સી.એચ. પટેલ, હિતેશભાઈ દવે વગેરે આગેવાનો-હોદેદારોની હાજરીમાં તા. 7 ડિસેમ્બરના રોજ સમરસ પેનલના ઉમેદવારો બપોરે 12.30 કલાકે વિજય મુર્હૂતમાં ફોર્મ ભરશે

રાજકોટ,તા. 3
રાજકોટ બાર એસો.ની ચૂંટણી આગામી તા. 17 ડિસેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે વકીલ આલમમાં ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. આજે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા પ્રથમ પેનલ સામે આવી છે. જેને સમરસ પેનલ નામ અપાયું છે. આ પેનલે પોતાના 6 પદના 6 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. આજે ભાજપ લીગલ સેલના અંશભાઈ ભારદ્વાજ, સી.એચ. પટેલ અને હિતેષ દવે સહિત સમરસ પેનલના છ ઉમેદવારો ‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જેમાં પ્રમુખપદે અમિત ભગત, ઉપપ્રમુખપદે સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી તરીકે દિલીપ મહેતા, જોઇન્ટ સેક્રેટરી તરીકે ધર્મેશ સખીયા, ટ્રેઝર તરીકે જીતેન્દ્ર પારેખ અને લાયબ્રેરી સેક્રેટરીના પદેદ સુમિતકુમાર વોરા ઉમેદવારી નોંધાવશે.

સમરસ પેનલા સભ્યોએ રાજકોટના ધારાશાસ્ત્રીઓને વચન આપતા જણાવ્યું હતું કે તેમની પેનલનો મુખ્ય હેતુ કોર્ટ અને બાર વચ્ચે સંકલનનો સુદ્રઢ સેતુ બનાવીશું, આ ઉપરાંત ટ્રાફિક-પાકિંગ સહિત નાનામાં નાના વકીલોને લગતા તમામ મુદાઓ અને હાઈકોર્ટની બેચ રાજકોટને મળે તેવા પ્રયાસો કરાશે તેમજ તમામ ધારાશાસ્ત્રીઓ હિતના પ્રશ્નોને અગ્રતા આપીશું. આ સાથે આજથી જ સમરસ પેનલે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે.

પ્રદેશ ભાજપ લીગલ સેલના કન્વીનર, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલ, રાજકોટ ભાજપ લીગલ સેલના અંશભાઇ ભારદ્વાજ, સી.એચ. પટેલ, હિતેશભાઈ દવે વગેરે આગેવાનો-હોદેદારોની હાજરીમાં તા. 7 ડિસેમ્બરના રોજ બપોરે 12.39 કલાકે વિજય મુર્હૂતમાં સમરસ પેનલના તમામ ઉમેદવારો ફોર્મ ભરી દાવેદારી નોંધાવશે. સમરસ પેનલના સભ્યોએ દાવો કર્યો છે કે, રાજકોટના સિનિયર-જુનિયર વકીલોનું તેમની પેનલને બહોળુ સમર્થન છે.

ધર્મેશ જી. સખીયા-એડવોકેટ જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર


ધર્મેશ જી. સખીયા વર્ષ 2015-16માં કારોબારી સભ્ય તરીકે રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં જંગી બહુમતીથી ચુંટાઈ અમૂલ્ય સેવા આપી ચુકેલા છે. તે સમયગાળા દરમ્યાન વકિલો માટેના બે-દિવસના પ્રવાસનું સુંદર આયોજન કરેલ તથા વકિલો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ સફળ આયોજન કરેલ. હાલમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના સંપર્ક પ્રમુખ તરીકે પણ જવાબદારી નીભાવી રહ્યા છે. રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનમાં સંગઠન કમીટીના સભ્ય તરીકે સેવા આપી કોવિડ-19ના લોકડાઉનના સમયમાં વકિલોને ભારતમાં સૌપ્રથમ રાશન કીટ વિતરણ કરવામાં આવેલ.

તેમાં તેઓએ સહયોગ આપી કિટ વિતરણ વ્યવસ્થામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ખોડલધામ લીગલ સેલની નોલેજ શેરીંગ સેન્ટરમાં શરૂઆતથી જ અવિરત પણે સક્રિય રીતે સેવા આપી રહેલ છે અને ખોડલધામ લીગલ સેલમાં સક્રિય સભ્યપદ ધરાવે છે અને તે ઉપરાંત રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનનાકારોબારી સભ્ય વર્ષ 2010થી રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ સી.એચ. પટેલના જુનીયર તરીકે સિવિલ, ક્રિમિનલ તથા રેવન્યુ ક્ષેત્રે વકીલાતની શરૂઆત ક્રેલ અને ત્યારબાદ વર્ષ 2012થી રાજકોટના મદદનીશ સરકારી વકીલ દિલીપભાઈ મહેતા તથા અતુલભાઈ જોષીના જુનીયર તરીકે સીવીલ પ્રેકટીસનો બહોળો અનુભવ મેળવેલ છે.

દિલીપ એમ. મહેતા સેક્રેટરી પદના ઉમેદવાર


દિલીપ એમ. મહેતા રાજકોટ બાર એસોસીએશનની વર્ષ 2022ની અત્યંત રોચક ચૂંટણીમાં સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. તેઓ વર્ષ 2022થી રાજકોટ ખાતે સીવીલ તથા રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે અને તેઓની ગુજરાત સરકાર (લીગલ ડીપાર્ટમેન્ટ) દ્વારા રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તથા આસીસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર તરીકે નિમણુંક થયેલી છે, અને તેઓ નોટરી બાર એસોસીએશનના સભ્ય છે. રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના સ્થાપક ઉપપ્રમુખ છે.

લીગલ સેલ, રાજકોટ શહેરમાં કેમ્પસ કન્વીનર તરીકે સેવા આપી ચુકેલા છે. તે ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંનિષ્ઠ કાર્યકર છે અને પ્રાથમીક વર્ગ શિક્ષિત છે. તેઓ બ્રહ્મ સમાજમાંથી આવતા અત્યંત શાંત, સૌમ્ય અને મળતાવડા સ્વભાવના હોય તેઓની ઉમેદવારીથી તમામ એડવોકેટોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. તમામ સીનીયર તથા જુનીયર વકીલોમાંથી પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.

સુુમિતકુમાર ધીરજલાલ વોરા લાઈબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર


સુમીતકુમાર ધીરજલાલ વોરા વકીલાતના વ્યવસાયમાં વર્ષ 2008થી ગુજરાતના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને રાજયસભાના પુર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજ અને જયદેવભાઈ શુકલની ઓફીસમાં જુનીયર તરીકે સીવીલ, ક્રીમીનલ તથા રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરે છે, અને વર્ષ 2014-15 તથા વર્ષ 2016-17 માં કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતીથી વિજેતા થઈ રાજકોટ બાર એસોસીએશન દ્વારા વકીલોના હીતમાં ચાલતા એડવોકેટ વેલ્ફેર ફંડમાં કારોબારી સભ્ય તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા વિભાગના હ્યુમન રાઈટસ ડિપાર્ટમેન્ટમાં વાઈસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. જિલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટમાં પેનલ એડવોકેટ, રાજકોટ ડીસ્ટ્રીકટ બાર સંગઠન કમીટીના સભ્ય, ખોડલધામ લીગલ સેલની નોલેજ શેરીંગ સેન્ટરમાં વકીલોના નોલેજ શેરીંગની પ્રવૃતિમાં સતત કાર્યશીલ છે.

જીતેન્દ્ર એચ.પારેખ ટ્રેઝરર (ખજાનચી) પદના ઉમેદવાર


જીતેન્દ્ર એચ.પારેખ સૌ-પ્રથમ પંકજભાઈ દેસાઈ સાથે ત્યારબાદ મિહીરભાઈ દવે સાથે ત્યાર બાદ છેલ્લા અઢાર વર્ષથી આર.ડી.ઝાલા સાથે રહી વકિલાતની ક્રિમિનલ, સિવિલ અને રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરી રહેલા છે. તેઓ જુનિયર એડવોકેટ એસોસિએશન અને હાલ સૌરાષ્ટ્ર જુનિયર એડવોકેટ એસોસિએશનના કો-ફાઉન્ડર તરીકે રહેલા છે અને તેમાં છેલ્લા પંદર વર્ષથી સેવા આપી રહેલા છે અને રાજકોટ બાર એસોશિએશના કારોબારી સભ્ય તરીકે ચાર વખત ચુંટાયેલા છે અને છેલ્લા અકે વર્ષથી ન્યુ કોર્ટ બિલ્ડિંગ કમિટીમાં મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે તેમજ કોવિડ-19ના સમયગાળામાં વકિલઓના હિતાર્થે સેવા આપેલી તેમજ ભાજપ લીગલ સેલમાં છેલ્લા પંદર વર્ષથી કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે. ગુજરાતમાં સૌ-પ્રથમ નવા વકિલઓને ફરજીયાત આપવાની થતી ઓલ ઈન્ડિયા બાર એકઝામિનેશનની પરિક્ષાના કલાસિસ ચાલુ કરાવેલા હંમેશા અજાતશત્રુ તરીકેની છાપ ધરાવે છે. તેમને સિનિયર તથા જુનિયર વકિલઓનો બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

સિધ્ધરાજસિંહ કે. જાડેજા ઉપપ્રમુખપદના ઉમેદવાર


સિધ્ધરાજસિંહ કે. જાડેજા રાજકોટની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં વકીલાતનો વ્યવસાય સને 1997ની સાલમાં શરુ કરેલો અને સને 2001ની સાલમાં રાજકોટ બાર એસોસિએશનમાં કારોબારી સભ્ય તરીકે નાની ઉંમરે જંગી બહુમતીથી ચુંટાઈ આવેલા. સને 2003ની સાલમાં જુનિયર બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાયેલા હતા, તેમજ સને-2008ની સાલમાં ઇન્ડીયન એસોસિએશન ઓફ લોયરર્સના ડીસ્ટ્રીક્ટ ચેરમેન તરીકે નિમણુંક પામી વકીલોના પ્રશ્ર્ને સતત જાગૃત રહી અગ્રેસર રહેલ છે તેમજ સને 2009ની સાલમાં ક્રિમીનલ બાર એસોસિએશન રાજકોટના સેક્રેટરી તરીકે નિમણુંક થયેલી તેમજ સને 2010માં રાજકોટ બાર એસોસિએશનમાં બિનહરીફ ટ્રેઝરર (ખજાનચી) તેમજ સને 2013 અને 2019ની સાલમાં રાજકોટ બાર એસોસિએશનમાં ઉપપ્રમુખપદે જંગી બહુમતીથી મતો મેળવીને ચૂંટાઈ આવેલા હતા.

અમિત એસ. ભગત પ્રમુખપદના ઉમેદવાર


અમિત એસ. ફભગત છેલ્લા 28 વર્ષોથી વકીલાત કરે છે. વકીલાતની શરુઆત રાજકોટના સિનિયર વકીલ શરદભાઈ અને મધુસુદનભાઈ સોનપાલ સાથે કરેલી, રાજકોટ બારમાં 6 વાર કારોબારી સભ્ય, બે વાર જોઇન્ટ સેક્રેટરી, બે વાર ટ્રેઝરર તરીકે સેવા આપેલી અને બે વાર હોદેદારોમાં બિનહરીફ ચૂંટાયેલા બારના સિનિયર તથા જુનિયર ધારાશાસ્ત્રીઓમાં ખુબ જ લોકચાહના તથા પ્રસિધ્ધિ તેમજ નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવે છે અને તમામ સિનિયર તથા જુનિયર વકીલોનો ટેકો સાંપડી રહેલો છે.

વિજય નકકી છે, માર્જિન માટે મહેનત કરીશું: અંશભાઈ
રાજકોટ બારની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવારોની જાહેરાત થયા બાદ ભાજપ લીગલ સેલે સમરસ પેનલને સમર્થન આપ્યું છે આ તે અંશભાઈ ભારદ્વાજે કહ્યું છે કે, વકીલોના હિત માટે, તેમના પ્રશ્નો માટે પક્ષથી ઉપર ઉઠી કામ કરવાનું છે ત્યારે સમરસ પેનલ આ કામ કરશે. સિનિયર જુનિયર વકીલો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સમરસ પેનલનો વિજય નકકી છે. તમામ ઉમેદવાર તમામ વકીલો સાથે જમીની સ્તરથી જોડાયેલા છે. જેથી આ પેનલનો વિજય થશે તે નકકી છે પરંતુ હવે માર્જિન વધુ મેળવવા જ મહેનત કરીશું.


Related News

Loading...
Advertisement
Advertisement