હાઈકોર્ટમાં સૌરાષ્ટ્રના 45% કેસ: રાજકોટને બેન્ચ આપવા સાંસદ કુંડારિયાની સંસદમાં માંગણી

03 December 2021 06:01 PM
Rajkot
  • હાઈકોર્ટમાં સૌરાષ્ટ્રના 45% કેસ: રાજકોટને બેન્ચ આપવા સાંસદ કુંડારિયાની સંસદમાં માંગણી

મોરબી, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના લોકોને ગાંધીનગર કરતાં રાજકોટ વધુ નજીક પડે

ગાંધીનગરમાં આવેલી હાઈકોર્ટમાં કેસનું ભારણ હોવાને કારણે લોકોને સમયસર ન્યાય નહીં મળી રહ્યાનો પણ ઉલ્લેખ

રાજકોટ, તા.3
એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિતની સુવિધાથી સજ્જ બનવા જઈ રહેલા રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માટે વિવિધ સ્તરેથી માંગણી થઈ રહી હતી. આ બધાની વચ્ચે હવે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ આ મુદ્દાને લોકસભામાં ઉઠાવી રાજકોટને હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માટે લેખિત માંગણી કરી છે.મોહનભાઈ કુંડારિયાએ લોકસભામાં રજૂ કરેલી લેખિત માંગણીમાં જણાવ્યું છે

કે સૌરાષ્ટ્રની વસતી અંદાજે 2.5 કરોડ જેટલી છે પરંતુ સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ નહીં હોવાને કારણે અહીંના લોકોને પોતાના અદાલતી કાર્યો માટે ગાંધીનગર સુધી જવું પડે છે. ગાંધીનગર હાઈકોર્ટમાં પણ અંદાજે 45% કેસો સૌરાષ્ટ્રમાંથી જ આવે છે જેના કારણે પોતાના કેસ માટે પક્ષકારોએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જિલ્લાઓમાંથી ગાંધીનગર સુધી પહોંચવા માટે 6થી 8 કલાકનો સમય વેડફવો પડી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં એક પણ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ નથી.

જો રાજકોટમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ આપવાની મંજૂરી મળે છે તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા મોરબી, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરના પક્ષકારોને પણ પોતાના કેસ માટે ગાંધીનગરની જગ્યાએ રાજકોટ આવવું પડશે જે ઘણું નજીક પડશે. બીજી બાજુ ગાંધીનગર હાઈકોર્ટમાં વધુ કેસ હોવાને કારણે લોકોને સમયસર ન્યાય મળી રહ્યો છે. મોહનભાઈ કુંડારિયાએ એક કહેવત ટાંકતાં લખ્યું છે કે ‘ન્યાય મોડેથી મળવો ન્યાય ન મળવા બરાબર છે’

આ કહેવત પ્રમાણે જ ન્યાય નહીં મળવાને કારણે આજે લોકોનો અદાલતો પરથી ભરોસો ઉઠી રહ્યો છે. લોકોને ઝડપથી ન્યાય મળી રહે તેવી સરકારની પણ ભાવના છે એટલા માટે જ હું સરકાર સમક્ષ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ રાજકોટમાં ફાળવવાની સૌરાષ્ટ્રની જનતા તરફથી માંગ કરી રહ્યો છું.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માટે ઘણા સમયથી માંગણીઓ થઈ રહી હતી પરંતુ હવે સત્તાવાર રીતે તે સંસદના રેકર્ડ ઉપર પણ આવી ચૂકી છે.

મોહન કુંડારિયાએ સ્પષ્ટ કહ્યું છે કે દેશના વિવિધ રાજ્યોમાં હાઈકોર્ટની બેન્ચ મળેલી છો તો પછી સૌરાષ્ટ્રમાં શા માટે ન આપી શકાય ? હવે સાંસદે લોકસભામાં લેખિત માંગણી કરેલી છે એટલા માટે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળવાનો માર્ગ મોકળો થઈ રહ્યાનું પણ લાગી રહ્યું છે. બીજી બાજુ રાજકોટની ભાગોળે નવી કોર્ટ બની રહી છે તે જ બિલ્ડિંગમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ બેસે તેવી શક્યતાઓ પણ અત્યારથી જ વ્યક્ત થવા લાગી છે.


Related News

Loading...
Advertisement
Advertisement