અમદાવાદ પછી સુરત : બિલ્ડર ગ્રુપ પર ત્રાટકતું ઇન્કમટેક્સ

03 December 2021 04:44 PM
Rajkot Gujarat
  • અમદાવાદ પછી સુરત : બિલ્ડર ગ્રુપ પર ત્રાટકતું ઇન્કમટેક્સ

સંગીની ગ્રુપના બે ભાગીદારો ઉપરાંત અરિહંત, મહેન્દ્ર ચંપક સહિતનાં અન્ય ત્રણ પણ ઝપટે : સવારથી 30 સ્થળોએ કાર્યવાહી : મોટી રકમની કરચોરી પકડાવાની આશંકા

રાજકોટ,તા. 3
ગુજરાતની બિલ્ડર લોબી આવકવેરા ખાતાના નિશાન ઉપર હોય તેમ અમદાવાદ પછી હવે સુરતના રીયલ એસ્ટેટ ક્ષેત્રનો વારો લેવામાં આવ્યો છે. રાજ્યમાં એક જ મહિનામાં આ ત્રીજુ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા બિલ્ડર લોબીમાં ખળભળાટ સર્જાયો છે. આજ સવારથી સુરતમાં સંગીની બિલ્ડર ગ્રુપ તથા તેના ભાગીદારો સહિત 30 જેટલા સ્થળોએ મોટાપાયે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આવકવેરા ખાતાના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે, સુરતમાં જાણીતા સંગીની બિલ્ડર ગ્રુપને આજે નિશાન બનાવવામાં આવ્યું હતું. સવારથી દોઢસો જેટલા અધિકારીઓનો કાફલો સંગીની બિલ્ડર ગ્રુપ તથા તેના ભાગીદારોના નિવાસસ્થાન તથા ઓફીસો સહિત 30 સ્થળોએ ત્રાટકયો હતો અને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સંગીની બિલ્ડર ગ્રુપના બે ભાગીદારોની ઓફીસ તથા નિવાસસ્થાન ઉપરાંત તેમની સાથે કનેકશન ધરાવતા અરીહંત, મહેન્દ્ર ચંપક તથા અશેષ દોશીને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દરોડા કાર્યવાહીમાં સુરત ઉપરાંત અમદાવાદ જેવા શહેરોના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. મોટી રકમના બિનહિસાબી વ્યવહારો પકડાવાની અને કરચોરી ખુલવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવકવેરા ખાતાએ છેલ્લા એકાદ મહિનાથી બિલ્ડર લોબીને નિશાન બનાવી હોવાની છાપ ઉપસવા લાગી છે. અમદાવાદમાં પખવાડીયામાં ઉપરાઉપરી બે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારપછી હવે સુરતના બિલ્ડરો પર તવાઈ ઉતારવામાં આવી છે. કોરોના કાળ વખતે સ્થગિત થઇ ગયેલું રિયલ એસ્ટેટ છેલ્લા કેટલાક મહિનાઓથી ધમધમવા લાગ્યું છે. સારા એવા પ્રમાણમાં વેપાર થવા ઉપરાંત નવા-નવા પ્રોજેક્ટો પણ મૂકવામાં આવી રહ્યા છે તે આવકવેરા ખાતાના નજરે ચડી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજ્યના બે મહાનગરોમાં બિલ્ડર લોબી ઇન્કમટેક્સની ઝપટે ચડી જવાના પગલે રાજકોટ સહિતનાં બિલ્ડરો પણ એલર્ટ થઇ ગયા છે. રાજકોટમાં જો કે દિવાળી પૂર્વે ટોચના બિલ્ડર ગ્રુપ એવા આર.કે. ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું જ હતું અને કરોડો રુપિયાના બિનહીસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો હતો. રાજ્યભરની બિલ્ડર લોબીમાં ઇન્કમટેક્સ કાર્યવાહી સામે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે


Related News

Loading...
Advertisement
Advertisement