વાયુ પ્રદુષણ : યુપી સરકારની દલીલ; પાકિસ્તાનથી આવતા પવનને કારણે પ્રદુષણ ફેલાય છે, સુપ્રિમ કોર્ટે ટકોર કરી-તો શું ત્યાંના ઉદ્યોગો બંધ કરાવવા?

03 December 2021 04:43 PM
India
  • વાયુ પ્રદુષણ : યુપી સરકારની દલીલ; પાકિસ્તાનથી આવતા પવનને કારણે પ્રદુષણ ફેલાય છે, સુપ્રિમ કોર્ટે ટકોર કરી-તો શું ત્યાંના ઉદ્યોગો બંધ કરાવવા?

દિલ્હીમાં વાયુ પ્રદુષણ મામલે તત્કાળ ટાસ્ક ફોર્સની રચના: દિલ્હી સરકારે હોસ્પિટલોના નિર્માણ કાર્યના નિયમોમાંથી છૂટ આપવાની માંગ કરી

નવી દિલ્હી,તા.3
પાટનગર દિલ્હીમાં ખતરનાક વાયુ પ્રદુષણ સામે સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ છેવટે કેન્દ્ર સરકાર દ્વારા ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. વાયુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અદાલતમાં આજે સોગંદનામું પેશ કરવામાં આવ્યું હતું અને પ્રદુષણને રોકવા માટે અને તેના પર સતત વોચ રાખવા માટે એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ટાસ્ક ફોર્સમાં 17 નિષ્ણાંતોને સામેલ કરવામાં આવ્યા છે. દરરોજ સાંજે છ વાગ્યે સરકારને રિપોર્ટ કરશે. સરકારના આ પગલાથી સુપ્રિમ કોર્ટે સંતોષ દર્શાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે વાયુ પ્રદુષણ મામલે નક્કર પગલા લેવા કેન્દ્ર તથા દિલ્હી સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું જેના પગલે તાત્કાલીક અસરથી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

બીજી તરફ, દિલ્હીમાં બાંધકામ નિર્માણ પર રોક વચ્ચે હોસ્પિટલનું બાંધકામ ચાલુ રાખવા દેવા દિલ્હી સરકારે સુપ્રિમ કોર્ટની મંજૂરી માગી હતી. કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે તકેદારી અને તૈયારી માટે હોસ્પિટલના બાંધકામને નિયમોમાંથી મુક્તિ આપવા માંગ કરવામાં આવી હતી.

દરમિયાન, ઉતરપ્રદેશ સરકારે સર્વોચ્ચ અદાલતમાં એવી દલીલો કરી હતી કે ઉદ્યોગોને દંડ કરવામાં આવે તો શેરડી તથા દૂધ ઉદ્યોગ પ્રભાવીત થશે અને વિકાસની દ્રષ્ટિએ ઉતરપ્રદેશ પાછળ ધકેલાશે. સરકાર તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે પ્રદુષિત હવા મોટાભાગે પાકિસ્તાન તરફથી આવી રહી છે. સરકારની આ દલીલથી મુખ્ય ન્યાયધીશ એન.વી. રમણે એવી ટકોર કરી હતી કે તો શું પાકિસ્તાનના ઉદ્યોગો ઉપર પ્રતિબંધ મુકવો પડશે!

અદાલતે સ્કૂલ બંધ કરવાના મુદે પણ એવી ટકોર કરી હતી કે, પ્રદુષણ માટે કોઇ સૂચનાઓ આપી રહી છે પરંતુ કોર્ટને ખલનાયક તરીકે ચિતરવાનો પ્રયત્ન થાય છે. ઇરાદાપૂર્વક થાય છે કે અન્ય કોઇ ઉદેશ્ય છે તે સમજાતું નથી.


Related News

Loading...
Advertisement
Advertisement