મજબૂત શરૂઆત બાદ ટીમ ઈન્ડિયા ફસડાઈ: કોહલી-પુજારા ‘0’મા આઉટ

03 December 2021 05:12 PM
Sports
  • મજબૂત શરૂઆત બાદ ટીમ ઈન્ડિયા ફસડાઈ: કોહલી-પુજારા ‘0’મા આઉટ

મયંક અગ્રવાલની ફિફટી: વરસાદ વિઘ્ન બનતાં મેચ મોડેથી થઈ શરૂ: શુભમન ગીલ 44 રન બનાવી આઉટ: કોહલી-પુજારા-ગીલ ત્રણેયને એજાજ પટેલે બનાવ્યા શિકાર

મુંબઈ, તા.3
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે વરસાદના વિઘ્નને કારણે મોડેથી શરૂ થયેલા બીજા ટેસ્ટ મેચમાં મજબૂત શરૂઆત કર્યા બાદ ટીમ ઈન્ડિયા ફસડાઈ પડી હોય તેવી રીતે 120 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. આજે મયંક અગ્રવાલ અને શુભમન ગીલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યા બાદ કેપ્ટન કોહલી અને ચેતેશ્વર પુજારા ‘0’ રન બનાવી આઉટ થઈ જતાં ન્યુઝીલેન્ડ ટીમ ભારત ઉપર હાવિ થવા લાગી હતી.

જો કે મયંક અગ્રવાલે ફિફટી ફટકારી એક છેડો સાચવી રાખીને સ્કોરબોર્ડ સતત ફરતું રાખતાં તેને આઉટ કરવા માટે કિવિ બોલરો મહેનત કરી રહ્યા છે. આજે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને મયંક અગ્રવાલ-શુભમન ગીલે મજબૂત શરૂઆત અપાવતાં પહેલી વિકેટની ભાગીદારીમાં 80 રન જોડી દીધા હતા. આ વેળાએ શુભમન ગીલ એજાજ પટેલની બોલિંગમાં રોસ ટેલરને કેચ આપી બેસતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો.

ગીલે 71 બોલમાં એક છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. ગીલના આઉટ થયા બાદ ચેતેશ્વર પુજારા પાંચ બોલ રમ્યો કે એજાજ પટેલના છેતરામણા બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. પુજારા પછી કોહલી ક્રિઝ પર આવ્યો પરંતુ તે પણ ચાર બોલ રમીને જ એજાજ પટેલની બોલિંગમાં એલબીડબલ્યુ થઈ જતાં ભારતે 80 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બીજી બાજુ મયંક અગ્રવાલ 58 રન બનાવી ક્રિઝ ઉપર ટકી ગયો છે અને તેને શ્રેયસ અય્યર 12 રન બનાવીને સાથ આપી રહ્યો છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતે 3 વિકેટના ભોગે 122 રન બનાવી લીધા છે.


Related News

Loading...
Advertisement
Advertisement