ગૂડ બાય, પ્રોફેસર... બેલા ચાઓ!

04 December 2021 12:03 PM
Entertainment
  • ગૂડ બાય, પ્રોફેસર... બેલા ચાઓ!
  • ગૂડ બાય, પ્રોફેસર... બેલા ચાઓ!
  • ગૂડ બાય, પ્રોફેસર... બેલા ચાઓ!

વર્ષ 2017 થી 2021! ‘મની હાઇસ્ટ’ વેબસીરિઝ સમગ્ર વિશ્ર્વભરમાં હવે ફિનોમેનન બની ગઈ છે. એક એવો શો, જે ટેલિવિઝન પર નિષ્ફળ નીવડ્યો અને ઑટીટી પ્લેટફોર્મ પર જગવિખ્યાત! સાવ સસ્તા ભાવે નેટફ્લિક્સે ખરીદેલા ‘મની હાઇસ્ટ’ શોમાં કામ કરી ચૂકેલાં કિરદારો આજે ઇન્ટરનેશનલ સ્ટાર્સ છે! ‘પ્રોફેસર’નું પાત્ર ભજવતાં અલ્વારો મોર્તે તો થોડા અઠવાડિયા અગાઉ ‘એમેઝોન પ્રાઇમ’ પર રીલિઝ થયેલી વેબસીરિઝ ‘વ્હીલ ઑફ ટાઇમ’માં પણ મહત્વનું પાત્ર ભજવી રહ્યા છે. અને હવે જ્યારે ‘મની હાઇસ્ટ’ના પાંચમા પાર્ટનું ‘વોલ્યુમ-2’ (પાંચ એપિસોડ્સ) ગઈકાલે રીલિઝ થયું, એ પછી ‘પ્રોફેસર’ને કહેવાનું મન થાય, જહાંપનાહ, તુસ્સી ગ્રેટ હો! તૌફા કબૂલ કરો. મોકાનો લાભ ઉઠાવીને નેટફ્લિક્સે તો અગાઉથી જ જાહેરાત કરી દીધી છે કે ‘મની હાઇસ્ટ’નો ભલે આ અંત હોય, પરંતુ વાર્તાનો અંત નથી. બહોળી લોકચાહના પામેલા પાત્ર ‘બર્લિન’નો એક અલાયદો સ્પિન-ઑફ્ફ શો આ જ નામથી વર્ષ 2023માં નેટફ્લિક્સ પર રીલિઝ થશે.

જો તમે ‘મની હાઇસ્ટ’ના પહેલા ચાર ભાગ અને પાંચમો ભાગ (વોલ્યુમ-1) હજુ સુધી નથી હોયા, તો અહીંથી જ અટકી જવા વિનંતી છે, કારણકે આગળના રિવ્યુમાં આવનારા ઘણા સ્પોઇલર્સ તમારી મજા બગાડી નાખશે. સ્પેનના મેડ્રિડનું દ્રશ્ય. કેટલાક ચોરો ‘રોયલ મિન્ટ ઑફ સ્પેન’ પર કબ્જો કરીને ત્યાંના લોકોને પોતાના હોસ્ટેજ બનાવી લે છે. આ આખી ચોરીનો માસ્ટરમાઇન્ડ ઘટનાસ્થળથી બહુ દૂર કે સાવ નજીક ન કહી શકાય એવા કોઈ સ્થળે બેસીને પોતાની ટુકડીને આદેશો આપે છે અને ચોરીનો પ્લાન અંજામ પામે છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ નોટો છાપવાની મશીનનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાનું નાણું લઈને રફુચક્કર થઈ જવાનું સુનિયોજિત આયોજન છે. પહેલી બે સિઝનમાં ‘રોયલ મિન્ટ ઑફ સ્પેન’ની આ ચોરીને હાઇલાઇટ કરવામાં આવી છે, જેમાં ટોક્યોથી શરૂ કરીને બર્લિન, મોસ્કો, રિઓ, ડેન્વર વગેરે ભેજાબાજો પૈસાની ચોરી કરે છે.

ત્યારબાદ, શોની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ‘મની હાઇસ્ટ’નો ત્રીજો, ચોથો અને પાંચમો ભાગ બનાવવામાં આવે છે, જેમાં ‘બેંક ઑફ સ્પેન’ને ચોરીનું કેન્દ્રસ્થાન રાખવામાં આવ્યું છે. 90 ટનની સોનાની ઇંટો સાથે સ્પેનની રાષ્ટ્રીય ધરોહર સમા ખજાનાને ચાઉં કરી જવાનો માસ્ટર-પ્લાન પ્રોફેસર દ્વારા અમલમાં મૂકાય છે, પરંતુ અહીં આ પ્લાન અંગેનો મૂળ વિચાર જેના મનમાં આવ્યો હતો એવો બર્લિન હવે મૃત્યુ પામ્યો છે. આથી બર્લિનના ફ્લેશબેક સાથે વાર્તા આગળ વધે છે. (તેનું એક કારણ એ પણ હોઈ શકે કે પ્રેક્ષકોને ખૂબ પસંદ પડેલાં બર્લિનના પાત્રને સીરિઝમાંથી સાવ કાઢી નાખવાને લીધે તેની વ્યુઅરશીપ પર અસર પડવાની સંભાવના હતી!) ત્રીજી અને ચોથી સિઝન તો હજુ ય ઠીક, પરંતુ પાંચમા ભાગનું પ્રથમ વોલ્યુમ તો લોકોને ખાસ્સું ધીમું જણાયું હતું. બેશક, ટોક્યોનું મૃત્યુ શ્ર્વાસ થંભાવી દેનારી ઘટના હતી. પ્રેક્ષકો મનોમન એવું ઇચ્છતાં હતાં કે બીજા વોલ્યુમની અંદર ટોક્યો જીવિત હોય! પરંતુ ટ્રેલર પરથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ટોક્યો હવે ‘મની હાઇસ્ટ’ની આખરી લડાઈનો ભાગ નથી.

આમ છતાં, પહેલા ભાગથી શરૂ કરીને ક્લાયમેક્સ સુધી તેના અવાજમાં અપાયેલું નરેશન પ્રેક્ષકને ટોક્યો સાથે સતત જોડી રાખવાનું કામ કરે છે. આ શો બાબતે વિશ્વભરમાં ઘણા મતમતાંતરો પ્રવર્તે છે. કેટલાકનું માનવું છે કે ગુનેગારના ગુનાને જસ્ટિફાય કરવાની આ રમત અપરાધોને પ્રોત્સાહન આપી શકે એમ છે. બીજો પક્ષ એમ માને છે કે, સમાજને આયનો દર્શાવવા માટે આ પ્રકારની વાર્તા જરૂરી છે! ડાલીનું કલાત્મક માસ્ક, લાલ કોસ્ચ્યુમ્સ અને હાથમાં બંદૂક લઈને કૂદી પડતાં આ ગુનેગારોને ગ્રે શેડમાં દર્શાવવામાં ક્રિયેટર એલેક્સ પાઇના સફળ થયા છે. આકસ્મિત રીતે તૂટી પડેલાં સંકટરૂપી આભની સામે માનવમગજ કયા પ્રકારે પ્રતિભાવ આપશે, એનું બખૂબી વર્ણન અહીં કરવામાં આવ્યું છે. ફક્ત થ્રિલર કે એક્શન જોન્રેમાં ન મૂકતાં, આ શોને મારા મતે એક સાયકોલોજિકલ શોની કેટેગરીમાં પણ મૂકવો જોઈએ!

પાંચમા ભાગનું પ્રથમ વોલ્યુમ ગત ત્રીજી સપ્ટેમ્બરના રોજ બીજું વોલ્યુમ ગઈકાલે એટલે કે ત્રીજી ડિસેમ્બરના રોજ રીલિઝ કરવામાં આવ્યું, પરંતુ પાંચ-પાંચ એપિસોડ્સના બે કટકામાં પાંચમો ભાગ રીલિઝ કરવાને બદલે તેને સળંગ પીરસી દેવામાં આવ્યો હોત તો પણ કંઈ ખાટું-મોળું નહોતું થઈ જવાનું, કારણકે હકીકતમાં બે ભાગ પાડવાની કોઈ જરૂર જ પેદા નહોતી થઈ! ખેર, એ તો જેવી મેકર્સની ઇચ્છા. એક વાત તો કહેવી પડશે કે શોનો અંત જે હાઇપ સાથે થવો જોઈતો હતો, એ ઉભો કરવામાં તેઓ સફળ રહ્યા છે. તદુપરાંત, ક્લાયમેક્સમાં વાર્તાને પણ પૂર્ણ ન્યાય મળવાનો સંતોષ અનુભવી શકાય છે. આમ છતાં, ‘આર્તુરોનું શું થયું?’ એવો એક પ્રશ્ર્ન પ્રેક્ષકના મગજમાં રહી જશે. અલવિદા, મની હાઇસ્ટ. તમારી માઇન્ડ-ગેમ્સ બહુ યાદ આવશે, પ્રોફેસર! ગૂડ બાય. બેલા ચાઓ, ટોક્યો!

bhattparakh@yahoo.com

: ક્લાયમેક્સ:
મોકાનો લાભ ઉઠાવીને નેટફ્લિક્સે તો અગાઉથી જ જાહેરાત કરી દીધી છે કે ‘મની હાઇસ્ટ’નો ભલે આ અંત હોય, પરંતુ વાર્તાનો અંત નથી. બહોળી લોકચાહના પામેલા પાત્ર ‘બર્લિન’નો એક અલાયદો સ્પિન-ઑફ્ફ શો આ જ નામથી વર્ષ 2023માં નેટફ્લિક્સ પર રીલિઝ થશે.

કેમ જોવી?:
ગ્લોબલ ફિનોમેનન કઈ રીતે ઉભી કરી શકાય એ જાણવાની ઇચ્છા હોય તો!

કેમ ન જોવી?:
ચોરી, લૂંટ-ફાટ અથવા એક્શનથી ભરપૂર કોન્ટેન્ટથી દૂર રહેતા હો તો!

સાંજસ્ટાર: સાડા ત્રણ ચોકલેટ


Related News

Loading...
Advertisement
Advertisement