કલેકટર કચેરીમાંથી લોકોને મનપાના ધકકા ન ખવડાવો : ‘વેદના’ પહોંચાડતા દર્શિતાબેન શાહ

03 December 2021 05:55 PM
Rajkot
  • કલેકટર કચેરીમાંથી લોકોને મનપાના ધકકા ન ખવડાવો : ‘વેદના’ પહોંચાડતા દર્શિતાબેન શાહ

કોરોના રીપોર્ટ હોય તો કોર્પો.ના પ્રમાણપત્રની જરૂર નથી : મામલતદારોને સૂચના આપવા ડે.મેયરે વાત કરી

રાજકોટ, તા. 3
આરટી-પીસીઆર કે એન્ટીજન ટેસ્ટનો કોરોના રીપોર્ટ હોય અને 30 દિવસમાં દર્દીનું અવસાન થયું હોય તો સહાય માટે સીધી કલેકટર કચેરીમાં અરજી કરી શકે તેવી સરકારની જાહેરાત છતાં કલેકટર કચેરીમાં જતા લોકોને મનપામાં ધકકા ખવડાવવામાં આવતા હોવાની ફરીયાદ ઉઠી રહી છે.

આ ફરીયાદનો પડઘો ડે.મેયર ડો. દર્શિતાબેન શાહે જિલ્લા કલેકટરને પહોંચાડયો છે. કોરોનામાં સ્વજન ગુમાવનાર પરિવારને હુંફ અને સંવેદનાની જરૂર છે. સરકારે ઘણા નિયમો હળવા કર્યા છે. તેમની પાસે રીપોર્ટ હોય તેમણે કોર્પો.માંથી એમસીસીડી સર્ટીફીકેટ કઢાવવાની પણ જરૂર નથી. આમ છતાં કોર્પો.માં ભીડ ઓછી થતી ન હોય, ગઇકાલે ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ સિવિક સેન્ટરમાં ગયા હતા.

લોકોની પૃચ્છામાં તેમણે એવું જાણવા મળ્યું હતું કે કોરોના પોઝીટીવ રીપોર્ટ સહિતના દસ્તાવેજ હોવા છતાં મામલતદાર કચેરીઓમાંથી તેમને કોર્પો.નું સર્ટીફીકેટ લાવવા ફરજ પાડવામાં આવે છે. આ કારણે તેઓનો સમય પણ બગડી રહ્યો છે. કોર્પો.ના ગેઇટ પર કોરોના રીપોર્ટ હોય તો મનપાના પ્રમાણપત્રની જરૂર નહીં હોવાનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે.

આ પૂરી સ્થિતિ અંગે તેમણે કલેકટર અરૂણ મહેશ બાબુને વાકેફ કર્યા હતા. કલેકટરે આ અંગે તુરંત મામલતદારોને સુચના આપવા કાર્યવાહી કરી છે. પ0 હજારની સહાય માટે પરિવારોના ધકકા ઓછા થાય તે માટે ડે.મેયરે આ પ્રયાસ કર્યો છે. સાથે જ લોકોને લગતી તમામ સુચનાઓના બોર્ડ મામલતદાર ઓફિસોમાં પણ મુકવા સૂચન કર્યુ છે. જોકે બે દિવસ પહેલા વારસદારના કેસમાં હયાત પતિ કે પત્નીને તુરંત સહાયને પાત્ર ગણવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી તે ઉલ્લેખનીય છે.


Related News

Loading...
Advertisement
Advertisement